ગુજરાતી ફિલ્મમાં ગવડાવવા માટે નવાસવા પ્રફુલ દવેની ગૅરન્ટી લીધી હતી ગૌરાંગ વ્યાસે

04 September, 2026 07:58 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતી ફિલ્મોમાં પહેલી વાર પોતાને ગવડાવનાર ગૌરાંગ વ્યાસ સાથેની યાદોને મિડ-ડે સમક્ષ વાગોળી લોકગાયક પ્રફુલ દવેએ

ગૌરાંગ વ્યાસ અને પ્રફુલ દવે.

ગુજરાતના અષાઢી કંઠના ગાયક પ્રફુલ દવે આજથી ૫૦ વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવાસવા આવ્યા હતા એ સમયે તેઓ સારું ગાશે અને ફિલ્મમાં તેમને ગવડાવવો જોઈએ એના માટેની ગૅરન્ટી અને જવાબદારી ગુજરાતના શિરમોર સંગીતકાર ગૌરાંગ વ્યાસે લીધી હતી. પ્રફુલ દવેને એ સમયે પહેલી વાર ફિલ્મ ‘લાખો ફુલાણી’ માટે ‘મણિયારો તે...’ ગીત ગવડાવ્યું અને એક ઇતિહાસ રચાઈ ગયો. ૫૦ વર્ષ પહેલાં ગવાયેલું આ ગીત દુનિયામાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં ગરબાના કાર્યક્રમમાં આજે પણ ગવાય છે.  

ગૌરાંગ વ્યાસ સાથેની યાદોને વાગોળતાં પ્રફુલ દવેએ  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૌરાંગભાઈની સ્વતંત્ર રીતે પહેલી ફિલ્મ ‘લાખો ફુલાણી’ હતી. ત્યાં સુધી તેઓ અવિનાશ વ્યાસના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. ૧૯૭૪-૭૫ની આ વાત છે. ‘લાખો ફુલાણી’ ફિલ્મ માટે ગૌરાંગભાઈએ અરુણ દવે અને અવિનાશભાઈને કહ્યું હતું કે જો પ્રફુલ દવે મણિયારો ગાશે તો ચાર ચાંદ લાગી જશે. એમ કહીને ગૌરાંગભાઈએ અવિનાશભાઈને કહ્યું હતું કે આ છોકરા પાસે મણિયારો ગવડાવીએ તો કેમ? અવિનાશભાઈએ ત્યારે કહ્યું હતું કે ચોક્કસ ગવડાવી શકાય એટલે મને ગવડાવવાની પહેલી ક્રેડિટ ગૌરાંગભાઈને જાય છે. ગૌરાંગભાઈએ મારી ગૅરન્ટી અને જવાબદારી પણ લીધી હતી અને મારી પાસે ગુજરાતી ફિલ્મમાં મારું પહેલું ગીત મણિયારો ગવડાવ્યું હતું. મારી સાથે સુમન કલ્યાણપુરે આ ગીતમાં સ્વર આપ્યો હતો. આ ગીત મુંબઈના ફિલ્મ સેન્ટરના સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ થયું હતું. મણિયારો ગીત હિટ થયું એની સાથે-સાથે પ્રફુલ દવે પણ હિટ થયા એટલે ગૌરાંગ વ્યાસે મને પ્રસિદ્ધ કર્યો હતો. એ પછી તો ગૌરાંગભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું અને અગણિત ગીતો ગાયાં.’

ગુજરાતી સંગીતમાં ગૌરાંગ વ્યાસે આપેલા યોગદાન વિશે વાત કરતાં પ્રફુલ દવેએ કહ્યું હતું કે ‘ગુજરાતી સંગીત કેવું હોય એ કોઈને સમજાવવું હોય તો એમ કહી શકીએ કે ગૌરાંગ વ્યાસનાં કમ્પોઝિશન સાંભળી લો. ગુજરાતીપણું કોને કહેવાય એ જોવું હોય તો પણ ગૌરાંગ વ્યાસનાં કમ્પોઝિશન સાંભળી લો. અવિનાશભાઈ તો હતા જ, પણ તેમના દીકરા તરીકે ગૌરાંગ વ્યાસ ગૌરવની વાત છે. ગૌરાંગ વ્યાસ ગૌરાંગ વ્યાસ હતા.’

ગૌરાંગભાઈ અજાતશત્રુ હતા. મેં તેમની સાથે અસંખ્ય ગીતો રેકૉર્ડ કર્યાં છે પણ મેં એક પણ વાર ગૌરાંગભાઈનાં નેણ ભેગાં થતાં જોયાં નથી એટલે કે ગૌરાંગભાઈને ગુસ્સે થતા ક્યારેય જોયા નથી. તેઓ પૅશનથી કામ કરતા હતા. કોઈની ભૂલ થઈ હોય તો ખીજાતા નહોતા. ગૌરાંગભાઈ સદેખા હતા, અદેખા નહીં.

ગુજરાતી સંગીત કેવું હોય એ કોઈને સમજાવવું હોય તો એમ કહી શકાય કે ગૌરાંગ વ્યાસનાં કમ્પોઝિશન સાંભળી લો : પ્રફુલ દવે

gujarat news gujarat exclusive indian classical music celebrity death ahmedabad dhollywood news