01 June, 2026 01:38 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
અરે, હું તો લગ્ન કરીને ફસાઈ ગયો, પત્ની તો મારું લોહી પીએ છે, પત્ની વળી પૈસા ઉડાવવામાં આગળ હોય... આવી કમેન્ટ પુરુષો ખૂબ જ સહજતાથી ફ્રેન્ડ્સ કે ફૅમિલી ગેટ-ટુગેધરમાં કરતા હોય છે. એમાં જો પત્ની ખોટું લગાડે તો વાતને એમ કહીને ઉડાવી દેતા હોય છે કે અરે, હું તો મજાક કરતો હતો, તેં તો સિરિયસ્લી લઈ લીધું. સમાજે પત્નીઓ પરના જોક્સ નૉર્મલાઇઝ કરી દીધા છે, પણ વાસ્તવિકતામાં એ સ્ત્રીઓને હર્ટ કરે છે અને એની સંબંધો પર પણ ઘણી અસર પડે છે
અભિનેત્રી નેહા ધુપિયાએ એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘વાત-વાતમાં પત્ની પર જોક્સ કરવા, લગ્નજીવનની મજાક ઉડાવવી અને ૪ લોકોની વચ્ચે બેસીને એવું કહેવું કે યાર, લગ્ન કરીને ફસાઈ ગયો એ કોઈ જોક્સ નથી. જો તમે આ બધું માત્ર એટલા માટે કરી રહ્યા છો કારણ કે તમારી પત્ની ત્યાં બેઠી છે અને તમને લાગે છે કે તમે બહુ કૂલ કે રમૂજી દેખાઈ રહ્યા છો તો તમે બિલકુલ ખોટા છો. તે સ્ત્રી પાસે પણ ત્યાં બીજો કોઈ વિકલ્પ નથી હોતો એટલે તે પણ પરાણે હસી લે છે. આવી જગ્યાએ મારાથી પણ નથી રહેવાયું. મેં પોતે પણ આવા અંકલ કે સંબંધીઓ સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમને અટકાવ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણે આ પરંપરાને તોડવી જ પડશે.’
આ એવી વસ્તુ છે જે એક સ્ત્રી માટે ખૂબ અપમાનજનક છે કે પિતૃસત્તાક સમાજે એને નૉર્મલાઇઝ કરી દીધી છે, પણ સ્ત્રીઓમાં જેમ હવે જાગૃતિ આવી છે એમ આની સામે તેઓ અવાજ ઉઠાવતી થઈ છે. આજે આપણે અનુભવી સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર પાસેથી જાણીએ કે કેમ પુરુષો જાહેરમાં પત્નીની મજાક ઉડાવતા ખચકાતા નથી, પણ જ્યારે પત્ની ૪ લોકો વચ્ચે કંઈક બોલી દે તો તેમને વધુ હર્ટ થઈ જાય છે? પતિનું આવું વર્તન કઈ રીતે પત્ની સાથેના સંબંધ બગાડી શકે? પત્નીએ કઈ રીતે પોતાના માટે સ્ટૅન્ડ લેતાં શીખવું જોઈએ?
મજાક અને અપમાન વચ્ચે બહુ પાતળી રેખા હોય છે જેને સોશ્યલ ગૅધરિંગ્સમાં કે પાર્ટીઓમાં અવારનવાર ઓળંગી દેવામાં આવે છે. ઘણી વાર મિત્રો કે પરિવારના ગેટ-ટુગેધરમાં માહોલને થોડો હળવો કરવા કે રમૂજ પેદા કરવા માટે પતિ પોતાની પત્ની વિશે એવા કિસ્સા કે વાતો શૅર કરતા હોય છે જેને તેઓ એમ સમજીને બોલી દે છે કે આમાં કંઈ ખોટું નથી અને આ તો માત્ર એક સામાન્ય જોક જ છે. તેમને લાગે છે કે આ બધું બહુ નૉર્મલ છે; પણ વાસ્તવમાં પત્ની માટે એ જ વાતો અત્યંત અપમાનજનક, અકળાવનારી અને તેને બધાની સામે નીચી દેખાડનારી સાબિત થતી હોય છે. આ પ્રકારના વર્તન પાછળ જો મનોવૈજ્ઞાનિક કારણો જોઈએ તો એમાં સૌથી મોટો હાથ બાળપણના ઉછેર અને નકલ કરવાનો છે. નાનપણથી જ ઘણા