12 February, 2023 09:02 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ટર્કીમાં ટૅટૂ પરથી ભારતીયની ઓળખ થઈ
બૅન્ગલોર : ટર્કીથી ભારત માટે ગઈ કાલે એક બૅડ ન્યુઝ આવ્યા હતા. સોમવારે ટર્કીમાં આવેલા ભૂકંપમાં વિજય કુમાર નામના એક ભારતીયનો મૃતદેહ પૂર્વીય ઍનાટોલિયા પ્રદેશમાં માલત્ય સિટીમાં એક હોટેલના કાટમાળની નીચેથી મળ્યો હતો. રેસ્ક્યુ સાઇટ પરથી તેના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા બાદ ઉત્તરાખંડમાં વિજય કુમારના ફેમિલી મેમ્બર્સે કુમારના ડાબા હાથમાં રહેલા એક ટૅટૂથી તેના મૃતદેહની ઓળખ કરી હતી.
એક રિપોર્ટ અનુસાર માલત્યમાં ફોર સ્ટાર હોટેલ અવસર હોટેલના કાટમાળ નીચેથી કુમારનો મૃતદેહ મળ્યો હતો. કુમાર એક પ્રોજેક્ટ માટે ૨૩ જાન્યુઆરીએ ટર્કીમાં લૅન્ડ થયા બાદ આ હોટેલમાં રહેતો હતો. ઉત્તરાખંડમાં પૌરી ગઢવાલનો નિવાસી અને બૅન્ગલોરસ્થિત ઑક્સિપ્લાન્ટ્સ ઇન્ડિયામાં ગૅસ પાઇપલાઇનનો ઇન્સ્ટૉલેશન એન્જિનિયર તરીકે કામ કરનાર કુમારની સાથે સોમવારે ભૂકંપ આવ્યો ત્યારથી જ કમ્યુનિકેશન નહોતું થઈ શક્યું. દરમ્યાન, ટર્કીમાં ભારતીય ઍમ્બૅસેડર વિરેન્દ્ર પૌલે ગઈ કાલે કહ્યું હતું કે ‘ટર્કીમાં ૩૦૦૦ ભારતીયો છે, જેમાંથી મોટા ભાગના ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં નથી. અનેક જણ બહાર આવી ગયા છે. કોઈ ભારતીય ફસાયો હોવાની હાલ કોઈ માહિતી નથી.’ ટર્કી અને સિરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ વ્યક્તિઓ મૃત્યુ પામી છે.