04 October, 2024 11:06 AM IST | Dahod | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલી તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે શાળાના જ આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મ કરવા અને ત્યાર બાદ તેની હત્યા કરી દેવાના કેસમાં ગુજરાત પોલીસે ગુનાને લગતા પુરાવાઓ મેળવીને માત્ર ૧૨ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયાને કહ્યું હતું કે ‘કુલ ૧૭૦૦ પાનાંની ચાર્જશીટમાં પોલીસે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવીને મૂક્યા છે તેમ જ ૧૫૦ જેટલા સાક્ષીઓને ચેક કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ, ફૉરેન્સિક ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ઍનૅલિસિસ, ફૉરેન્સિક બાયોલૉજિકલ ઍનૅલિસિસનો સમાવેશ કરાયો છે. કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાઈ છે. આરોપીએ ગાડી ધોવડાવીને પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં તે સફળ રહ્યો નથી એ પુરવાર થયું છે. આરોપીએ અન્ય સાક્ષીને ધમકાવ્યા એ ફોનમાં રેકૉર્ડિંગ થયું છે એનું પરીક્ષણ કર્યું છે એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. આવા બનાવોમાં કોઈ વ્યક્તિ કે સાક્ષી મળી આવતા ન હોય ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્ત્વના સાબિત થતા હોય છે.’