પુરુષોએ પોતાના ઘરમાં પિતાને કે પરિવારના અન્ય વડીલ પુરુષોને સ્ત્રીઓ પર આ રીતે જોક્સ કરતા કે પત્નીને નીચી બતાવતા જોયા હોય છે, જેને લીધે આ ખોટો વ્યવહાર તેમના મનમાં એટલો સહજ બની જાય છે કે તેઓ પોતાની પત્ની સાથે પણ અજાણતાં એ જ વસ્તુ દોહરાવવા લાગે છે. તેઓ ક્યારેય એ સમજી જ નથી શકતા કે આ અસંવેદનશીલ આદતની તેમની પત્નીના મન પર શું અસર થઈ રહી છે અથવા આનાથી તેમના પોતાના સંબંધોને કેટલું મોટું નુકસાન પહોંચે છે. આ ઉપરાંત ૪ લોકોની વચ્ચે પત્નીને ટાર્ગેટ કરવા પાછળ મિત્રોના ગ્રુપમાં વાહ-વાહ મેળવવાની અને બધાની સામે કૂલ કે ઊંચા દેખાવાની એક છૂપી લાલસા પણ હોય છે. સંબંધમાં પોતાનું વર્ચસ સાબિત કરવા માટે તેઓ પત્નીને જાહેરમાં દબાવે છે, જેથી સોસાયટી સામે એવો મેસેજ જાય કે ઘર પર તેમનો જ કન્ટ્રોલ છે. એટલું જ નહીં, ઘણી વાર આ પ્રકારની મજાક પત્ની પ્રત્યેનો છૂપો ગુસ્સો કે નારાજગી વ્યક્ત કરવાની એક આડકતરી રીત પણ હોય છે. ઘરમાં જો પત્નીએ કંઈક એવું કર્યું હોય જે પતિને પસંદ ન આવ્યું હોય તો સામસામે શાંતિથી વાત કરવાને બદલે ૪ લોકો વચ્ચે જોક મારીને પત્નીને ટોણો મારે છે અને બધાની સામે તેની ખરાબ છાપ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. આથી ભલે આ આદત અજાણતાં થતી નકલ હોય, વાહ-વાહ મેળવવાની ભૂખ હોય કે પછી કન્ટ્રોલ જાળવી રાખવાનો એક છૂપો પ્રયાસ હોય; એ લગ્નજીવનમાંથી પરસ્પર આદર અને ભાવનાત્મક સુરક્ષાને સંપૂર્ણપણે ખતમ કરી નાખે છે.
સદીઓથી આપણા સમાજમાં પુરુષોને હંમેશાં ઊંચા આસન પર બેસાડવામાં આવ્યા છે. નાનપણથી જ તેમને ખાસ પ્રકારનું સન્માન અને વિશેષ ટ્રીટમેન્ટ મળતી હોય છે જેને કારણે તેનો અહમ્ ખૂબ મોટો થઈ જાય છે. જ્યારે ૪ લોકોની વચ્ચે પત્ની તેને કોઈ સામાન્ય વાતે પણ ટોકે કે તેની ભૂલ સુધારે ત્યારે પુરુષને એવું લાગે છે કે જાહેરમાં તેની આખી છાપ ખરડાઈ ગઈ છે. તે આ વાતને બહુ પર્સનલી લઈ લે છે અને તેના મનમાં એવો આક્રોશ જાગે છે કે ‘તારી હિંમત કેમ થઈ મારી સામે બોલવાની?’ અથવા ‘બધાની સામે તું મારું અપમાન કેવી રીતે કરી શકે?’ પુરુષોની એવી માનસિકતા હોય છે કે પત્નીનું કામ તેમની નબળાઈઓ કે ભૂલો પર પડદો નાખવાનું છે, એને ૪ લોકોની વચ્ચે ખુલ્લી પાડવાનું નથી. આ જ કારણે સંબંધમાં પુરુષો પોતાના અહમ્ અને આત્મસન્માનને પત્નીના આત્મસન્માન કરતાં ઘણું ઊંચું ગણે છે. તેઓ એ ભૂલી જાય છે કે પત્નીનું પણ પોતાનું સ્વાભિમાન છે અને એની રક્ષા થવી પણ એટલી જ જરૂરી છે. પુરુષોનું વલણ એવું હોય છે કે હું ગમે એ કરું એ ચાલશે, પણ તારે મર્યાદામાં રહેવું પડશે; તું મને બધાની સામે નીચો ન દેખાડી શકે કે મને સુધારી ન શકે. પરિણામે જ્યારે પણ પત્ની તેની કોઈ નબળાઈ તરફ ઇશારો કરે જે તેને પસંદ નથી ત્યારે જ ઈગો હર્ટ થઈ જાય છે.
