26 December, 2024 12:36 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુરતના વિવેક ચશ્માંવાળા તેમનાં વૃદ્ધ માતા-પિતા અને ત્રણ જોડિયાં બાળકો સાથે પુણે જઈ રહ્યા હતા ત્યારે મંગળવારે મધરાતે ૧ વાગ્યે તેમની કારનો ઍક્સિડન્ટ થયો હતો. જોકે ગાડીમાં સેફ્ટી માટેની ઍરબૅગ્સ ખૂલી જતાં તમામ લોકોનો બચાવ થયો હતો.
પુણેમાં રહેતા બીમાર સંબંધીની ખબર કાઢવા વિવેક ચશ્માંવાળા તેમના પરિવાર સાથે જઈ રહ્યા હતા. તલાસરી નૅશનલ હાઇવે પર વાઇટ ટૉપિંગ નાખ્યું હોવાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. એ વખતે સામેથી આવી રહેલી ટ્રક સાથે ભટકાવાની શક્યતાને જોતાં વિવેક ચશ્માંવાળાએ કાર ડાબી તરફ વાળી લીધી, પણ ત્યાં રાખેલાં જર્સી બૅરિયર (સિમેન્ટ કૉન્ક્રીટનાં મોટાં બૅરિયર) સાથે તેમની કાર જોશભેર અથડાઈ હતી. જોકે તરત જ ઍરબૅગ્સ ખૂલી જતાં બધા બચી ગયા હતા. એ પછી ત્યાં હાજર લોકોએ તેમને કારમાંથી બહાર કાઢ્યા હતા.