12 February, 2025 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાંદરા રેક્લેમેશન પાસે આવેલી હાઈ ઇન્કમ ગ્રુપ (HIG) કૉલોનીમાં રહેતાં ૬૪ વર્ષનાં રેખા ખોંડેનો ગઈ કાલે તેમના ફ્લૅટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તેમની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. ગઈ કાલે પાડોશીને તેમના ફ્લૅટમાંથી ભારે દુર્ગંધ આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ કરી તો રેખા ખોંડેનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના પગ બાંધેલી હાલતમાં હતા અને તેમના ગળા પર ધારદાર હથિયાર ચલાવી ઊંડો ઘા કરવામાં આવ્યો હતો. બાંદરા પોલીસે તેમનો મૃતદેહ તાબામાં લઈ બાંદરાની ભાભા હૉસ્પિટલમાં મોકલાવી કેસની વધુ તપાસ ચાલુ કરી હતી. મકાનની આજુબાજુનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરી બે જ કલાકમાં એ હત્યા અને લૂંટ ચલાવનારા ૨૭ વર્ષના શરીફ એલી શમશેર અલી શેખની ધરપકડ કરીને તેણે ચોરેલી મતા હસ્તગત કરી હતી.
HIG કૉલોનીના બિલ્ડિંગ નંબર ૧૩ કાંચન કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એકલાં જ રહેતાં રેખા ખોંડે કેટલાક દિવસથી ઘરની બહાર દેખાયાં નહોતાં. તેમના પાડોશીને મંગળવારે તેમના ફ્લૅટમાંથી ભારે દુર્ગંધ આવવા માંડતાં પોલીસને જાણ કરી હતી. એકલાં રહેતાં રેખા ખોંડેની ગયા બુધવારે હત્યા કરી હોવાનું પોલીસને આરોપીએ તપાસ દરમ્યાન કહ્યું હતું.