જો પતિ ૪ લોકોની વચ્ચે પત્નીની મજાક ઉડાવે તો શરૂઆતમાં કદાચ પત્નીને એ ગમશે નહીં, પણ એ વાતને બહુ ગંભીરતાથી લીધા વગર છોડી દેશે. તે કદાચ પતિ સામે એ જ સમયે અવાજ પણ નહીં ઉઠાવે, પણ જો આ જ વસ્તુ વારંવાર બન્યા કરે અને જો પત્નીનો સ્વભાવ એવો ન હોય કે તે સામે દલીલ કરી શકે કે મક્કમતાથી પોતાનો પક્ષ રાખી શકે તો તેનામાં એક નવો જ ડર પેદા થઈ જાય છે. ધીમે-ધીમે પત્ની ગેટ-ટુગેધરમાં જવાનું ટાળવા લાગશે. જ્યારે પણ કોઈ સોશ્યલ ફંક્શન આવશે ત્યારે તેના મનમાં એવી ચિંતા ઘૂસી જશે કે ‘આ વખતે પણ જો મારો પતિ બધાની સામે મારા વિશે કંઈક ઊલટું-સૂલટું બોલી દેશે તો?’ આ ડરને કારણે તે પોતાની જાતને નબળી સમજવા લાગે છે અને ૪ લોકો વચ્ચે તેનો આત્મવિશ્વાસ સાવ ઓછો થઈ જાય છે. તેને પોતાના જ લગ્નજીવનમાં અસુરક્ષિતા અનુભવાવા લાગે છે. તે હંમેશાં એ જ ચિંતામાં જીવે છે કે જો તેનાથી કોઈ ભૂલ થઈ જશે તો પતિ તેને બધાની સામે રમૂજ કે મજાકનો વિષય બનાવી દેશે. સતત ચિંતા, ઓછો આત્મવિશ્વાસ અને નીચું આત્મસન્માન આ બધું જ પત્નીને અંદરથી તોડી નાખે છે. તેને એવું ફીલ થાય છે કે આ સંબંધમાં તેની કોઈ ઇજ્જત જ નથી અને તે ગમે એટલું કરે, ગમે એટલો ભોગ આપે તો પણ ક્યારેય તેના પતિ માટે પૂરતી સાબિત નહીં થઈ શકે. પરિણામે આ વ્યવહાર પતિ-પત્નીના સંબંધોને ખૂબ જ ખરાબ રીતે અસર પહોંચાડે છે. કાં તો પત્ની એવું માનીને બિલકુલ હાર માની લે છે કે તે ગમે એ કરે કંઈ બદલાવાનું નથી એટલે તે સંબંધમાં દિલથી જોડાવાનું બંધ કરી દે છે. તે હંમેશાં એવા ડરમાં જીવે છે કે તેનાથી કંઈ ખોટું ન થઈ જાય. એને કારણે તે હંમેશાં ખૂબ જ તાણ હેઠળ રહે છે. આ બન્ને રીતે અંતે તો તેમનો સંબંધ જ નબળો પડતો જાય છે.
મોટા ભાગે સ્ત્રીઓ ‘તમે બધાની સામે મને આવી રીતે કેમ કહ્યું?’ અથવા ‘તમે મારું અપમાન કર્યું’ એમ કહીને વાત કરે છે, જેનાથી સામેવાળી વ્યક્તિ બચાવના મોડમાં આવી જાય છે. એને બદલે પત્નીએ પોતાના અનુભવ પર ફોકસ કરીને કહેવું જોઈએ કે ‘તમે જ્યારે સોશ્યલ ગૅધરિંગમાં મારા વિશે આવી વાત કરી ત્યારે મને બહુ ખરાબ લાગ્યું, મને અપમાનિત અનુભવાયું.’ જ્યારે તમે તમારી લાગણીઓ રજૂ કરો છો ત્યારે પતિને પોતાના વર્તન પર વિચાર કરવાની તક મળે છે. પત્ની જ્યારે આ મુદ્દો ઉઠાવશે ત્યારે સ્વાભાવિક છે કે પતિ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરશે અથવા ગુસ્સે થશે. આવા સમયે પત્નીએ ડરીને કે કંટાળીને પાછા હટી જવાને બદલે મક્કમતાથી કહેવું જોઈએ કે ‘અત્યારે જ્યારે હું વાત કરી રહી છું ત્યારે હું ઇચ્છું છું કે તમે મારી વાત પૂરી સાંભળો. હું બસ એટલું ઇચ્છું છું કે જ્યારે આપણે ૪ લોકોની વચ્ચે હોઈએ ત્યારે તમે મારા વિશે આવી વાતો ન કરો.’ પત્નીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવવું જોઈએ કે જે રીતે આપણે ઘરની કે બેડરૂમની વાતો ૪ લોકોની વચ્ચે નથી લાવતા એ જ રીતે આપણા બન્નેની જે પણ ખામીઓ કે નબળાઈઓ હોય એ બહાર ન આવવી જોઈએ, જાહેરમાં એકબીજાના આત્મસન્માન અને ગરિમાની રક્ષા કરવી એ બન્નેની પરસ્પર જવાબદારી છે. પતિને સ્પષ્ટ કહો કે ‘મારાથી ક્યારેક કોઈ ભૂલ થઈ જાય એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે જાહેરમાં મારી મજાક ઉડાવો. મારો પોતાનો પણ એક સેલ્ફ-રિસ્પેક્ટ છે. તમારી આવી હરકતોથી હું ઇનસિક્યૉર ફીલ કરું છું. જો આવું જ રહ્યું તો આપણું રિલેશન અફેક્ટ થઈ જશે.’ ટૂંકમાં, પત્નીએ ઝઘડો કર્યા વગર, શાંત રહીને પણ એકદમ સ્પષ્ટ અને મક્કમ અવાજમાં પતિને એ અહેસાસ કરાવવો પડશે કે લાઇન ક્યાં ક્રૉસ થઈ રહી છે અને કયો વ્યવહાર હવે સહન કરવામાં નહીં આવે.
