મુંબઈની પહેલવહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની ટ્રાયલ લીધી મિડ-ડેએ

25 September, 2024 07:02 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

નવરાત્રિમાં જેની શરૂઆત થવાની શક્યતા છે એ આરે-BKC મેટ્રો-૩ દરરોજ ૧૪ કલાક દોડશે : દરરોજ ૯૬ ટ્રિપ્સ થશે દર ૬.૪ મિનિટના અંતરે: ૧૦થી ૫૦ રૂપિયા સુધીની ટિકિટ

તસવીરો- આશિષ રાજે 

ઍક્વા લાઇન તરીકે ઓળખાનારી મેટ્રો-૩ પહેલા તબક્કામાં આરે કૉલોનીથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચે ૯ કોચ સાથે ૧૪ કલાક દોડાવવામાં આવશે. મુંબઈની આ પહેલવહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં દરેક ટ્રેનમાં ૨૪૦૦ પ્રવાસીની ક્ષમતા હશે, જે દર ૬.૪ મિનિટે આરેથી BKC વચ્ચે દોડશે. આરેથી BKC સુધીના ૧૨.૪૪ કિલોમીટરના અંતરમાં મેટ્રો-૩ દરરોજ ૯૬ ટ્રિપ્સ કરશે. ૧૦થી લઈને ૫૦ રૂપિયા સુધીની ટિકિટ ખરીદીને પ્રવાસ કરી શકાશે.

૪થી ૬ ઑક્ટોબર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો-૩નું લોકાર્પણ કરશે એવી શક્યતા છે. લોકાર્પણના બીજા દિવસથી મુંબઈગરાઓ આરેથી BKC સુધી સહેલાઈથી આરામદાયક મુસાફરી કરી શકશે. આ મેટ્રો-૩ લાઇનની ગઈ કાલે ટ્રાયલ રન કરવામાં આવી હતી જેમાં મીડિયાને લઈ જવામાં આવ્યું હતું.


મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)ના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ કહ્યું હતું કે ‘મેટ્રો-૩ની ટ્રેન રવિવાર અને રજાના દિવસે સવારે ૮.૩૦ વાગ્યાથી શરૂ થશે. આરેથી BKC સુધીના પહેલા તબક્કામાં ૯ ટ્રેન ફાળવવામાં આવી છે. આ ટ્રેનો ૧૦ મહિલા સહિત ૪૮ ટ્રેન કૅપ્ટન્સ ચલાવશે. બીજા તબક્કાનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જશે અને ત્યાર બાદ આરેથી વરલી સુધી પ્રવાસ કરી શકાશે. આરેથી કોલાબા સુધીનો આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ મુંબઈગરાઓ એકથી બીજા છેડે ૭૦ રૂપિયામાં આરામદાયક મુસાફરી કરી શકશે.’

૧૦ સ્ટેશન

આરેથી BKC સુધીના પહેલા તબક્કામાં આરે જેવીએલઆર, સીપ્ઝ, એમઆઇડીસી અંધેરી, મરોલ નાકા, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ 2, સહાર રોડ, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ 1, સાંતાક્રુઝ મેટ્રો, બાંદરા કૉલોની અને BKC મળીને કુલ ૧૦ સ્ટેશન છે.

આવતા મહિને BKC (બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ)થી આરે સુધીની મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો શરૂ થઈ રહી છે ત્યારે ગઈ કાલે મીડિયાના પ્રતિનિધિઓને એની સફર કરાવવામાં આવી હતી. એ સમયે સિક્યૉરિટી ઑફિસર્સ પણ હાજર રહ્યા હતા. પ્રવાસીઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી મેટ્રો-૩ કઈ રીતે કાર્ય કરશે એનો ચિતાર આ તસવીરો પરથી મળી રહેશે. 

mumbai news mumbai mumbai metro mumbai traffic aarey colony bandra kurla complex