✕

થોડું પણ પાલન કરીને બતાવો, નહીંતર કહી દો કે અમે લાચાર છીએ

23 October, 2026 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાયુપ્રદૂષણ અને ફટાકડા પરના પ્રતિબંધના ઉલ્લંઘન મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટ BMC, પોલીસ અને પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પર વીફરી; બધાના ચીફને સમન્સ મોકલ્યા

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં સતત વધી રહેલા વાયુપ્રદૂષણને અંકુશમાં લેવામાં અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધનો અમલ કરાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહેવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)ના વડાઓને ૨૬ ઑક્ટોબરે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા સમન્સ જાહેર કર્યા છે.

ન્યાયાધીશોએ કડક શબ્દોમાં કહ્યું હતું કે ‘નિયમોનું થોડુંક પણ પાલન કરીને બતાવો. અન્યથા કોર્ટમાં એવું સોગંદનામું દાખલ કરો કે અમે લાચાર છીએ, અમને કોર્ટના આદેશોનું પાલન કરવામાં કે નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી કરવામાં કોઈ રસ નથી અથવા અમે કશું જ કરવાના નથી.’

મુંબઈમાં પ્રદૂષણનું સ્તર હવે દિલ્હી કરતાં પણ આગળ નીકળી ગયું હોવાની ગંભીર નોંધ લેતાં હાઈ કોર્ટે ચેતવણી આપી હતી કે જો આવી બેદરકારી ચાલુ રહેશે તો જવાબદાર અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ એટલે કે અદાલતના તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બાવીસ સપ્ટેમ્બરે અને ૧૫ ઑક્ટોબરે જાહેર કરાયેલા વિગતવાર નિર્દેશોનો હવાલો આપતાં અદાલતે જાહેર રસ્તાઓ, ગલીઓ અને ફુટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવાની પ્રાથમિક જાહેર નોટિસ સુધ્ધાં પ્રસિદ્ધ ન કરવા બદલ BMC અને MPCBની આકરી ઝાટકણી કાઢી હતી.

ખંડપીઠે ટકોર કરી હતી કે સરકારી તંત્ર કામગીરી કરવામાં અત્યંત ધીમું છે. કોર્ટે BMC અને MPCBને ૨૪ ઑક્ટોબર સુધીમાં તમામ અગ્રણી અખબારોમાં અને સોશ્યલ મીડિયા પર જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવાનો આદેશ આપ્યો છે. આ નોટિસમાં ફટાકડાના ધુમાડા અને અવાજથી થતા નુકસાન વિશે પણ નાગરિકોને જાગ્રત કરવા જણાવાયું છે.

કન્સ્ટ્રક્શન સંબંધિત પ્રદૂષણ અને ગેરકાયદે કચરો ઠાલવવા સામે પણ કોઈ નક્કર પગલાં ન લેવાયાં હોવાનું નોંધીને કોર્ટે ઉમેર્યું હતું કે તમામ નિયમો અને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ માત્ર કાગળ પર જ હોય એવું જણાય છે.

લાખો લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી આ પ્રદૂષણ-કટોકટી વચ્ચે જ્યારે યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર છે ત્યારે સરકારી બાબુઓ આટલા નિશ્ચિંત કેમ બેસી શકે એવો સવાલ કરતાં કોર્ટે કહ્યું હતું કે ભારે સ્મૉગ અને ઓછી વિઝિબિલિટી ચિંતાજનક છે.

પોલીસ-કમિશનરને સ્પષ્ટ નિર્દેશ

ભીડભાડવાળા રસ્તાઓ પર ખુલ્લેઆમ ફટાકડા ફૂટી રહ્યા હોવા છતાં અને મંજૂરી વગર સરઘસો નીકળતાં હોવા છતાં સ્થાનિક પોલીસ-અધિકારીઓ કોર્ટના આદેશોથી સાવ અજાણ હોવા વિશે પણ બેન્ચે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. જજોએ સવાલ કર્યો હતો કે જો અમલ જ ન થતો હોય તો આવા કાગળ પરના આદેશોનો શો અર્થ છે? અદાલતે પોલીસ-કમિશનરને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે તમામ પોલીસ-સ્ટેશનોના ઇન્ચાર્જ અધિકારીઓને આ આદેશો વિશે તાત્કાલિક માહિતગાર કરવામાં આવે અને આ બાબતે પાલન થયાનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરવામાં આવે.

મુંબઈમાં વાયુપ્રદૂષણ રોકવા BMCની ૨૮ મુદ્દાની ગાઇડલાઇન્સ કન્સ્ટ્રક્શન-સાઇટ્સની તપાસ માટે ૭૬ સ્ક્વૉડ્સ તહેનાત : ૨૦૨૬માં ૨૩૧ દિવસ ઓછા પ્રદૂષિત રહ્યા

મુંબઈમાં વધતા જતા વાયુપ્રદૂષણ પર લગામ લગાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન-સાઇટ્સ માટે ૨૮ મુદ્દાની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં ભરવા માટે વૉર્ડસ્તરે ૭૬ સ્પેશ્યલ સ્ક્વૉડ્સ તહેનાત કરવામાં આવી છે.

