બિલ્ડિંગમાં બહારથી આવેલા ત્રણે જણે આગમાં ગુમાવ્યો જીવ

15 March, 2025 01:35 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

રાજકોટમાં ગઈ કાલે હાઇરાઇઝ બિ​લ્ડિંગમાં લાગેલી આગમાં ત્રણનાં મૃત્યુ, છઠ્ઠા માળે સીડીની લૉબીમાં ફર્નિચરનું કામ ચાલતું હતું એ દરમ્યાન લાગી આગ

પાંચ વેહિકલ સહિત બાવન ફાયર કર્મચારીઓએ આગ ઓલવવાની કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતાં અટકાવી હતી.

રાજકોટમાં ગઈ કાલે ૧૫૦ ફુટ રિંગ રોડ પર આવેલા ઍટ્લા​ન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાથી ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બે જણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે રાજકોટવાસીઓને ફરી એક વાર ગેમઝોન-કાંડની યાદ આવી ગઈ હતી. જોકે આ ઘટનામાં રાજકોટ ફાયર-બ્રિગેડનો કાફલો તાકીદે ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ૩૫ જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને કોઈને ટેરેસ પરથી તો કોઈને હાઇડ્રોલિક પ્લૅટફૉર્મ દ્વારા  સહીસલામત નીચે ઉતારી લેતાં મોટી જાનહાનિ ટળી હતી.

બિ​લ્ડિંગમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગમાં  જે ત્રણ જણે જીવ ગુમાવ્યા તેઓ આ બિલ્ડિંગમાં નહોતા રહેતા.

રાજકોટ ફાયર-બ્રિગેડના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર અશોકસિંહ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૧ માળના ઍટ્લા​ન્ટિસ બિ​લ્ડિંગમાં છઠ્ઠા માળે સીડીની લૉબીમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આગ લાગી હતી. આ આગ આજુબાજુના બે ફ્લૅટમાં સ્પ્રેડ થઈ હતી. જોકે અમને આ ઘટનાની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે પહોંચીને અમે બચાવ-કામગીરી હાથ ધરી હતી. પાંચ વેહિકલ સહિત બાવન ફાયર-કર્મચારીઓએ આગ ઓલવવાની કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતાં અટકાવી હતી અને દોઢ કલાકમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. આ દરમ્યાન ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. આગને કારણે બિ​લ્ડિંગમાં ફસાયેલા ૩૫ જેટલા લોકો પૈકી ઘણાને સીડીમાંથી તો ઘણાને ટેરેસ પરથી બાજુના બિ​લ્ડિંગની ટેરેસ પર શિફ્ટ કર્યા હતા, જ્યારે કેટલાકને હાઇડ્રોલિક પ્લૅટફૉર્મની મદદથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. હાલ ૧૫ વર્ષની એક છોકરી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.’

rajkot fire incident gujarat gujarat news news