23 November, 2026 10:15 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
કચ્છમાં થયેલા ભીષણ અકસ્માતમાં કારના બે ભાગ થઈ ગયા હતા.
રણ નિહાળીને ખાવડાથી ભુજ પરત ફરતી વેળાએ શનિવારે રાત્રે ઓવરટેક કરવામાં સર્જાયેલી દુર્ઘટના : જીવ ગુમાવનારા મૂળ ઉત્તરાખંડના ગઢવાલના વતની
કચ્છના ભુજ-ખાવડા માર્ગ પર વેકરિયાના રણ નજીક શનિવારે રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ માસની બાળકી સહિત આર્મી પરિવારનાં સાત સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. રણ નિહાળીને ખાવડાથી ભુજ તરફ પરત ફરી રહેલી કાર ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
બન્ને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને એમાં સવાર તમામ સાત વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અકસ્માત બાદ મૃતદેહો કારના કાટમાળમાં ફસાઈ ગયા હોવાથી બચાવટુકડીઓએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
જીવ ગુમાવનારા લોકો મૂળ ઉત્તરાખંડના ગઢવાલના વતની હતા અને ભુજ લશ્કરી મથક પર ફરજ બજાવતા ઇન્ડિયન આર્મીની ગઢવાલ રેજિમેન્ટના જવાનના પરિવારજનો હતા. પોલીસના જણાવ્યા અનુસાર જીવ ગુમાવનારા લોકોમાં આર્મી જવાન સૌરભસિંહ જસપાલસિંહ નેગી (૩૨), તેમનાં પત્ની સવિતા નેગી (૩૦) અને તેમની ત્રણ માસની પુત્રી સિવિકા; રાજેશસિંહ રાવત (૩૫) અને તેમની સાત વર્ષની પુત્રી રક્ષિતા તેમ જ રિંકી નીતિન ગોસાઈ (૩૦) અને તેમની ચાર વર્ષની પુત્રી વામિકાનો સમાવેશ થાય છે.
ભુજ-ખાવડા માર્ગ પર વધતા અકસ્માતોથી માર્ગસલામતી સામે ગંભીર સવાલો
રણોત્સવ અને ઔદ્યોગિક વિકાસને કારણે ભુજ-ખાવડા માર્ગ પર પ્રવાસી વાહનો ઉપરાંત મીઠું અને ઔદ્યોગિક માલસામાન વહન કરતાં ભારે ટ્રક-ટ્રેઇલરોની અવરજવર સતત વધી રહી છે.
રાત્રિના સમયે માર્ગપ્રકાશનો અભાવ, ખુલ્લા રણપ્રદેશમાં વાહનોની અનિયંત્રિત ગતિ, સામેથી આવતાં વાહનોની તેજ હેડલાઇટ અને જોખમી ઓવરટેકિંગ અકસ્માતનાં મુખ્ય કારણો બની રહ્યાં છે. રણોત્સવ સુધી પહોંચતો આ માર્ગ કચ્છના આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી અકસ્માત સંભવિત સ્થળો (બ્લૅક સ્પૉટ) પર ચેતવણીનાં બોર્ડ, પ્રકાશવ્યવસ્થા, ગતિમર્યાદાનો કડક અમલ અને નિયમિત પોલીસ પૅટ્રોલિંગ શરૂ કરવામાં આવે એવી પ્રબળ માગણી ઊઠી છે.
કેશોદ-બાલાગામ રોડ પાસે કાર પલટી ખાઈને સળગી, ૩નાં મોત
રવિવારે વહેલી સવારે જૂનાગઢથી માધવપુર જઈ રહેલી સ્વિફ્ટ કાર કેશોદ-બાલાગામ રોડ પર એક વળાંક પાસે અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ ગઈ હતી અને એમાં આગ લાગી ગઈ હતી. કારમાં સવાર ચારમાંથી ૩ જણ બળીને મૃત્યુ પામ્યા હતા જ્યારે એક વ્યક્તિ કારનો કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહી હતી.