13 February, 2026 07:37 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
અમદાવાદના કાંકરિયામાં આવેલા અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ગઈ કાલથી ૩ દિવસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજિત દિવ્યાંગ રમતોત્સવનું મેયર પ્રતિભા જૈને ઉદઘાટન કર્યું હતું. આ રમતોત્સવમાં ભાગ લેવા માટે શહેરના ૨૧૦૦થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગઈ કાલથી શરૂ થયેલા આ રમતોત્સવમાં ભાગ લેવા માટે દિવ્યાંગ ખેલાડીઓ ઊમટ્યા હતા અને વિવિધ રમતોમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
અમદાવાદમાં રહેતા દિવ્યાંગ નાગરિકોને રમતગમત દ્વારા પ્રોત્સાહિત કરવા અને તેમની પ્રતિભાને પ્લૅટફૉર્મ પૂરું પાડવા માટે આયોજિત આ રમતોત્સવમાં ૨૧૦૦થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. એમાં અમદાવાદ સ્કૂલ બોર્ડના ૪૮૦ વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે. લૉન્ગ જમ્પ, દોડ, ગોળાફેંક, લીંબુચમચી, સંગીત ખુરસી સહિતની રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં અપંગ માનવ સેવા સંઘ, અંધજન મંડળ, બહેરા-મૂંગાની શાળા, પૅરા સ્પોર્ટ્સ અસોસિએશન ઑફ ગુજરાત સહિતની સંસ્થાઓ જોડાઈ છે અને આ સંસ્થાઓના દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈને તેમના કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. ૩ દિવસ ચાલનારા આ રમતોત્સવમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાશે અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે.