ગુજરાતના સિંહની જોડીનું રાણીબાગમાં આગમન નક્કી

16 May, 2026 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનાં મેયર રિતુ તાવડેએ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને કરેલી માગણી સ્વીકારી લેવામાં આવી

ટૂંક સમયમાં રાણીબાગમાં એશિયાઈ સિંહની જોડી જોવા મળશે

ભાયખલામાં આવેલા રાણીબાગ માટે ગુજરાત સરકારે આખરે સિંહની જોડી આપવાનું મંજૂર કર્યું છે. ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ પ્રાણી-સંગ્રહાલયમાંથી એક જોડી એશિયન સિંહ રાણીબાગને આપવામાં આવે એ માટે મુંબઈનાં મેયર રિતુ તાવડેએ માર્ચ મહિનામાં ગુજરાત સરકારને પત્ર લખીને વિનંતી કરી હતી જે ગુજરાત સરકારે માન્ય રાખી છે.

રાણીબાગમાં છેલ્લે ૨૦૧૪માં જિમી સિંહણનું મૃત્યુ થયું હતું. એ પછી રાણીબાગમાં સિંહ લાવવાના કોઈ પ્રયાસ થયા નહોતા. છેલ્લાં ૪ વર્ષથી એ માટેના પ્રયાસ ચાલી રહ્યા હતા. BMCના અધિકારીઓએ એ માટે દેશનાં વિવિધ ઝૂ સાથે વાતચીત કરી હતી. જૂનાગઢના સક્કરબાગ અને કેવડિયા ઝૂ સહિત હૈદરાબાદના પ્રાણી-સંગ્રહાલય સાથે પણ વાત થઈ હતી. સિંહની જોડી સામે પેન્ગ્વિનની બે જોડી આપવાની પણ તેમણે ઑફર કરી હતી. વિદેશથી ઝીબ્રા મગાવીને આપવાની પણ તૈયારી BMCના અધિકારીઓએ બતાવી હતી.

રિતુ તાવડેએ આ બાબતે જણાવ્યું હતું કે ‘રાણીબાગ માટે ગુજરાત સરકાર તરફથી એક એશિયાઈ સિંહની જોડી મળે એ માટે પરવાનગી મળી ગઈ છે. અન્ય કાયદાકીય પ્રોસીજર પૂરી કરીને જલદી જ એ સિંહની જોડી રાણીબાગમાં લાવવામાં આવશે. સિંહની જોડી સામે તેમને બીજાં પ્રાણી અથવા પક્ષી આપવાં પડશે. જોકે એના પર નિર્ણય લેવાનો હજી બાકી છે.’ 

byculla zoo byculla mumbai mayor ritu tawde gujarat gujarat government mumbai mumbai news