નવસારીમાં દરજીકામ કરતો આતંકવાદી પકડાયો

28 January, 2026 10:41 AM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

૧ પિસ્તોલ અને ૬ રાઉન્ડ કારતૂસ મળી આવ્યાં, મોબાઇલમાંથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની વિચારધારાને સમર્થન આપતું ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું

ફૈઝાન શકીલ સલમાની અને તેની પાસેથી મળી આવેલી પિસ્તોલ.

દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી કૃત્ય આચરવા માટે હથિયાર ભેગાં કરનાર અને નવસારીમાં રહીને દરજીકામ કરતા ફૈઝાન શકીલ સલમાનીની ગુજરાત ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને નવસારી પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી મળી આવેલા મોબાઇલમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તથા અલ-કાયદાની વિચારધારાને સમર્થન આપતું ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું હતું. પકડાયેલા ફૈઝાન પાસેથી ૧ પિસ્તોલ અને ૬ રાઉન્ડ કારતૂસ મળી આવી હતી. આ ઉપરાંત ઉર્દૂ જેવી લિપિમાં લખાયેલું અને જેહાદ માટે ઉશ્કેરણી કરતું વાંધાજનક લખાણ મળી આવ્યું છે. 

પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા ૬–૭ મહિનાથી વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવાં સોશ્યલ મીડિયા માધ્યમ દ્વારા મોહમ્મદ અબુ બકર નામના યુવકના સંપર્કમાં હતો. ફૈઝાન અને અબુ બકર ટેલિગ્રામ પર મૌલાના મસૂદ અઝહર તથા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં ઉશ્કેરણીજનક બયાન સાંભળીને એને અનુસરતા હતા. બન્ને પાસેથી મળી આવેલાં હથિયાર વિશે ફૈઝાને પોલીસને જણાવ્યું હતું કે આ હથિયાર રાખવા પાછળનો હેતુ એવા લોકોને નિશાન બનાવવાનો હતો જેમણે પયગંબરની શાનમાં ગુસ્તાખી કરી હોય. આવા લોકોની ઓળખ કરીને તેમના પર ફાયરિંગ કરીને તેમની હત્યા કરવાનું એક કાવતરું તેણે ઘડ્યું હતું.

gujarat news gujarat navsari anti terrorism squad Crime News