16 February, 2023 10:45 AM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વિરમગામ સીટથી ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ (BJP MLA Hardik Patel) વિરુદ્ધ ધ્રાંગધ્રાની અદાલતે (Dhrangadhra Court) અરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યો હોવાની માહિતી મળી છે. ચૂંટણી સમયે આચાર સંહિતાના ભંગના મામલે ચાલી રહેલા કેસમાં હાજર ન રહેતા કોર્ટે આ વોરંટ જાહેર કર્યું છે. જો હજી પણ હાર્દિક પટેલ હાજર ન રહ્યાં તો પોલીસ કાયદેસર રીતે તેમની ધરપકડ કરી શકે છે. આ કેસની આગામી મુદતમાં હાર્દિક પટેલે ફરજિયાત હાજર રહેવું પડશે.
હાર્દિક પટેલ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગનો મામલો ધ્રાંગધ્રાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. હાર્દિક પટેલ મુદત મુજબ હાજર ન થતાં કોર્ટે નારાજ થઈ હતી અને વોરંટ જાહેર કર્યો હતો. હવે જોવાનું એ છે કે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરી તેમને હાજર કરશે કે હાર્દિક પટેલ પોતે જ આ કેસની મુદતના દિવસે કોર્ટમાં હાજર રહેશે. ઉપલબ્ધ માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામમાં એક સભા યોજાઈ હતી. આ સભામાં હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કર્યો હતો, ત્યાર બાદ ધાંગ્રધ્રા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિવિધ કોર્ટમાં અને MP-MLA વિરુદ્ધ કુલ 49 કેસ ચાલી રહ્યા છે. આ યાદીમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈને ગુજરાત સરકારના 2 પ્રધાનો સહિત અનેક મોટા પ્રધાનોના નામ છે. સુપ્રીમ કોર્ટના આદેશ આદેશ બાદ રાજ્ય સરકારે આ મામલે ખુલાસો કરવાની ફરજ પડી હતી. ચૂંટણીપંચે નેતાઓ માટે ક્રિમિનલ બેક ગ્રાઉન્ડ કે કોઈપણ થયેલી ફરિયાદ વિશે માહિતી આપવાનું ફરજિયાત બનાવ્યું છે, જેને પગલે સામાન્ય પ્રજા પણ જાણી શકે છે કે કોની સામે કેટલા કેસ ચાલે છે.
આ પણ વાંચો: વૅલેન્ટાઇન્સ ડેએ સ્ટુડન્ટ્સે પેરન્ટ્સની કરી પૂજા અને પ્રદક્ષિણા
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદમાં બે, જામનગરમાં એક, લુણાવાડામાં એક, ગોધરામાં એક, પાટણમાં એક, સુરતમાં એક કેસ ચાલુ છે. ગુજરાતમાં સૌથી વધારે કેસ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે નોંધાયેલા છે. કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પીએમ નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ટિપ્પણી સહિતના મુદ્દે અમદાવાદમાં બે અને સુરતમાં એક એમ કુલ ત્રણ કેસ પેન્ડિંગ છે.