શું અસમથળ પ્લૅટફૉર્મને લીધે નાસભાગ થઈ હતી?

28 October, 2024 10:19 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

બાંદરામાં રેલવે-પ્લૅટફૉર્મ પર ૨૬ જગ્યાએ લાદી અને ટાઇલ્સ તૂટેલી હતી, એને લીધે નાસભાગ થઈ હોવાની શક્યતા દેખાઈ રહી છે

ગઈ કાલે બાંદરા ટર્મિનસના પ્લૅટફૉર્મ પર તૂટી ગયેલી ટાઇલ્સનું સમારકામ ચાલી રહ્યું હતું. (તસવીરો : રાજેન્દ્ર આકલેકર)

શું બાંદરા ટર્મિનસ પર અસમથળ પ્લૅટફૉર્મને લીધે નાસભાગ થઈ હતી એવો સવાલ પુછાઈ રહ્યો છે. ઘણી મોટી ભીડ રેલવે-સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી ઊભી હતી. ઘણા લોકો પાસે મોટા ડ્રમ હતા, કોઈકની પાસે મોટા કોથળા હતા, કેટલાક પાસે મોટી બૅગ હતી અને વિવિધ જાતનો લગેજ પ્લૅટફૉર્મ પર હતો, જેવી ટ્રેન પ્લૅટફૉર્મ પર આવતી દેખાઈ કે લોકો ટ્રેન તરફ દોડવા માંડ્યા હતા. આને કારણે મચેલી નાસભાગમાં કેટલાક પ્રવાસીઓ અટવાયા અને પડી ગયા, ઘણા લોકો ટ્રેનના કોચ અને પ્લૅટફૉર્મ વચ્ચેની ગૅપમાં પડી ગયા. ઘણા લોકો દોડી રહેલા લોકોની અડફેટમાં આવી ગયા.

‘મિડ-ડે’ના સંવાદદાતા જ્યાં આ નાસભાગ મચી હતી એ પ્લૅટફૉર્મ પર ગઈ કાલે ગયા ત્યારે તેમણે જોયું કે પ્લૅટફૉર્મ નંબર વનની સપાટી પ્લૅટફૉર્મની ધાર તરફ ખરબચડી હતી અને આશરે ૨૬ જગ્યાએ તૂટેલી હતી. વેસ્ટર્ન રેલવેના કામદારોની એક ટીમ ઉતાવળે એનું લેવલિંગ અને પ્લાસ્ટરિંગ કરી રહી હતી.

રવિવારે સવારે ટાઇલ્સને સિમેન્ટ લગાવીને ફિટ કરવામાં આવી રહી હતી અને જેટ પાઇપ્સની મદદથી સ્ટેશનમાં જ્યાં નાસભાગ થઈ હતી એ વિસ્તાર ધોવાઈ રહ્યો હતો.

નાસભાગ વખતે પ્રવાસીઓનાં નીકળી ગયેલાં શૂઝ, ચંપલ, બૉટલ અને તૂટેલી ચીજવસ્તુઓને હટાવવામાં આવી રહી હતી અને આ સામાન ગૂણીમાં અને મોટી કચરાપેટીમાં પધરાવવામાં આવી રહ્યો હતો.

આ મુદ્દે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર તૂટેલી ટાઇલ અને ખાડાને નિયમિત રીતે પૂરી દેવાની કામગીરી ચાલતી રહે છે. રેલવે પોલીસ ફોર્સ (RPF) અને ટિકિટચેકર સ્ટેશનમાં શિસ્ત જળવાઈ રહે એ માટે નિયમિત આવી ડ્રાઇવ હાથ ધરતા રહે છે.’

નાસભાગના મુદ્દે બોલતાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મની અસમથળ સપાટીને કારણે નાસભાગ થઈ હોવી જોઈએ. એ જ પ્લૅટફૉર્મ પર અજમેર એક્સપ્રેસની રાહ જોઈ રહેલા પૅસેન્જર કિશોર ભાવનાણીએ જણાવ્યું હતું કે ‘રેલવે પ્રશાસન મોડું જાગ્યું છે. જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું. આવી કોઈ મોટી દુર્ઘટના બની જાય પછી જ શા માટે દેખભાળ કરવામાં આવે છે? રેલવેની આ બેદરકારી છે. પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લેવાતી જ નથી.’

પ્લૅટફૉર્મની એન્ટ્રી પર હંમેશાં ગેરકાયદે ઑટો-ડ્રાઇવરો આવી જાય છે અને ભીડ કરે છે. તેમણે તો રેલવે-પ્લૅટફૉર્મની બહાર રિક્ષા-સ્ટૅન્ડ પાસે ઊભા રહેવાનું હોય છે. રવિવારની ઘટના બાદ પ્લૅટફૉર્મની એન્ટ્રી પર ટિકિટચેકર્સને ઊભા રાખી દેવામાં આવ્યા હતા છતાં ઑટો-ડ્રાઇવરો સ્ટેશન પરિસરમાં ઊભા હતા અને ગ્રાહકોને બોલાવવા માટે બૂમ પાડતા રહેતા હતા.

mumbai news mumbai bandra terminus bandra mumbai local train mumbai police