05 September, 2026 12:16 PM IST | Sarangpur | Gujarati Mid-day Correspondent
સાળંગપુર હનુમાન મંદિર બન્યું શ્રીકૃષ્ણમય
ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મદિરમાં જન્માષ્ટમીનું પર્વ રંગેચંગે ઊજવાયું હતું. જન્માષ્ટમી પર્વને લઈને હનુમાનજી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમોના કારણે સાળંગપુર હનુમાન મંદિર શ્રીકૃષ્ણમય બન્યું હતું. મંદિર-પરિસરમાં રંગેચંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. હનુમાનદાદાના મંદિરમાં ગોકુળ થીમનો શણગાર કરાયો હતો. હનુમાનજીના વાઘા પર ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની છબી, માખણની મટકી, વાંસળી દોર્યાં હતાં. આ ઉપરાંત મોરપીંછ સાથેનો સાફો પહેરાવ્યો હતો. આ ઉપરાંત કેકનો અન્નકૂટ ધરાવાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર-પરિસરમાં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો જે જોવા માટે માનવમેદની ઊમટી હતી. આ પ્રસંગે યુવાનોએ હેરતઅંગેજ કરતબો કરીને લોકોને દંગ કરી દીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમને લોકોએ માણ્યો હતો.