ભિવંડી: મહિલા ઘરે પાછી ન આવી, આખી રાત શોધી, પોલીસે તપાસ કરતાં જે સામે આવ્યું તે હ્રદયદ્રાવક!

02 September, 2026 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhiwandi: પતિના નિધન પછી ઘરકામ કરીને પોતાનાં ચાર નાનાં બાળકોને સાચવી રહેલી શાહીનના આ રીતે ભયાનક હાલતમાં ચાલ્યા જવાથી એપાર્ટમેન્ટમાં પણ શોકનો માહોલ છે.

પ્રતીકાત્મક તસવીર

ભિવંડી (Bhiwandi)માંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ચાર-ચાર બાળકોનો એકમાત્ર આશરો એવી એક માતાના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. ધોબી તળાવ એરિયામાં ૭ માળની રાબિયા એપાર્ટમેન્ટનો આ કિસ્સો છે. રિપોર્ટ્સ પ્રમાણે સોમવારની રાતથી જ ૫૪ વર્ષીય શાહીન મોહમ્મદ સુલતાન શેખ નામની મહિલા ગુમ હતી. તે ઘરે પાછી ન ફરતાં જ પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. પરિવારે તો પોલીસમાં આ મહિલાના ગુમ થઈ ગયાની ફરિયાદ પણ લખાવી હતી. જોકે, મંગળવારે આ જ બિલ્ડિંગની લિફ્ટના ડક્ટમાંથી તેની ડેડબોડી મળી આવતાં પરિવાર અને આખો વિસ્તાર હચમચી ગયો છે. પતિના નિધન પછી ઘરકામ કરીને પોતાનાં ચાર નાનાં બાળકોને સાચવી રહેલી શાહીનના આ રીતે ભયાનક હાલતમાં ચાલ્યા જવાથી એપાર્ટમેન્ટમાં પણ શોકનો માહોલ છે.

મોબાઈલનું લાસ્ટ લૉકેશન ટ્રેસ કરતાં સત્ય સામે આવ્યું

રિપોર્ટ્સ કહે છે કે શાહીન શેખ સોમવારે સાંજે રોશન બાગમાં આવેલી રાબિયા એપાર્ટમેન્ટમાં (Bhiwandi) તેની બહેનના ઘરે ગઈ હતી.  બહેનને મળીને રાત્રે ૯:૩૦ની આસપાસ તે અહીંથી નીકળી હતી. પરંતુ મોડી રાત સુધી તે ઘરે આવી જ નહોતી. પરિવારે મહિલાની શોધખોળ પણ કરી પણ શાહીનનો કોઈ પત્તો લાગ્યો જ નહીં. આખરે થાકીને પરિવારે સવારે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં આ મહિલાની ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે શાહીનના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું હતું. અને તેમાં જાણવા મળ્યું કે શાહીનનું છેલ્લું લોકેશન રાબિયા એપાર્ટમેન્ટ જ છે કે જ્યાંથી તે રાત્રે જ નીકળી હતી. પોલીસની ટીમ દ્વારા આખી જ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ જ તપાસમાં લિફ્ટની નીચે ડક્ટમાં શાહીન શેખની ડેડબોડી મળી આવી આવતાં ચકચાર મચી જવા પામી છે.

લિફ્ટ આવી છે એમ કરીને પગ મૂક્યો ને સીધી ડક્ટમાં પછડાઈ મરી મહિલા

પોલીસની પ્રાથમિક તપાસ (Bhiwandi) અનુસાર શાહીન શેખ ચોથા માળે રહેતી પોતાની બહેનના ઘરેથી નીકળીને નીચે ઉતરવા લિફ્ટમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તેણે બટન દબાવતાં જ લિફ્ટનો દરવાજો ખૂલી ગયો હતો. પરંતુ લિફ્ટ તો હજી ઉપરના ફ્લોર પર જ હતી. પરંતુ અંધારામાં કે અજાણતાં શાહીન લિફ્ટ આવી છે એમ કરીને પગ મૂકવા ગઈ કે સીધી ૪ માળથી નીચે લિફ્ટના ડક્ટમાં જઇ પછડાઈ હતી. ગંભીર ઇન્જરી થતાં જ ત્યાં ને ત્યાં જ તેના રામ રમી ગયા હતા.

જોકે, પોલીસે ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલભેગી કરીને એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના (Bhiwandi)એ બિલ્ડિંગની લિફ્ટ સેફટી અને ટેક્નિકલ મેન્ટેનન્સ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. લિફ્ટ હજી ઉપલા માળે હતી છતાં પણ ચોથા ફ્લોરનો દરવાજો કઇ રીતે ખૂલી ગયો તે અંગે ટેક્નિકલ તપાસ થઈ રહી છે. બીજી તરફ, ભિવંડી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ના આસિસ્ટન્ટ કમિશનર અરવિંદ ઘુઘરે જણાવ્યા મુજબ રાબિયા એપાર્ટમેન્ટ એક ગેરકાયદે સ્ટ્રક્ચર હોવાનો પણ દાવો કરાયો છે અને બિલ્ડિંગ માલિકને આ અંગે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે.

ગમે તે હોય, પણ શાહીનના ચાલ્યા જવાથી ઘરનો મોભ તૂટી ગયો છે. તેનાં ચાર બાળકો નોંધારા થઈ ગયા છે.

mumbai news mumbai bhiwandi Crime News mumbai crime news mumbai police