13 March, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅબિનેટ પ્રધાન પંકજા મુંડે અને વિધાનસભ્ય સુરેશ ધસે
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાન પરિષદના સભ્ય અને કૅબિનેટ પ્રધાન પંકજા મુંડે અને વિધાનસભ્ય સુરેશ ધસે એકબીજાની બદનામી કરવાના આરોપ સાથે પક્ષના વરિષ્ઠોને આ બાબતની ફરિયાદ કરવાની જાહેરાત કરી હતી.
BJPના બીડના આષ્ટી મતદારસંઘના વિધાનસભ્ય સુરેશ ધસે કહ્યું હતું કે ‘સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં માસ્ટરમાઇન્ડ સાથે નજીકના સંબંધ હોવાથી ધનંજય મુંડેએ પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું છે. આ કેસમાં પર્યાવરણપ્રધાન પંકજા મુંડેએ સંતોષ દેશમુખના પરિવારની મુલાકાત નથી લીધી. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પંકજા મુંડેએ પક્ષ માટે કામ નહોતું કર્યું.’
સામે પક્ષે બીડમાંથી જ આવતાં પંકજા મુંડેએ કહ્યું હતું કે ‘સંતોષ દેશમુખની હત્યા બાદ મેં સૌથી પહેલાં આ મામલાની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવાની માગણી મુખ્ય પ્રધાન સમક્ષ કરી હતી. હું સંતોષ દેશમુખના પરિવારને મળવા નીકળી હતી, પરંતુ તેમણે વિનંતી કરી હતી કે આનાથી કોઈ મુસીબત ઊભી થઈ શકે છે એટલે હમણાં નહીં આવતાં. વિધાનસભાની ચૂંટણીમાં મેં કામ ન કર્યું હોત તો સુરેશ ધસ મોટા માર્જિનથી વિજયી ન થાત.’
બન્ને નેતાઓએ પત્રકારોને કહ્યું હતું કે આવી રીતે બદનામી કરવી સારી વાત ન કહેવાય, અમે આની પક્ષના શ્રેષ્ઠીઓને ફરિયાદ કરીશું.