BMCના ડેટા મુજબ બાવીસમી ઑક્ટોબર સુધીમાં મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૨૩૧ દિવસ સારો અને સંતોષકારક શ્રેણીમાં નોંધાયો છે જે ૨૦૨૫માં ૨૧૮ દિવસ, ૨૦૨૪માં ૨૧૬ દિવસ અને ૨૦૨૩માં ૧૮૫ દિવસ હતો. આ ઉપરાંત પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના પ્રાણા (PRANA) પોર્ટલના આંકડા મુજબ ૨૦૧૭-’૧૮થી ૨૦૨૫-’૨૬ વચ્ચે શહેરમાં PM10ના પ્રમાણમાં આશરે ૪૮ ટકાનો ઘટાડો થયો છે.

કન્સ્ટ્રક્શન-સાઇટ્સ માટે કડક નિયમો

લીલું કાપડ અને તાડપત્રી : ધૂળ ઊડતી રોકવા માટે તમામ બાંધકામ-સાઇટ્સને લીલા કાપડ, શણના પડદા કે તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકવી પડશે. તોડી પાડવામાં આવતાં બિલ્ડિંગોને ઉપરથી નીચે સુધી કવર કરવાં પડશે અને એ દરમ્યાન સતત પાણીનો છંટકાવ કરવો ફરજિયાત રહેશે.

બૅરિકેડ્સની ઊંચાઈ : ૭૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પ્રોજેક્ટ્સ અને એક એકરથી મોટા પ્લૉટ માટે ઓછામાં ઓછાં ૩૫ ફુટ ઊંચાં મેટલ શીટ્સનાં બૅરિકેડ્સ લગાવવાં પડશે. એક એકરથી નાની સાઇટ્સ માટે પચીસ ફુટ ઊંચાં બૅરિકેડ્સ અનિવાર્ય રહેશે.

ડસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ : મટીરિયલના લોડિંગ અને અનલોડિંગ વખતે વૉટર સ્પ્રિન્કલર કે ફૉગિંગ મશીનો ચાલુ રાખવાં પડશે. ડેબ્રી (કાટમાળ) અને માટી પર સતત પાણી છાંટવું પડશે. ગ્રાઇન્ડિંગ, કટિંગ અને ડ્રિલિંગ જેવાં કામો માત્ર બંધ જગ્યામાં જ હાથ ધરી શકાશે.

ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ

શહેરમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ સહિત કોઈ પણ ખુલ્લી જગ્યાએ કચરો સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન-સાઇટ્સ પર કામ કરતા શ્રમિકો અને સિક્યૉરિટી ગાર્ડ્‌સ રાત્રે ઠંડીમાં કે રસોઈ માટે લાકડાં કે કોલસો ન સળગાવે એ માટે ડેવલપર્સ અને કૉન્ટ્રૅક્ટરોએ ભોજન તેમ જ ઇલેક્ટ્રિક હીટરની વ્યવસ્થા પૂરી પાડવી પડશે.

સેન્સર-આધારિત મૉનિટરિંગ અને કૅમેરા અનિવાર્ય

તમામ કન્સ્ટ્રક્શન-સાઇટ્સ પર સેન્સર-આધારિત પ્રદૂષણ-મૉનિટરિંગ સિસ્ટમ બેસાડવી ફરજિયાત કરવામાં આવી છે. BMCએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૩૧૬૬ સાઇટ્સ પર આવાં સેન્સર્સ લગાવીને સેન્ટ્રલ ડૅશબોર્ડ સાથે કનેક્ટ કરી દેવાયાં છે. આ ઉપરાંત વાહનો ઓવરલોડ છે કે નહીં અને ટાયરો ધોઈને જ બહાર નીકળે છે એની ખાતરી કરવા માટે પરિમિતિ પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવા પડશે. બાંધકામ-સામગ્રી અને ડેબ્રીધ લઈ જતાં તમામ વાહનો સંપૂર્ણપણે ઢંકાયેલાં હોવાં જોઈએ અને એમની પાસે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) હોવું અનિવાર્ય છે.

બેકરીઓને ગ્રીન ફ્યુઅલ વાપરવાનો આદેશ

મુંબઈના વાયુપ્રદૂષણમાં બેકરીઓનો હિસ્સો આશરે ૩.૫ ટકા છે. શહેરની ૫૯૩ બેકરીઓ પૈકી ૨૦૯ બેકરીઓ પહેલેથી જ ક્લીન ફ્યુઅલ વાપરી રહી છે, ૧૭૫ બેકરીઓએ કન્વર્ઝન પૂરું કર્યું છે, જ્યારે ૬૯ બેકરીઓમાં કામ ચાલી રહ્યું છે. ૮૭ બેકરીઓએ નિયમનું પાલન ન કરતાં તેમને નોટિસ આપવામાં આવી છે. હવેથી તમામ નવી બેકરીના લાઇસન્સ માટે ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ ફરજિયાત રહેશે.

air pollution mumbai news brihanmumbai municipal corporation bombay high court mumbai