21 September, 2026 12:11 PM IST | Ambaji | Gujarati Mid-day Correspondent
યાત્રાળુઓના રેસ્ટ માટે ઊભી કરવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા.
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી તેમ જ વિદેશમાંથી લાખ્ખોની સંખ્યામાં માઈભક્તો પદયાત્રા કરીને અંબે માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તો માટે કામચલાઉ સુવિધા ઊભી કરાઈ છે.
૨૬ સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. લાખ્ખો માઈભક્તો માટે રેસ્ટ-શેલ્ટર, પાણી, આરોગ્યસેવા, સુરક્ષાવ્યવસ્થા, ફ્રી ફૂડ શેલ્ટર, ટૉઇલેટ સહિતની કામચલાઉ સુવિધા ઊભી કરવામાં આવી છે.
કુલ ૧૨,૩૦૦ ચોરસ મીટર વિસ્તારમાં રેસ્ટ-શેલ્ટર તૈયાર કરાયા છે જેમાં હડાદ રૂટ પર પાંચ રેસ્ટ-શેલ્ટરમાં આશરે ૨૭૭૬ યાત્રાળુઓ માટે બેડની સુવિધા ઉપલબ્ધ થશે. દાંતા રૂટ પર બે રેસ્ટ-શેલ્ટરમાં આશરે ૧૧૪૦ યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરાઈ છે.
દાંતા રૂટ તેમ જ ગબ્બર રૂટ પર ફ્રી ફૂડ શેલ્ટર ઉપલબ્ધ રહેશે.
હડાદ, દાંતા અને ગબ્બર રૂટ પર પીવાના પાણી માટે ૩૦ વૉટર પગોડા બનાવ્યા છે.
હડાદ રૂટ પર ૧૭, દાંતા રૂટ પર ૨૧ પાર્કિંગ વ્યવસ્થા રહેશે.
માઈભક્તોને તબીબી સહાય મળી રહે એ માટે ૬ ફર્સ્ટ એઇડ કાઉન્ટર તેમ જ ૧૦ મેડિકલ તેમ જ લૉસ્ટ અૅન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત રહેશે.