midday

પત્ની સાથેનો ઝઘડો બન્યો જીવલેણ?

22 March, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર મહિના પહેલાં જ લવ-મૅરેજ કરનાર મલાડના યુવકે કોસ્ટલ રોડ પરથી જીવન ટૂંકાવ્યું
કોસ્ટલ રોડ

કોસ્ટલ રોડ

મલાડમાં રહેતા અને ખારમાં એક સ્ટુડિયોમાં કામ કરતા ૩૦ વર્ષના દર્શિત રાજુભાઈ  શેઠે કોસ્ટલ રોડ પર મંગળવારે કાર રોકીને દરિયામાં ઝંપલાવી દઈને જીવન ટૂંકાવી દીધું હતું. બુધવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે આવું અંતિમ પગલું શા માટે ભર્યું એની તપાસ હવે વરલી પોલીસ કરી રહી છે. કોસ્ટલ રોડ પરથી આત્મહત્યાનો આ પ્રથમ કિસ્સો છે.

આ ઘટનાની માહિતી આપતાં વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર કાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે દર્શિતે કોસ્ટલ રોડ પર જઈને આત્મહત્યા કરતાં પહેલાં તેની ઑફિસથી નીકળીને મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે મને કામ હોવાથી સાઉથ મુંબઈ જઈ રહ્યો છું એટલે ઘરે આવતાં મોડું થશે. ત્યાર બાદ તે સાઉથ મુંબઈ ગયો હતો અને યુ-ટર્ન લઈને કોસ્ટલ રોડ પર આવ્યો હતો. એ પછી તેણે કાર સાઇડમાં પાર્ક કરીને પાર્કિંગ-લાઇટ ઑન કરી હતી. ત્યાર બાદ મોબાઇલ કારમાં જ રાખીને કારમાંથી બહાર આવીને બે મિનિટ ઊભો રહ્યો હતો. એ પછી તેણે દરિયામાં ઝંપલાવી દીધું હતું. કોસ્ટલ રોડ પર કાર પાર્કિંગ-લાઇટ દેખાડીને ઊભી હોવાની જાણ‌ થતાં અમારો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો, પણ કારમાં કોઈ નહોતું એટલે કારમાં ચેક કરતાં કારના ડૉક્યુમેન્ટ્સ મળ્યા હતા. ત્યાર બાદ ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ચેક કરતાં એક યુવકે દરિયામાં ઝંપલાવ્યું હોવાની જાણ થઈ હતી. એ પછી તરત અંધારું થવા માંડ્યું હતું અને દરિયામાં ઓટ હોવાથી સર્ચ-ઑપરેશન શક્ય નહોતું બન્યું. બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો.’

દર્શિતે દરિયામાં ઝંપલાવ્યું હોવાની જાણ તેના પરિવારને કરવામાં આવતાં તેના મિત્રો, સગાંસંબંધીઓ, ઑફિસના સાથીઓ મોટી સંખ્યામાં પોલીસ-સ્ટેશન આવ્યા હતા એમ જણાવતાં રવીન્દ્ર કાટકરે વધુમાં કહ્યું હતું કે ‘અમને કારમાંથી કે તેના ફોનમાંથી કોઈ સુસાઇડ-નોટ મળી નહોતી એટલે તેણે આ પગલું શા માટે લીધું હશે એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તેને ઑફિસનું કોઈ ટેન્શન નહોતું. શૅરબજાર કે અન્ય કોઈ જગ્યાએ તકલીફમાં મુકાયો હોય એવું પણ નથી લાગતું. બુધવારે તેની ડેડ-બૉડી મળી આવી ત્યારે એ ફૂગી ગઈ હતી. તેની ડેડ-બૉડી બહાર કાઢીને નાયર હૉસ્પિટલમાં મોકલાવી પોસ્ટમૉર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી સાંજે મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.’ 

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટર તેજસ બુગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘અમે આ બાબતે દર્શિતની મમ્મી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દર્શિતે ચાર મહિના પહેલાં લવ-મૅરેજ કર્યાં હતાં. તેની પત્ની મારવાડી હતી અને જોગેશ્વરીમાં રહેતી હતી. ૧૦ દિવસ પહેલાં તેમની વચ્ચે ઝઘડો થતાં પત્ની પિયર જતી રહી હતી અને દર્શિત સાથે વાત તેણે કરવાનું બંધ કરી દીધું હતું. તેને દર્શિત સાથે રહેવું જ નહોતું એથી દર્શિત ટેન્શનમાં હતો. તે મંગળવારે કામ પર પણ નહોતો ગયો એમ જાણવા મળ્યું છે. અમે જ્યારે દર્શિતની વાઇફને પૂછપરછ માટે બોલાવી ત્યારે તેણે કહ્યું કે હું હમણાં આવી શકું એમ નથી. અમે એકાદ-બે દિવસમાં તેનું સ્ટેટમેન્ટ નોંધીશું.’

mumbai news mumbai Mumbai Coastal Road suicide gujarati community news gujaratis of mumbai mumbai police worli