19 May, 2026 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની રજાઓનો આનંદ માણવા ગયેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વિરાર નજીક આવેલા નવાપુરના એક રિસૉર્ટમાં રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યે ૭ વર્ષના બાળકનું સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી મોત થયું હતું. બાળકની ઓળખ લવિત યાદવ તરીકે થઈ છે. અર્નાળા મરીન પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઉનાળાના વેકેશનને કારણે વસઈ-વિરારમાં આવેલા રિસૉર્ટ્સમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, પણ આ ઘટનાએ રિસૉર્ટ્સમાં પ્રવાસીઓની, ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ફરી એક વાર ગંભીર ચિંતા જગાવી છે.
અર્નાળા મરીન પોલીસના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપના રામલાલ યાદવ રવિવારે પોતાના પૌત્રોને લઈને વસઈના નવાપુરના મંથન રિસૉર્ટ આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે બધાં બાળકો રિસૉર્ટના વેવ-પૂલમાં રમી રહ્યાં હતાં. રમતાં-રમતાં અચાનક લવિત પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના ધ્યાનમાં આવતાં રિસૉર્ટના લાઇફગાર્ડે તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢ્યો અને વિરારની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’
આ પહેલી ઘટના
વસઈ-વિરારના રિસૉર્ટ્સમાં સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાની આ કંઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ આવી અનેક હૃદયદ્રાવક ઘટનાઓ બની ચૂકી છે. ૨૦ માર્ચે પણ એક રિસૉર્ટમાં રમતી વખતે ૧૫ વર્ષના આર્યન કનોજિયાનું મોત થયું હતું. એ ઉપરાંત મે ૨૦૨૪માં રાનગાવના એક રિસૉર્ટમાં ૭ વર્ષની સમીક્ષા જાધવ અને ૧૦ વર્ષની રિદ્ધિ માનેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓ રિસૉર્ટના સંચાલકોની બેદરકારી અને સ્વિમિંગ-પૂલની સુરક્ષા-વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કરે છે.