✕

જીવનની નવી આશા: સાત અઠવાડિયાંના બાળ હાથી રાજાને જીવનરક્ષક સારવાર માટે વનતારા પહોંચાડવા અનંત અંબાણી આગળ આવ્યા

21 November, 2026 07:17 AM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

અનંત અંબાણીના સહયોગથી ભારતમાં આ પ્રકારનું ત્રીજું ઍરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે.

બાળ હાથી રાજા જીવનરક્ષક સારવાર માટે વનતારામાં

અનંત અંબાણી અને વનતારાની ટીમના ‘ઉદાર પ્રયાસ’ને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બિરદાવ્યો: જન્મના દિવસથી જ જીવન માટે સંઘર્ષ કરી રહેલા હાથીના નવજાત બચ્ચાની સ્થિતિથી વ્યથિત થઈને વનતારાના સ્થાપક અનંત અંબાણીએ રાજાને વિશેષ હૉસ્પિટલ સારવાર માટે આસામથી વનતારા પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. અનંત અંબાણીના સહયોગથી ભારતમાં આ પ્રકારનું ત્રીજું ઍરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે.

કરુણાભર્યા પ્રયાસરૂપે વનતારાના સ્થાપક અનંત અંબાણી સાત અઠવાડિયાંના એશિયન હાથીના બચ્ચા રાજાને જીવનની એક નવી આશા આપવા આગળ આવ્યા છે. જાંઘના હાડકામાં ફ્રૅક્ચર સાથે જન્મેલા રાજાને તાત્કાલિક હૉસ્પિટલ સારવાર માટે આસામના પોહુમારાથી ગુજરાતના જામનગરસ્થિત વનતારા ખાતે ઍરલિફ્ટ કરવામાં આવી રહ્યો છે.

છેલ્લાં ૭ અઠવાડિયાંથી વનતારાની વેટરિનરી ટીમ રાજાના માલિકના ઘરે જ એની સારવાર કરી રહી હતી. જોકે સ્થિતી ગંભીર હોવાને લીધે હવે તેને હૉસ્પિટલમાં મળતી સારવાર આપવી અનિવાર્ય બની છે. આટલા નાના બચ્ચા માટે ૨૫૦૦ કિલોમીટરથી વધુની રોડ જર્ની શક્ય નથી. રાજાને દિવસોને બદલે ગણતરીના કલાકોમાં નિષ્ણાત સારવાર સુધી પહોંચાડવાની જરૂરિયાત સ્પષ્ટ થતાં અનંત અંબાણીએ એને ઝડપથી અને સુરક્ષિત રીતે એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરી.

અનંત અંબાણી માટે નાનામાં નાનો દરેક જીવ મહત્વનો છે. તેમના સહયોગથી ભારતમાં આ પ્રકારનું ત્રીજું ઍરલિફ્ટ શક્ય બન્યું છે.

વનતારાના CEO વિવાન કારાણીએ જણાવ્યું હતું કે ‘રાજાનો જન્મ ભાંગેલા પગ સાથે થયો હતો, પરંતુ એની હિંમત ક્યારેય તૂટી નથી. છેલ્લાં ૭ અઠવાડિયાંથી એ પોતાના નાના શરીર કરતાં મોટી હિંમત સાથે જીવન માટે લડી રહ્યો છે. હવે એને સુરક્ષિત રીતે સારવાર સુધી પહોંચાડવાની આપણી જવાબદારી છે. ઘણી વાર દુનિયા એટલી ઝડપથી આગળ વધતી હોય છે કે સૌથી નાના અને નાજુક જીવનું ધ્યાન રાખવાનો સમય પણ મળતો નથી, પરંતુ શ્રી અનંત અંબાણી રાજા માટે થોભ્યા છે. તેમની કરુણા અને પ્રેમ રાજાને ફરી જીવનની તક આપી રહ્યા છે. તેમના કારણે સડકમાર્ગે દિવસો સુધી ચાલનારી મુસાફરી હવે હવાઈમાર્ગે માત્ર થોડા કલાકોમાં પૂરી થશે. વનતારા ખાતે અમે એને ફરી ઊભા થવાની, ચાલવાની અને એક દિવસ એ દોડી શકે એવી દરેક શક્ય સારવાર પૂરી પાડીશું.’

આસામના મુખ્ય પ્રધાને આ પ્રયાસને બિરદાવ્યો : રાજાને જામનગર પહોંચાડવાની વ્યવસ્થામાં આસામના મુખ્ય પ્રધાન શ્રી હિમંતા બિસ્વા સરમાએ પણ સહયોગ આપ્યો હતો. રાજાના માલિક શ્રી ભોલાનાથ પેગુની વિનંતી બાદ તેમણે વનતારાનો સંપર્ક કર્યો.

મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ પ્રયાસને બિરદાવતાં લખ્યું હતું કે ‘રાજાના માલિક શ્રી ભોલાનાથ પેગુની વિનંતી પર મેં વનતારાનો સંપર્ક કર્યો હતો. વનતારાની ટીમે આગળ આવીને આજે સવારે વિશેષ સારવાર માટે રાજાને જામનગરસ્થિત તેમના રીહૅબિલિટેશન સેન્ટર ખાતે ઍરલિફ્ટ કરી પહોંચાડ્યો છે અને એની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉદાર પ્રયાસ બદલ શ્રી અનંત અંબાણી અને વનતારાની ટીમને અભિનંદન. અમે રાજાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ.’

મુખ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કરતાં વનતારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘રાજા પ્રત્યે વ્યક્તિગત ચિંતા દર્શાવવા અને વનતારા પર વિશ્વાસ મૂકવા બદલ અમે માનનીય મુખ્ય પ્રધાન શ્રી હિમંતા બિસ્વા સરમાના અત્યંત આભારી છીએ. રાજા આસામનો છે અને એની સાજા થવાની સફર આપણી સહિયારી જવાબદારી છે. આસામના લોકોના આશીર્વાદ સાથે અમારી ટીમ એને પોતાના પગ પર ઊભો કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.’

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ‘આસામ હંમેશાં ભારતના હાથીઓ અને એમને ખૂબ પ્રેમ કરતા લોકોનું ઘર રહ્યું છે. પોહુમારામાં રાજાની સંભાળ રાખનારાઓએ છેલ્લાં ૭ અઠવાડિયાં દરમ્યાન ખૂબ જ સારી રીતે એની દેખભાળ કરી છે. હવે આ સંભાળને આગળ વધારવાની તક મળવી અમારા માટે સન્માનની વાત છે.’

બાળ હાથી રાજાનો જન્મ ૨ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ આસામના ગોગામુખ ખાતે થયો. એની માતા પોતે માત્ર ૧૧ વર્ષની હતી અને માતૃત્વનો એને કોઈ અનુભવ નહોતો. પ્રસૂતિ બાદ ગભરાટ અને અસ્વસ્થતાને કારણે એણે પોતાના નવજાત બચ્ચાને લાત મારી દીધી હતી. પરિણામે જન્મના પહેલા જ દિવસે રાજાના પાછળના પગના જમણા ફીમર એટલે કે જાંઘના મોટા હાડકામાં સંપૂર્ણ ફ્રૅક્ચર થયું હતું.

સામાન્ય રીતે આ ઉંમરે હાથીનું બચ્ચું ડગમગતાં પગલે ચાલવાનું શરૂ કરતું હોય છે, પરંતુ રાજા પોતાના પગ પર શરીરનું વજન સહન કરી ન શકવાને કારણે ઊભો પણ નથી રહી શકતો. એને માતાનું પ્રસૂતિ પછી મળતું પહેલું દૂધ  કોલેસ્ટ્રૉમ નહોતુ મળ્યુ. નવજાત હાથીના બચ્ચાને રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી આપવા માટે આ દૂધ અત્યંત
મહત્વનું છે.

રાજાના માલિક અને એની સંભાળ રાખનારાઓને સમજાયું કે એને વિશેષ સારવારની જરૂર છે માટે તેમણે વનતારાની મદદ માગી હતી. ૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ વનતારાની રૅપિડ રિસ્પૉન્સ ટીમ રાજા સુધી પહોંચી.

એક્સ-રે તપાસમાં ફ્રૅક્ચરની ગંભીરતા સામે આવી હતી. હાડકાના તૂટેલા બન્ને છેડા ખસી ગયા હતા અને ગોઠવણી બગડી ગઈ હતી. વનતારાની ટીમે પ્લાસ્ટર કાસ્ટ અને સપોર્ટિવ બૅન્ડેજની મદદથી ઈજાગ્રસ્ત પગને સ્થિર કર્યો હતો. ઊભા રહેવામાં મદદ મળે અને ઈજાગ્રસ્ત પગ પરનું દબાણ ઘટે એ માટે સ્લિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એની સાથે ખાસ તૈયાર કરેલું ફૉર્મ્યુલા મિલ્ક શરૂ કરવામાં આવ્યું હતું. એના માલિક અને સંભાળ રાખનારાઓને બૉટલથી દૂધ પીવડાવવા સહિતની જરૂરી સલાહ પણ આપવામાં આવી હતી.

૧૦ ઑક્ટોબરે રાજાને એના માલિકના પોહુમારા સ્થિત નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારથી વનતારાની ટીમ સતત એની સારવાર, નર્સિંગ અને ૨૪ કલાક દેખરેખ રાખી રહી છે. રાજા આરામ કરે છે એ જગ્યાની નજીક એક હાઇડ્રોથેરપી પૉન્ડ બનાવવામાં આવ્યો હતો જેથી ફ્રૅક્ચર થયેલા પગ પર વજન મૂક્યા વિના એ હલનચલન કરી શકે.

