10 June, 2023 09:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ડાંગ જિલ્લાનાં ગામોમાં સ્થાનિક રહીશોના ઘરની મુલાકાત લઈને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે આશીર્વાદ આપ્યા હતા.
દક્ષિણ ગુજરાતના ડાંગનાં ગામોનો પ્રવાસે આવેલા શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે ધર્માંતરણનો સમગ્ર ગામ એક થઈને વિરોધ કરે એમ ગામજનોને આહવાન કરીને કહ્યું હતું કે ‘આદિવાસી સમાજ હિન્દુ સમાજ છે.’
શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાનાં વિવિધ ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રવાસે હતા. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે ગઈ કાલે ડાંગમાં શબરીધામ ખાતે અન્નક્ષેત્ર ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં આવતા યાત્રિકોને નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે શબરીધામ ટ્રસ્ટ સંચાલિત નિવાસી વિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ શાળામાં ધોરણ ૧થી ૮નાં બાળકોને ફ્રીમાં શિક્ષણ, ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવશે. તેમણે મંદિરમાં શબરીમાતાનાં દર્શન કરીને સત્સંગ કર્યો હતો.
ગામડાંઓમાં ચાલી રહેલા ધર્માંતરણ વિશે પોતાના સત્સંગ પ્રવચનમાં ગામડાંઓના ગામજનોને જાગૃત કરીને ચેતવવા સાથે આહવાન કરતાં કહ્યું હતું કે ‘આદિવાસી સમાજ હિન્દુ સમાજ છે. ગામના નિર્દોષ લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. એનો સમગ્ર ગામ એક થઈને વિરોધ કરે એ જરૂરી છે.’ ડાંગનાં ગામોમાં શંકરાચાર્યજીનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ સત્સંગ પ્રવચન યોજાયાં હતાં. તેમણે ગામના આદિવાસી ભાઈઓના ઘરની મુલાકાત પણ લીધી હતી અને તેમની સાથે સંવાદ પણ કરીને આશીર્વાદ આપ્યા હતા.