10 December, 2025 03:02 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતનાં સુરતમાં પોતાની સાત વર્ષની દીકરીની દીક્ષા રોકવા માટે એક પિતાએ કોર્ટમાં અરજી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાત વર્ષની બાળકીને પિતાની જાણ વગર દીક્ષા લેવા માટે તેની માતા અડગ રહી હોવાનો પણ આરોપ કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ છેલ્લા છ મહિનાથી પરિવારમાં કોઈ વિવાદને લઈને બાળકી તેની માતા સાથે રહેતી હતી અને પિતા અલગ રહેતી હતી. જોકે એક દિવસ પિતાને જાણ થઈ કે તેની દીકરી મુંબઈમાં થનાર એક વાર્ષિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેવાની છે તો તેમણે તરત જ આ મામલે સુરતની ફૅમિલી કોર્ટમાં અરજી દાખલ કરી અને હવે અદાલતે 22 ડિસેમ્બર સુધી સુનાવણી મુલવતી રાખી છે. દંપતી વચ્ચે દીકરીના દીક્ષા લેવાને લઈને હવે વિવાદ સર્જાયો છે અને હવે આ બાબતે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
પિતાએ કોર્ટમાં શું કહ્યું?
પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષા લેવાથી રોકવા માટે શૅરબજારનું કામ કરતાં પિતાએ ફૅમિલી કોર્ટમાં અરજી બાદ નિવેદનમાં જણાવ્યું હતું કે " મારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે એમ મને કેટલાક પરિચિત લોકોએ જણાવ્યું, ત્યારે મને આ વાતની ખબર પડી. જે બાદ મેં પરિવારની સંમતિથી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મેં પહેલા આ મામલે મારી પત્ની સાથે વાતચીત કરી હતી કે જ્યારે દીકરી મોટી થઈ જશે ત્યારે દીક્ષા લેશે તો મને કોઈ સમસ્યા નથી, પરંતુ હમણાં તે ખૂબ જ નાની છે." જોકે પિતાએ એવો પણ આરોપ કર્યો છે કે તેમની પત્ની દીકરીને નાની ઉંમરે દીક્ષા લેવા માટે જીદ કરી રહી છે અને આ મામલે તે તેને લઈને પિયારે રહેવા લાગી છે. તેણે એવું કહ્યું છે કે જ્યાં સુધી પિતા દીક્ષા માટે તૈયાર નહીં થશે ત્યાં સુધી તે ઘરે નહીં આવે. આ બધા ઝઘડા વચ્ચે હવે પિતાએ કોર્ટમાં અપીલ કરી છે.
કોર્ટમાં સુનાવણી થશે
આ મામલે હવે અદાલત 22 મી ડિસેમ્બરે સુનાવણી કરશે. પિતા વતી કેસ લડી રહેલાં વકીલે આ કેસ મામલે વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ખાતે આ દીક્ષાનો કાર્યક્રમ થશે, જે અંગે બાળકીના પિતાને ખબર પડતાં તેમણે વકીલનો સંપર્ક કર્યો. “અમે ફરિયાદી તરફથી કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેથી હવે અદાલતે દીકરીની માતાને 22 તારીખે હાજર રહેવા નોટિસ જાહેર કરી. નાની ઉંમરે દીક્ષાને રોકવા માટે અપીલ કરનાર પિતાના વકીલે વધુમાં જણાવ્યું કે “નાની ઉંમરની બાળકીના દીક્ષા ન લઈ શકે તે માટે અમે દલીલો કરીશું અને અમને મનાઈહુકમ મળે એ માટે માગણી કરીશું. અમારું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના અધિકારો પર કેન્દ્રિત છે, કારણ કે આટલી નાની ઉંમરે સંયમ માર્ગ પર જવાનો નિર્ણય બાળકી જાતે લઈ શકે એમ નથી. કાયદાકીય માળખામાં બાળકના હિતનું રક્ષણ થાય એ માટે કોર્ટ સમક્ષ પ્રયત્ન કરવામાં આવશે.”