24 October, 2024 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઋતુજા જંગમ
લોકલ ટ્રેનમાં અમાનવીય ભીડને કારણે અંબરનાથ અને બદલાપુર સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી ૨૫ વર્ષની ઋતુજા જંગમ નામની યુવતીનું મૃત્યુ થયું હતી. કર્જતના મ્હાડા કૉલોનીમાં રહેતી ઋતુજા મંગળવારે સાંજે થાણેથી કર્જત સ્લો લોકલમાં પ્રવાસ કરીને ઘરે આવી રહી હતી. કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આ ઘટનાની ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) તરીકે નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી ફરી એક વાર મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં થતી ભીડનો મુદ્દો સામે આવ્યો છે.
થાણેની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી ઋતુજાએ થાણેથી કર્જત જવા માટે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ સ્લો લોકલ પકડી હતી એમ જણાવતાં કલ્યાણ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ કાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કર્જતમાં પરિવાર સાથે રહેતી ઋતુજાએ મંગળવારે સાંજે થાણેથી ઘરે જવા માટે ટ્રેન પકડી હતી. એ વખતે અંબરનાથ સ્ટેશન પર ભીડને કારણે તે નીચે ઊતરી હતી અને ફરી ટ્રેનમાં ચડી હતી. જોકે એ સમયે ટ્રેનમાં એટલી બધી ભીડ હતી કે તે અંદર પ્રવેશી શકી નહોતી એટલે દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કરી રહી હતી. ટ્રેન અંબરનાથ સ્ટેશનથી નીકળી કે તરત જ તેણે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક ઋતુજાને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અમે વારંવાર નાગરિકોને અપીલ કરીએ છીએ કે દરવાજા નજીક કે પછી દરવાજા પર ઊભા રહીને મુસાફરી ન કરો, એ જોખમકારક છે.’
આ ઘટના પછી મુંબઈ રેલ પ્રવાસી સંઘે વિરોધ નોંધાવીને કહ્યું હતું કે ‘ખોટા નિર્ણયો અને રેલવે પ્રોજેક્ટ્સમાં વિલંબને કારણે વધુ એક મહિલા પ્રવાસી ઋતુજાએ જીવ ગુમાવ્યો છે. તમામ રાજકારણીઓને તેમના રાજકીય પક્ષોનાં નામ બદલીને પ્રાઇવેટ કંપની જેવાં કરવા વિનંતી છે, કારણ કે એક પણ રાજકારણી આ મૃત્યુ સામે અવાજ ઉઠાવતો નથી.’