સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતાં સહેલાણીઓ ઊમટ્યા

12 August, 2024 07:30 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભરૂચમાં પોલીસ અને ફાયર-બ્રિગેડના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

સહેલાણીઓ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઓમકારેશ્વર ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક થતાં ડૅમમાં પાણીની સપાટી ૧૩૫.૧૬ મીટરે પહોંચી હતી. ગઈ કાલે ડૅમના નવ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા હતા અને ૯૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નદી તળના વિદ્યુતમથકનાં છ મશીનો શરૂ કરાતાં બીજું ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં કુલ ૧,૩૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વર્ષે પહેલી વાર સરદાર સરોવર ડૅમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં અને ગઈ કાલે રવિવારની રજા હોવાથી આ નઝારો માણવા ડૅમ ખાતે હજારો સહેલાણીઓ ઊમટ્યા હતા અને નર્મદાનાં નીરને વધાવ્યાં હતાં. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાનાં નદીકિનારાનાં પચીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તિલકવાડા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામો અને ભરૂચના કાંઠા વિસ્તારમાં પણ લોકોને સાવધ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં પોલીસ અને ફાયર-બ્રિગેડના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

vadodara bharuch monsoon news Gujarat Rains gujarat news ahmedabad