✕

ગુજરાત: ૫ વર્ષની દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં રાખ્યો પછી પોતે પણ જીવન ટૂંકાવ્યું

24 September, 2026 04:00 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

બીજી નોટમાં ધનાકે કથિત રીતે સમજાવ્યું હતું કે તેણે પુત્રીની હત્યા એટલા માટે કરી કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેના મૃત્યુ પછી તે દુઃખ ભોગવે. અન્ય એક નોટમાં તેણે માફી માગી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે બાળકીનો મૃતદેહ રૅફ્રિજરેટરમાં મૂકવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતના અમરેલી જિલ્લામાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પાંચ વર્ષની દીકરીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો બન્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે પોતાની પુત્રીનો મૃતદેહ રૅફ્રિજરેટરમાં મૂક્યો હતો. આ ઘટના બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ ૪૦ વર્ષના કિશોર ધનાક તરીકે થઈ છે, જે બાંધકામ સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે તે તેની પુત્રી હિમાંશી સાથે ઘરે હતો.

ત્રણ સુસાઈડ નોટ મળી આવી

રાજુલાના નાયબ પોલીસ અધિક્ષક (DySP) નયના ગોરડિયાએ જણાવ્યું હતું કે ધનાકે કથિત રીતે પોતાની પુત્રીનું મોઢું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે બાળકીનો મૃતદેહ રૅફ્રિજરેટરમાં મૂક્યો અને પોતે ગળેફાંસો ખાઈ લીધો. એફઆઈઆર (FIR) મુજબ, ધનાકે ત્રણ સ્યુસાઇડ નોટ લખી હતી અને તેને પલંગ પર મૂકી હતી. તેની પત્ની મંજુબેને પોલીસને જણાવ્યું કે એક નોટમાં ધનાકે પર્સનલ લોન લેવા અને તે રકમ બાંધકામના કામમાં રોકવાનો ઉલ્લેખ કર્યો હતો. નોટમાં જણાવવામાં આવ્યું હતું કે તેને રૂ. ૭.૨૫ લાખ લેવાના નીકળતા હતા, પરંતુ તે રકમ તેને ચૂકવવામાં આવી ન હતી. નાણાંની અછત અને અન્ય કોઈ રસ્તો ન દેખાતા, તેમણે પોતાની પુત્રી સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો.

પુત્રીનો મૃતદેહ ફ્રિજમાં મૂક્યો

બીજી નોટમાં ધનાકે કથિત રીતે સમજાવ્યું હતું કે તેણે પુત્રીની હત્યા એટલા માટે કરી કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેના મૃત્યુ પછી તે દુઃખ ભોગવે. અન્ય એક નોટમાં તેણે માફી માગી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે બાળકીનો મૃતદેહ રૅફ્રિજરેટરમાં મૂકવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, "રૂમમાં કંઈક અસામાન્ય હતું." રૂમને ફુગ્ગા અને મીણબત્તીઓથી શણગારવામાં આવ્યો હતો. બાળકીએ સફેદ કપડાં પહેર્યા હતા અને તેના માથા પર દુપટ્ટો મૂકવામાં આવ્યો હતો. રૅફ્રિજરેટરની અંદર ઓશીકા અને ચૉકલેટ પણ રાખવામાં આવી હતી. બાળકીના હોઠ પર તુલસીના પાન મૂકવામાં આવ્યા હતા. ચૌધરીએ કહ્યું, "એવું લાગતું હતું કે તેઓ છેલ્લી વાર તેનો જન્મદિવસ ઉજવવા માગતા હતા. તેણે રૂમમાં મૂર્તિઓની પૂજા કરી હતી, અને રૂમ ફુગ્ગા તથા મીણબત્તીઓથી સજાવેલો હતો. તેણે રૂમમાં અને રૅફ્રિજરેટરમાં ચૉકલેટ પણ મૂકી હતી."

ઘરે પરત ફરતા પત્નીને મૃતદેહ મળી આવ્યો

મંજુબેન ૧૪ સપ્ટેમ્બરે તેમના પિયર ગયાં હતાં. તેમણે ધનકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ, તેમણે બુધવારે સાંજે તેમના ભાઈને ઘરે મોકલ્યા. જ્યારે દરવાજો ન ખૂલ્યો, ત્યારે મંજુબેન ત્યાં પહોંચ્યાં, દરવાજો તોડીને અંદર ગયા. અંદર તેમને ધનકનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો જોવા મળ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, રૅફ્રિજરેટર પર એક કાગળનો ટુકડો મળી આવ્યો હતો જેના પર "હૅપ્પી બર્થડે હિમાંશી" લખેલું હતું. જોકે, તે દિવસે બાળકીનો જન્મદિવસ નહોતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. તપાસ ચાલુ છે.

gujarat news murder case Crime News Gujarat Crime gujarat police ahmedabad