16 March, 2026 07:17 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈરાન-અમેરિકા ઇઝરાયલ યુદ્ધે વૈશ્વિક સ્તરે ગેસ અને તેલ સંકટ ઉભું કર્યું છે. ભારતમાં પણ LPG સંકટ વધુ ખરાબ થઈ રહ્યું છે. વાણિજ્યિક સિલિન્ડરોની અછતને કારણે, ઘરેલુ સિલિન્ડરોની માંગ વધી રહી છે, પરંતુ તેમાં પણ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે જણાવ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી. જોકે, LPG સંકટની અસર દેશના ઘણા શહેરોમાં જોવા મળી રહી છે. આ કટોકટી વચ્ચે, LPG ભરેલું એક જહાજ આજે ભારતમાં આવી રહ્યું છે.
LPG ભરેલું શિવાલિક જહાજ આજે, સોમવાર, 16 માર્ચે ગુજરાતમાં પહોંચશે. શિપિંગ મંત્રાલયના ખાસ સચિવ રાજેશ કુમાર સિંહાએ આ વાતની પુષ્ટિ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતું આ જહાજ ગુજરાતના મુન્દ્રા બંદર તરફ જઈ રહ્યું છે.
એવું જાણવા મળ્યું છે કે શિવાલિક જહાજ પર આશરે 40,000 થી 50,000 મેટ્રિક ટન LPG ભારતમાં પહોંચશે. ચોક્કસ જથ્થો હજુ સુધી પુષ્ટિ થયેલ નથી, પરંતુ શિવાલિક જહાજની ક્ષમતા આશરે 54,000 મેટ્રિક ટન હોવાનું કહેવાય છે. આ જથ્થો ભારતની જરૂરિયાતોની તુલનામાં વધારે નથી, કારણ કે એક અહેવાલ સૂચવે છે કે ભારત દરરોજ 55,000 મેટ્રિક ટનથી વધુ LPG વાપરે છે.
રાજેશ કુમાર સિંહાના જણાવ્યા અનુસાર, LPGથી ભરેલું નંદા દેવી જહાજ આવતીકાલે, મંગળવાર, 17 માર્ચે ગુજરાતના કંડલા બંદરે પહોંચશે. ઉલ્લેખનીય છે કે, LPGની અછતના કારણે અમદાવાદમાં ૨૦ રેસ્ટોરાંએ એક સમયનું કિચન બંધ કર્યું. મુંબઈમાં પણ એ જ હાલત અને ૧૦ ટકાથી પણ વધુ રેસ્ટોરાંએ ટેમ્પરરી શટડાઉન કર્યું. બૅન્ગલોરમાં આ નિર્ણય ૧૩૦થી વધારે રેસ્ટોરાંએ લીધો અને દિલ્હીમાં પણ LPGને કારણે આટલી જ રેસ્ટોરાંએ કામચલાઉ રીતે રેસ્ટોરાં બંધ કરી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની મોકાણને લીધે ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં પણ ઉછાળો આવ્યો અને છેલ્લા એક વીકમાં ઇન્ડક્શન સ્ટવનું સેલ દસથી બાર ટકા વધી ગયું. પરિસ્થિતિ વિકરાળ બનતી જોઈને ભારત સરકારે પણ નિર્ણય લઈ લીધો અને જાહેર કરી દીધું કે બે સિલિન્ડર વચ્ચે મિનિમમ ૨૧ દિવસ નહીં પણ ૨પ દિવસનો ગાળો ફરજિયાત રહેશે. આવું થવા પાછળનું કારણ છે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની વૉર.
જો હવે તમને મનમાં વિચાર આવે કે હજારો કિલોમીટર દૂર ચાલતા યુદ્ધની આવી અસર ભારતમાં શું કામ તો એનો જવાબ છે કે દર વર્ષે આપણને ૩.૩ કરોડ ટન LPGની જરૂર પડે છે, જેમાંથી આપણે ઑલમોસ્ટ ૬પ ટકા LPG ઇમ્પોર્ટ કરીએ છીએ. ઇમ્પોર્ટ કરવામાં આવતા આ જથ્થામાંથી ૯૦ ટકા LPG વેસ્ટર્ન એશિયાના સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માંથી આવે છે. આ ૯૦ ટકા LPGમાંથી ૮૦થી ૮પ ટકા ઇમ્પોર્ટ આપણે જે દરિયાઈ રસ્તેથી કરીએ છીએ એમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નામનો એક લાંબો પટ્ટો આવે છે, જેના પર ઈરાનનું રાજ છે અને ઈરાન હોર્મુઝના આ દરિયાઈ રસ્તા પરથી શિપિંગ કાર્ગો આગળ વધવા દેતું નથી.