આ બધી સ્થિતીઓને લીધે રાજાને એક પછી એક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એને ઝાડા થયા હતા અને લૅબોરેટરી તપાસમાં ક્લેબ્સિએલા ન્યુમોનિઆ નામના બેક્ટેરિયલ ઇન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી. એની બ્લડ શુગર વારંવાર ઘટી જતી, લોહીની તપાસમાં લિવર સંબંધિત માર્કર્સનું પ્રમાણ વધેલું જોવા મળ્યું,  જે એના લિવર પર તાણ હોવાનો સંકેત આપે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સૂઈ રહેવાને કારણે એના માથા પર દબાણને લીધે ઘા પણ થયા છે. આ ઉપરાંત એને નાભિમાં હર્નિયા અને વીકનેસની પણ સમસ્યા છે.

વનતારાની ટીમે આ તમામ સમસ્યાઓ માટે જરૂરી ઍન્ટિબાયોટિક્સ, દવા, લિવરને સહાયક એવી સારવાર, વિટામિન્સ અને મિનરલ્સ, પ્રોબાયોટિક્સ, ઘાની સારવાર પોષણની વ્યવસ્થા કરી છે. જોકે રાજાની સ્થિતિ હજીએ ગંભીર છે. અને હવે એને સંપૂર્ણ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલમાં જ મળી થઈ શકે એવી સારવારની જરૂર છે જેમાં ઍડ્વાન્સ્ડ ડાયગ્નોસ્ટિક તપાસ, સતત દેખરેખ, નિષ્ણાત ઑર્થોપેડિક સારવાર અને સુઆયોજિત પોષણ તથા રીહૅબિલિટેશન કાર્યક્રમનો સમાવેશ થાય.

રાજા ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગુવાહાટીથી જામનગર માટે ખાસ વ્યવસ્થા કરાયેલી અને એની માટે બનાવામાં આવેલા ક્રેટમાં ફ્લાઇટમાં રવાના થયો છે. ૪ કલાકની મુસાફરી છે. રાજાના નાના શરીરને અનુરૂપ બનાવાયેલા ક્રેટમાં તેના ફ્રેક્ચર્ડ પગને સ્થિર અને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા છે. ટેકઑફ અને લેન્ડિંગ દરમિયાન તેને આંચકો ન લાગે અને માથા પરના ઘાને સુરક્ષા મળે તે માટે અંદર નરમ અને જાડું બેડિંગ બનાવ્યુ છે.

વનતારાના વેટરિનરી ડૉક્ટર્સ, પેરાવેટ્સ અને કેર ગિવરની વિશેષ ટીમ જર્ની દરમિયાન રાજાની સાથે રહેશે. તેઓ સતત તેના હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, શરીરનું તાપમાન, શરીરમાં પાણીનું પ્રમાણ અને બ્લડ ગ્લુકોઝનું નિરીક્ષણ કરશે. એની જરૂરી દવાઓ અનલ ફુડ ફ્લાઇટમાં પણ ઉપલબ્ધ રહેશે.

બાય રોડ દિવસો સુધી ચાલનારી મુસાફરીને બદલે હવાઈમાર્ગે માત્ર થોડા કલાકોમાં રાજાને જામનગર પહોંચાડી શકાશે. જેનાંથી મુસાફરી દરમિયાન કોઇપણ જોખમ અને સ્ટ્રેસ ઘટાડી શકાય. ખાસ કરીને નબળા સ્વાસ્થ્ય અને મર્યાદિત શારીરિક ક્ષમતા ધરાવતા આટલા નાના બચ્ચા માટે આ બાબત અત્યંત
મહત્ત્વપૂર્ણ છે.

જામનગર પહોંચ્યા બાદ રાજાને વનતારાની ઍલિફન્ટ હૉસ્પિટલમાં રાખવામાં આવશે. ત્યાં વેટરિનરી નિષ્ણાતો એની સંપૂર્ણ તપાસ કરશે. ત્યાર બાદ દુખાવાનું નિયંત્રણ, દવાઓ, હાઇડ્રો થેરપી અને પોષણ આધારિત રીહૅબિલિટેશન સારવાર કરવામાં આવશે.

એની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં રાજાને આજીવન વેટરિનરી સારવાર અને દેખરેખની જરૂર પડી શકે છે. વનતારાએ એને આ તમામ જરૂરી સારવાર અને સંભાળ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Anant Ambani vantara assam himanta biswa sarma wildlife jamnagar gujarat news gujarat