આજે દક્ષિણ મુંબઈમાં શ્રી મુંબઈ જૈન સંઘ દ્વારા સામૂહિક રથયાત્રા, એક લાખ લોકો જોડાશે એવી ધારણા

22 September, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ૧૨૫૦ જેટલા જૈન સંઘોના સંગઠન શ્રી મુંબઈ જૈન સંઘ દ્વારા સામૂહિક રથયાત્રા કાઢવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પર્યુષણ પર્વ બાદ જૈન સંઘો દ્વારા મુંબઈમાં શ્રાવકોનાં વાર્ષિક કર્તવ્ય આરાધવા માટે સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ આજે ૧૨૫૦ જેટલા જૈન સંઘોના સંગઠન શ્રી મુંબઈ જૈન સંઘ દ્વારા સામૂહિક રથયાત્રા કાઢવામાં આવશે. એમાં એક લાખ જૈનો સામેલ થવાની ધારણા છે. સવારના ૯ વાગ્યે પ્રાર્થના સમાજના જંક્શનથી આ રથયાત્રા શરૂ થઈને ઑપેરા હાઉસ, હ્યુઝ રોડ, ભારતીય વિદ્યાભવન, નાના ચોક થઈને બપોરના ૧૨ વાગ્યે ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં પૂરી થશે.

સાત રથ, બે ઇન્દ્ર ધજા, ૨૪ અરિહંત પરમાત્માની પ્રતિકૃતિ, મુંબઈમાં બિરાજમાન ૪૦૦ જેટલાં સાધુ-સાધ્વી ભગવંતો, સેંકડો યુવા-યુવતી મંડળો, ૬૪ ઇન્દ્ર, ૧૬ વિદ્યાદેવી, ૫૬ કુમારિકા, ૧૦૦ ફીટ લાંબો શાસનધ્વજ, ૧૫ જેટલાં જૈન બૅન્ડ, રંગોળી, પ્રભુભક્તિ, વૈરાગ્ય, જીવદયા શાસન પ્રભાવના અને મહાપુરુષોની યાદ અપાવતી રચનાઓ, ૧૦૦૮ શાસન ધ્વજધારી યુવાનોની પરેડ, ૩૦૦ જેટલી બાઇક સાથેની રૅલી, દેવવિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ, સકળ શ્રી સંઘને સુગંધિત અમીછાંટણાં, સંપૂર્ણ રથયાત્રા દરમ્યાન મીઠાઈની પ્રભાવના અને પ્રીતિદાન તેમ જ જૈનત્વના સન્માનની વૃદ્ધિ કરતી સેવ ભારત, સેવ હ્યુમૅનિટી અને સેવ વર્લ્ડની પ્રતિકૃતિઓ, જૈનો દ્વારા ભારતના ઉત્થાનમાં આપવામાં આવેલા યોગદાનની પ્રતિકૃતિઓ, સંસ્કૃતિ, રાષ્ટ્ર સાથે ધર્મનો સન્મવય આ રથયાત્રાનાં આકર્ષણો રહેશે.

આ ઉપરાંત પંચપરમેષ્ઠીની યાદ અપાવતી ૧૦૮ જૈનોની અનેરી ઝલક; વનવાસી, કચ્છી, ડાંગ, કલમબેલા, કેરલા, બીહુ ડાન્સ દર્શાવતી મંડળીઓ; આતંકવાદ, ગરીબી, પર્યાવરણનો નાશ, ભ્રષ્ટાચાર, શારીરિક-માનસિક રોગ, ભૂકંપ, ગ્લોબલ વૉર્નિંગ, નારી અપમાન, અત્યાચાર જેવી વિશ્વની અનેક સાંપ્રત સમસ્યાના ભગવાન મહાવીર દ્વારા આપવામાં આવેલા સમાધાનની ઝાંખીઓ દર્શાવતી અને પ્રતિકૃતિઓથી દક્ષિણ મુંબઈના રસ્તાઓમાં જોવા મળશે.

mumbai news mumbai jain community kutchi community south mumbai