બેટી પઢાઓ, બેટી બચાઓ નહીં બેટે કો પઢાઓ, બેટી કો બચાઓ

04 September, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યાયમૂર્તિએ સરકારના સ્લોગનમાં થોડા ફેરફાર કરીને છોકરાઓને સારા-નરસાની સમજ આપવાની જરૂર હોવા પર પણ ભાર મૂક્યો

બદલાપુરની એ સ્કૂલ જ્યાં બાળકીઓ સાથે દુષ્કર્મ થયું.

બદલાપુર કેસની સુનાવણી વખતે બૉમ્બે હાઈ કોર્ટે તપાસકર્તાઓને કહ્યું કે કોઈ ઉતાવળ ન કરતા, આ કેસનો ચુકાદો દાખલો બેસાડનારો બનવાનો હોવાથી કોઈના પણ પ્રેશરમાં આવ્યા વગર વૉટરટાઇટ કેસ બનાવો

બદલાપુરની સ્કૂલમાં સફાઈ-કર્મચારી દ્વારા બે બાળકીઓની જાતીય સતામણી કરવાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની બેન્ચે તપાસકર્તાઓને મંગળવારે કહ્યું હતું કે આ બહુ મોટો ઇશ્યુ છે, આ કેસ ભવિષ્યમાં આવા બીજા કેસ માટે ઉદાહરણરૂપ સાબિત થવાનો હોવાથી પૂરતી તપાસ કરીને વૉટરટાઇટ કેસ બનાવો. 
આ કેસમાં સરકાર તરફથી રજૂઆત કરતાં ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે ગઈ કાલે કોર્ટમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ ચાર્જશીટ ફાઇલ કરશે. 
જોકે આ સાંભળીને કોર્ટે તેમને કહ્યું હતું કે ‘આ બહુ મોટો મુદ્દો છે. આ કેસનો ચુકાદો આવનારાં વર્ષોમાં ઉદાહરણરૂપ બનશે અને એને ફૉલો કરવામાં આવશે. આ જ કારણસર લોકોની નજર આ કેસ પર છે. એથી આપણે શું મેસેજ આપીએ છીએ એ બહુ મહત્ત્વનું છે. કેસની તપાસમાં કોઈ ઉતાવળ ન કરતા. હજી સમય છે. પબ્લિકના પ્રેશરને ગણકારતા નહીં. ચાર્જશીટ ફાઇલ કરતાં પહેલાં પૂરતી અને યોગ્ય તપાસ કરી લેજો.’

કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે જે રીતે કેસ-ડાયરી મેઇન્ટેઇન કરી છે એ બાબતે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તેમને ખખડાવતાં કહ્યું હતું કે ‘શું આ રીતે કેસ-ડાયરી મેઇન્ટેઇન કરાય? શું આ રીતે ઑફિસર કેસ-ડાયરી લખતા હોય છે? તપાસમાં દરેક પગલે શું થયું એની વિગતો આવવી જોઈએ. કેસ-ડાયરીમાં એ વિગતો સમાવવામાં આવી નથી. તપાસમાં તમે મહેનત કરી હોય એવું દેખાતું નથી અને રાબેતા મુજબની કેસ-ડાયરી બનાવાઈ છે. જે ઝીણવટથી તપાસ થવી જોઈએ એવી થઈ હોય એવું લાગતું નથી. અમને તપાસથી સંતોષ નથી. તપાસમાં કોઈ નક્કર પગલાં લેવાયાં હોય એવું લાગતું નથી. જ્યારે આ રીતે કેસ-ડાયરી લખાઈ હોય ત્યારે એ લખવાનો આશય જ માર્યો જાય છે અને એ દર્શાવે છે કે કેટલી ખરાબ રીતે તપાસ કરવામાં આવી છે.’

ત્યાર બાદ જસ્ટિસ ડેરેએ સરકારના સ્લોગનમાં થોડો સુધારોવધારો કરીને ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ સ્લોગનને ‘બેટે કો પઢાઓ, બેટી કો બચાઓ’ કરીને કહ્યું હતું કે છોકરાઓને સારા-નરસાની સમજ આપવી જરૂરી છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ‘આપણે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે ભેદ ન કરી શકીએ. સ્કૂલમાં જતી છોકરીઓની જ નહીં, છોકરાઓની સેફ્ટીનો પણ વિચાર કરવો જોઈએ. એવું નથી કે તેમની સાથે કંઈ અજુગતું ન થઈ શકે.’

સ્કૂલમાં બાળકીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે જે સમિતિ બનાવી છે એમાં નિવૃત્ત ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર મીરા બોરવણકર અને હાઈ કોર્ટનાં નિવૃત્ત જસ્ટિસ સાધના જાધવ અથવા શાલિની ફણસળકર-જોશીને પણ રાખવાનું સૂચન કોર્ટે કર્યું હતું.

mumbai news mumbai badlapur bombay high court sexual crime Protection of Children from Sexual Offences Act POCSO