11 January, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજકીય રીતે અસ્થિર અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેર ભિવંડીમાં ભારે સુરક્ષા હેઠળ મતદાન થશે. ચૂંટણી-અધિકારીઓએ ભિવંડીનાં ૭૧૮ પોલિંગ-બૂથમાંથી ૧૫૩ને સંવેદનશીલ જાહેર કર્યાં છે. ટકાવારી મુજબ ભિવંડીનાં ૨૧ ટકા પોલિંગ-બૂથ સંવેદનશીલ છે.
ભિવંડીમાં કુલ ૧૭૩ પોલિંગ-સ્ટેશન પર ૭૧૮ પોલિંગ-બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે. એમાંથી ૫૬૫ બૂથ ધરાવતાં ૧૪૬ પોલિંગ-સ્ટેશનો સામાન્ય કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં છે, જ્યારે ૧૫૩ બૂથ ધરાવતાં ૨૭ સ્ટેશનોને સંવેદનશીલ ગણવામાં આવ્યાં છે. સંવેદનશીલ બૂથ પર વધારે પોલીસફોર્સ અને સર્વેલન્સ રાખવામાં આવશે. ચૂંટણી દરમ્યાન વિવાદ, હિંસા કે મતદારોને દબાણ કરવાની પ્રવૃત્તિઓ થતી હોય એવાં બૂથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે.
શાંતિનગર પોલીસ-સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ૫૮ સંવેદનશીલ બૂથ છે. ઘણા ગીચ વસ્તીવાળા અને રાજકીય રીતે પ્રભાવિત વિસ્તારોને સંવેદનશીલ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. એમાં ITI બિલ્ડિંગ (ઈદગાહ વિસ્તાર), નવી બસ્તી, વૉર્ડ-નંબર ૩ બિલ્ડિંગ, શાસ્ત્રીનગર, ભાગ્યનગર, સંગમપાડા, કોમ્બાડપાડા, મ્હાડા કૉલોની, બંદર મોહલ્લા અને ભંડારી કમ્પાઉન્ડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અગાઉની ચૂંટણીઓમાં મતદાન સમયે અનેક વાર ઝપાઝપી, ધાકધમકી, તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થતો જોવા મળ્યો છે.