અમદાવાદમાં બજરંગ દળ અને VHPએ ચર્ચ પર હુમલો કર્યાનો કૉંગ્રેસનો દાવો, વીડિયો વાયરલ

21 April, 2025 06:58 AM IST  |  Ahmedabad | Viren Chhaya

Ahmedabad Church Attack: ગુજરાતના અમદાવાદમાં આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જોકે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તેની પુષ્ટિ કરતું નથી. આ સાથે પ્રશાસન કે પોલીસ દ્વારા પણ આ હુમલા બાબતે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

દેશભરમાંથી એક સમુદાય દ્વારા બીજા સમુદાય પર હુમલો અને મારપીટ કરવામાં આવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. એકબીજાના તહેવારોની ઉજવણીમાં ખલેલ પાડવો વગેરેની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. રામ નવમી હોય કે પછી હનુમાન જન્મોત્સવ તેના પર પથ્થરમારો થયો હોવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે તાજેતરમાં એવી જ એક સમાન ઘટના સામે આવી છે, જેમાં કેટલાક અસમાજિક તત્વોએ મળીને ચર્ચ પર હુમલો કર્યો છે.

ગુજરાતના અમદાવાદમાં આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જોકે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ તેની પુષ્ટિ કરતું નથી. આ સાથે પ્રશાસન કે પોલીસ દ્વારા પણ આ હુમલા બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કૉંગ્રેસના એક મહિલા નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી હતી.

તેમણે X પર વીડિયો શૅર કરી લખ્યું “૨૦૧૪ પછી, શું એવો કોઈ તહેવાર છે જે આ ભાજપના ગુંડાઓ દ્વારા દરેક તહેવાર બગાડ્યા વિના ઉજવી શકાય? ઈસ્ટર સન્ડેના રોજ અમદાવાદના ઓધવમાં ચર્ચ પર હુમલો થયો હતો. બજરંગ દળ અને વીએચપીના સભ્યોએ છરીઓ અને લાકડીઓ વડે શાંતિપૂર્ણ પૂજા પર હુમલો કરી, ત્યાં રહેલી મહિલાઓ અને બાળકોને ધમકાવ્યા હતા. કોણ તેમને આ પ્રકારના હથિયારો ખુલ્લેઆમ રાખવા અને કાયદાના ડર વિના લોકોને આતંકિત કરવા માટે સશક્ત બનાવી રહ્યું છે?”

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આ ઘટના અમદાવાદના ઓધવ વિસ્તારમાં બની છે. વીડિયોમાં કેટલાક લોકો ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને ચર્ચમાં લોકોને ધમકાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શૅર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળથી જોડાયેલા હતા.

ઉલ્લેખનીય છે કે આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, ગેરકાયદેયસર ચાલી રહેલા ધરમાંતરણને રોકવા માટે બજરંગ દળ અને વીએચપીના સભ્યો અહીં પહોંચ્યા હતા. “ધર્માંતરણના ડરથી, VHP કાર્યકરો ચર્ચ ગયા હતા અને તેમના પછી તરત જ પોલીસ પણ અહીં આવી પહોંચી હતી. VHP કાર્યકરોએ ધર્માંતરણની શંકાના આધારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે. આ સંદર્ભમાં કોઈ અપહરણ કે બંધક બનાવવાની ઘટના બની નથી. કોઈની સાથે કોઈ ઝઘડો કે અન્ય કોઈ ઘટના બની નથી. ખ્રિસ્તી નેતાઓ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે અને તેમણે કોઈ રજૂઆત કરી નથી” એમ અમદાવાદ પોલીસે નિવેદન આપ્યું હતું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.

ahmednagar jesus christ christianity easter gujarat news jihad gujarat