જો પતિ ઇચ્છે તો સમય જતાં પોતાના આ વર્તનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે અને કપલ તરીકે તેઓ સાથે મળીને પોતાના કમ્યુનિકેશન ગૅપને એટલે કે વાતચીતમાં રહેલી ખામીઓને પણ સુધારી શકે છે. જો પતિ આ પહેલાં પોતાના ઘરમાં અન્ય વડીલ પુરુષોને આવું કરતા જોઈને માત્ર નકલ જ કરતો હોય અને તેને અહેસાસ ન હોય કે આનાથી પત્ની હર્ટ થાય છે તો પત્ની દ્વારા આ વાત ધ્યાનમાં લાવ્યા પછી તેણે આ બાબતને વાસ્તવિકતાથી જોવી જોઈએ. તેણે કોઈ પણ બચાવ કર્યા વિના કે બહાનાં આપ્યા વિના પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને આ નુકસાનને કેવી રીતે સુધારી શકાય એના પર ધ્યાન આપવું જોઈએ. ભવિષ્યના કોઈ પણ સોશ્યલ ગૅધરિંગમાં આ પ્રકારનું વર્તન રિપીટ ન થાય એ તેનું પહેલું પગલું હોવું જોઈએ. એકબીજાની પરિસ્થિતિમાં રહીને તેમની લાગણીઓને સમજવી, સહાનુભૂતિ રાખવી સંબંધો માટે ખૂબ જ જરૂરી છે. પત્ની પ્રત્યે સહાનુભૂતિ રાખવાથી પુરુષ ક્યારેય નાનો નથી થઈ જતો. એનાથી પરસ્પર પ્રેમ અને આદર વધે છે, જે કોઈ પણ હેલ્ધી રિલેશનશિપના મજબૂત સ્તંભ છે. ગમે એ પરિસ્થિતિમાં જાહેરમાં પણ એકબીજાના આત્મસન્માન અને ગરિમાનું રક્ષણ કરવું જ જોઈએ. ઘણી વાર પત્ની માટે આવી વાતોને બહુ યોગ્ય કે શાંતિથી પતિ સામે રજૂ કરવી અઘરી બની જાય છે અને વાતચીત ઝઘડામાં કે નારાજગીમાં ફેરવાઈ જતી હોય છે. આવા સમયે પ્રોફેશનલ મૅરેજ કાઉન્સેલર કે થેરપિસ્ટની મદદ લેવી એ સૌથી બેસ્ટ આઇડિયા છે. મૅરેજ કાઉન્સેલર કપલને કોઈ ઝઘડા, ક્લેશ કે ગુસ્સા વગર અને ડિફેન્સિવ થયા વિના એકબીજા સાથે સાચી રીતે વાતચીત કેવી રીતે કરવી એ શીખવે છે, સંબંધમાં કઈ બાબતો સહન કરવી અને કઈ નહીં એ નક્કી કરવામાં મદદ કરે છે. મૅરેજ કાઉન્સેલિંગની મદદ લગ્નના કોઈ પણ સ્ટેજ પર લઈ શકાય છે. ભલે લગ્નને થોડો સમય થયો હોય કે ૧૦-૧૫ વર્ષ થઈ ગયાં હોય, સંબંધને ફરીથી ખીલવી શકાય છે. આ બદલાવ લાવવો એટલે પણ જરૂરી છે કારણ કે જ્યારે બાળકો પોતાનાં માતા-પિતાને ખુશ અને એકબીજાનો આદર કરતાં જોશે ત્યારે જ તેમનો લગ્ન નામની સંસ્થા પર ભરોસો વધશે.