03 September, 2023 09:15 AM IST | Ahmedabad | Shailesh Nayak
સાળંગપુરમાં ગઈ કાલે બનેલી ઘટના બાદ હનુમાનદાદાની વિરાટ પ્રતિમાને કૉર્ડન કરી દેવામાં આવી છે
સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત અને સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનદાદાને પગે લાગતા બતાવ્યાના મુદ્દે ગઈ કાલે અઘટિત ઘટના બનતાં વિવાદ ઉગ્ર બન્યો છે. એક શખ્સે ગઈ કાલે હનુમાનજદાદાની પ્રતિમા નીચે લગાવેલાં ભીંતચિત્રો પર કાળો કલર ચોપડ્યો હતો અને ચિત્રોની તોડફોડ કરી હતી. જોકે વધુ કંઈ તોડફોડ થાય એ પહેલાં જ પોલીસ દોડી આવી હતી અને આ શખ્સને પકડી લીધો હતો. અચાનક બનેલી ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ હનુમાનજદાદાની વિરાટ પ્રતિમા કૉર્ડન કરી દેવાઈ છે અને પોલીસ ઉપરાંત પ્રાઇવેટ સિક્યૉરિટી તહેનાત કરી દેવાઈ છે. ઘટનાથી મંદિર પ્રશાસન સહિત ધાર્મિકજનો હતપ્રભ બની ગયા હતા.
સાળંગપુર હનુમાનજદાદાના મંદિર પરિસરમાં હનુમાનજીની આ વિરાટ પ્રતિમા નીચે લગાવેલી પૅનલો પૈકી કેટલીક પૅનલમાં હનુમાનદાદાને પગે લાગતા એટલે કે નમસ્કારની મુદ્રામાં દર્શાવ્યા હોવાનું જણાઈ આવતાં આ મુદ્દે વિવાદ ઊઠવા પામ્યો છે ત્યારે ગઈ કાલે બપોરે ચારણકી ગામના હર્ષદ ગઢવી નામનો શખ્સ હાથમાં લાકડી જેવી કોઈ વસ્તુ લઈને હનુમાનદાદાની વિરાટ પ્રતિમા તરફ દોડતો ધસી ગયો હતો અને ભીંતચિત્રો પર કાળો કલર લગાવીને ચિત્રો પર લાકડી જેવી વસ્તુથી પ્રહાર કર્યા હતા. જોકે પોલીસે સમયસૂચકતા વાપરીને તેમને પકડી લીધા હતા.
વિવાદો વચ્ચે હનુમાનદાદામાં ભાવિકોની આસ્થા અકબંધ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં વિવાદો વચ્ચે હનુમાનદાદામાં ભાવિકોની આસ્થા અકબંધ રહેવા પામી છે. ગઈ કાલે વહેલી સવારથી સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભાવિકોએ હનુમાનદાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના શનિવારે ગઈ કાલે હનુમાનદાદાને ચૉકલેટનો અન્નકૂટ ધરાવાયો હતો.