૧૮ દિવસમાં ઘેરબેઠાં ઊમટી પડ્યા ૧૩+ લાખ શિવભક્તો

04 February, 2026 07:08 AM IST  |  Saurashtra | Shailesh Nayak

મહાશિવરાત્રિ પર સોમનાથ મંદિરની ઑનલાઇન બિલ્વપૂજા બુક કરાવવા એટલોબધો ધસારો થયો કે સર્વર જામ થઈ ગયું

સોમનાથ મંદિર અને બિલ્વપૂજાનાં દર્શન.

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આગામી મહાશિવરાત્રિએ ઘેરબેઠાં માત્ર પચીસ રૂપિયામાં બિલ્વપૂજા કરાવવા માટે વિશ્વભરના શિવભક્તોનો ઑનલાઇન ધસારો થયો છે. માત્ર ૧૮ દિવસમાં દુનિયાભરમાંથી ૧૩ લાખથી વધુ શિવભક્તોએ બિલ્વપૂજા નોંધાવી છે. બિલ્વપૂજા નોંધાવવા માટે ઑનલાઇન ધસારો થતાં સર્વર પર લોડ પડવાને કારણે સોમનાથ મંદિરનાં સર્વર બે દિવસથી જામ થઈ ગયાં છે. ગઈ કાલે સાંજ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો અને આ ટે​ક્નિકલ સમસ્યાના ઉકેલ માટે સોમનાથથી મુંબઈ સુધીના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના નિષ્ણાતોની ટીમ કામે લાગી છે.    

શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાશિવરાત્રિના દિવસે ઘેરબેઠાં ઑનલાઇન બિલ્વપૂજા કરવા માટે શિવભક્તોએ તત્પરતા દર્શાવી છે. માત્ર પચીસ રૂપિયામાં બિલ્વપૂજાની જાહેરાત થયા બાદ અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ ભક્તજનોએ ઑનલાઇન બિલ્વપૂજા નોંધાવી છે. પૂજા નોંધાવવા માટે ધસારો વધી જતાં સોમવારે સોમનાથ મંદિરની સિસ્ટમનાં સર્વરો પર લોડ પડ્યો હતો અને સર્વર જામ થઈ ગયાં હતાં. એકસાથે વીસથી પચીસ હજાર લોકોએ ઑનલાઇન નામ નોંધાવવા માટે ધસારો કર્યો હોવાથી આવું બન્યું હશે. જોકે સોમનાથ મંદિરમાં ૮ વ્યક્તિની ટેક્નિકલ ટીમ ઉપરાંત મુંબઈમાં અમારા કન્સલ્ટન્ટ છે એ અને અન્ય એક ટીમ તેમ જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ એક-એક ટે​ક્નિકલ ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે કામે લાગી છે એટલે આનો ઉકેલ જલદી આવી જશે.’  

વિજયસિંહ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ‘સોમનાથ મંદિરમાં વર્ષોથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે અને દિવસે-દિવસે સોમનાથ મંદિરનું મહત્ત્વ વધી રહ્યું છે. એના કારણે યાત્રિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ હમણાં સોમનાથ પર્વ યોજાયું હતું એ પછી દેશ અને દુનિયામાંથી અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે.’    

gujarat news gujarat somnath temple religious places mahashivratri