10 September, 2025 11:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં આવેલા નારોલ વિસ્તારમાં મટન ગલી રોડ પરથી સોમવારે મોડી રાતે હૉસ્પિટલમાંથી ઘર તરફ જઈ રહેલા દંપતીને રોડ પર ભરાયેલા વરસાદનાં પાણીમાં વીજળીનો કરન્ટ લાગતાં બન્નેનું ઘટનાસ્થળે મોત થયું હતું. થોડી મિનિટમાં દંપતીનાં એકસાથે થયેલાં મૃત્યુની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. પાણીમાં વીજ-કરન્ટ કઈ રીતે આવ્યો એ વિશે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તપાસ હાથ ધરી છે.
નારોલ વિસ્તારમાં રહેતા રાજન સિંઘલે પિતાને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા જેથી રાજન પત્ની અંકિતા સાથે હૉસ્પિટલ ગયો હતો અને ત્યાંથી રાતે ૧૧ વાગ્યે બન્ને ઘરે આવી રહ્યાં હતાં. તેઓ મટન ગલીમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રોડ પર પાણી ભરાયેલાં હોવાથી આ દંપતી તેમના ટૂ-વ્હીલરને ધક્કો મારીને લઈ જતું હતું એ દરમ્યાન અચાનક પાણીમાં કરન્ટ લાગતાં અંકિતા ઢળી પડી હતી. એ જોઈને તેને બચાવવા ગયેલા રાજનને પણ કરન્ટ લાગતાં તે પણ ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને વીજ-કંપનીને જાણ કરતાં અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વીજપુરવઠો બંધ કરી દીધો હતો અને ઍમ્બ્યુલન્સ બોલાવીને દંપતીને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં આ દંપતીને મૃત્યુ પામેલું જાહેર કરવામાં આવ્યું હતું.