midday

સુનીતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ

20 March, 2025 01:57 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ફટાકડા ફ‍ૂટ્યા, અખંડ જ્યોત સાથે શોભાયાત્રા નીકળી, ૨૦ કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો
સુનીતા વિલિયમ્સના ગામ ઝુલાસણમાં ગઈ કાલે ફટાકડા ફોડતા લોકો.

સુનીતા વિલિયમ્સના ગામ ઝુલાસણમાં ગઈ કાલે ફટાકડા ફોડતા લોકો.

અંતરીક્ષમાંથી સુનીતા વિલિયમ્સ ક્ષેમકુશળ પૃથ્વી પર પાછાં ફરતાં ઉત્તર ગુજરાતમાં આવેલા તેમના વતન ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ રચાયો હતો અને ગ્રામજનોએ ફટાકડા ફોડીને શોભાયાત્રા કાઢી હતી અને ૨૦ કિલો સુખડીનો પ્રસાદ વહેંચીને ખુશી મનાવી હતી. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં તમામ વિધાનસભ્યો વતી સુનીતા વિલિયમ્સને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

અમદાવાદની એક સ્કૂલમાં ગઈ કાલે સુનીતા વિલિયમ્સની સલામત વાપસીને ઊજવવામાં આવી હતી.

સુનીતા વિલિયમ્સ હેમખેમ પાછાં ફરે એ માટે ઝુલાસણ ગામના મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવી હતી અને ગામલોકો તેમને માટે પ્રાર્થના કરતા હતા. સુનીતા વિલિયમ્સ પાછાં ફર્યાના સમાચારથી ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ગ્રામજનો કહી રહ્યા હતા કે અમે કરેલી પ્રાર્થના માતાજીએ સ્વીકારી લીધી અને સુનીતાબહેન સહીસલામત પાછાં આવ્યાં છે. ગ્રામજનોએ હરખભેર શોભાયાત્રા કાઢી હતી અને સુખડી બનાવીને ગામમાં વહેંચી હતી.

gujarat nasa international space station ahmedabad diwali isro indian space research organisation news gujarat news