✕

૧૮ રિક્ષા-ડ્રાઇવરોને ૪૭,૦૦૦ રૂપિયાનો દંડ

26 November, 2026 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીમાં વધારે ભાડું વસૂલનારા, સરકારી ભાડાં કરતાં પાંચ રૂપિયા વધુ વસૂલવાની ફરિયાદો બાદ રાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કલ્યાણ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ ડોમ્બિવલી-વેસ્ટમાં સરકાર દ્વારા માન્ય ભાડાં કરતાં પાંચ રૂપિયા વધુ વસૂલનારા રિક્ષા-ડ્રાઇવરો સામે લાલ આંખ કરીને મંગળવારે રાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૧૮ રિક્ષા-ડ્રાઇવરોને કુલ ૪૭,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પગલે રિક્ષા-ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

કલ્યાણના ડેપ્યુટી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર આશુતોષ બારકુલને તેમ જ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઑનલાઇન ફરિયાદ પોર્ટલ પર મુસાફરો તરફથી વારંવાર ફરિયાદો મળી હતી. એને પગલે RTOના અધિકારીઓએ પચાસથી વધુ રિક્ષાઓનું ચેકિંગ કરીને આ દંડાત્મક કાર્યવાહી કરી હતી.

ડોમ્બિવલી-વેસ્ટમાં મહાત્મા ફુલે રોડ પર દોડતા કેટલાક રિક્ષા-ડ્રાઇવરોએ સ્થાનિક ઑટોરિક્ષા યુનિયનના હોદ્દેદારોના કહેવાતા નિર્ણય બાદ છેલ્લા બે દિવસથી મુસાફરો પાસેથી પાંચ રૂપિયા વધારાનું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે આ કાર્યવાહી બાદ પણ કેટલાક રિક્ષા-ડ્રાઇવરોએ વધુ ભાડું વસૂલવાનું ચાલુ રાખતાં મુસાફરોએ ફરી ફરિયાદ કરી હતી. એને પગલે પોલીસે યુનિયનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

dombivli kalyan mumbai auto rickshaw and taxi regional transport office mumbai transport news mumbai mumbai news