16 December, 2025 09:55 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
પતિ-પત્ની ખૂબ લડતાં હોય ત્યારે એક સમય એવો હતો જ્યારે વડીલો કહેતા કે તમે બાળક કરી લો તો આ દરરોજના ઝઘડા એની મેળે બંધ થઈ જશે, પરંતુ ન્યુક્લિયર ફૅમિલીઝમાં એકલા હાથે બધું સંભાળતાં માતા-પિતા માટે બાળક આવ્યા પછીના ઝઘડા કૉમન ગણાય છે જેને પોસ્ટ-પાર્ટમ ફાઇટિંગ ફેઝ કહે છે. આ એક નાજુક મોડ છે જેમાં સંબંધને અને એકબીજાને સંભાળી લેવાની જરૂર ઘણી વધુ હોય છે. જે લોકો સંભાળી નથી શકતા એવા લોકો એક્સ્ટ્રામૅરિટલ અફેર, સેપરેશન કે ડિવૉર્સ સુધી પણ જતા રહેતા હોય છે
કિંજલ અને આદિત્યનાં પ્રેમલગ્ન થયાં. કૉલેજમાં બધા તેમને રોમિયો-જુલિયટ ગણતા હતા. બન્નેનો સંબંધ ખૂબ સ્ટ્રૉન્ગ હતો. બન્ને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતાં હતાં અને એક સાયુજ્ય બન્નેના વર્તનમાં સ્પષ્ટ દેખાતું હતું. લોકો તેમને જોઈને પૂછતા કે તમે કોઈ દિવસ ઝઘડો પણ છો કે નહીં, કારણ કે લોકોને વિશ્વાસ જ નહોતો આવતો કે આ બન્ને ઝઘડી શકે. લગ્નનાં બે વર્ષ પછી કિંજલે એક દીકરાને જન્મ આપ્યો. એ પછી બન્નેનું જીવન ઘણું બદલાઈ ગયું. જે એકબીજા વગર જમતાં નહોતાં, તેમને ખબર પણ નહોતી કે બીજી વ્યક્તિ જમી કે નહીં. બેબી તો રાત્રે ઊઠવાનું જ છે પણ આદિત્યને સવારે ઑફિસ હોય એટલે તે સૂઈ શકે અને બીજા દિવસે કામ કરી શકે એ માટે કિંજલે ખુદ આદિત્યને બીજા રૂમમાં સૂવા મોકલી દીધો. દિવસભરની અપડેટ દેવાનો પણ જાણે પહેલાં સમય નહોતો અને પછી ધીમે-ધીમે આદત છૂટતી ગઈ. કિંજલને લાગતું કે આદિત્ય બેબી માટે કંઈ જ કરી નથી રહ્યો, બધું તે એકલી કરી રહી છે. એટલે તે આદિત્ય પર ગુસ્સે થવા લાગતી. હકીકતમાં તે એકલી પડી રહી હતી. આદિત્ય સમજતો હતો પણ તે કંઈ પણ કરવા જાય તો કિંજલ તેને કરવા પણ નહોતી દેતી. તે તેને હંમેશાં કહેતી કે તને બાળક વિશે કંઈ ખબર નથી, તને કંઈ આવડતું નથી, તને કંઈ કરવું નથી. નાની ફરિયાદો મોટા ઝઘડામાં પરિણમતી ગઈ. અસંતોષ વધતો ચાલ્યો. એકબીજાને દેવા માટે તેમની પાસે મહેણાંટોણા જ બચ્યાં હતાં. પ્રેમ ખબર નહીં ક્યાં જતો રહ્યો હતો. કિંજલે કામ મૂકી દીધું હતું અને આદિત્ય પર પરિવારની જવાબદારી વધી ગઈ હતી એટલે એ જવાબદારીઓ પૂરી કરવા માટે આદિત્ય વધુ ને વધુ કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો અને કિંજલે તેના બાળક સાથે તેની નવી દુનિયા વસાવી લીધી જેમાં આદિત્યનું કોઈ સ્થાન નહોતું. કિંજલને લાગ્યું કે બાળક આવ્યા પછી આ બધું નૉર્મલ હશે, આમ જ જિવાતું હશે; પણ એક દિવસ આદિત્યના ફોનમાં તેણે અમુક મેસેજિસ જોયા જેનાથી તેને સમજાયું કે આદિત્યનું એક્સ્ટ્રામૅરિટલ અફેર ચાલી રહ્યું છે. કિંજલ પર આભ ફાટી પડ્યું. છેલ્લા ૬ મહિનાથી કિંજલ દીકરાને લઈને પિયર રહે છે. આદિત્યએ એ પછી તેને પાછી લાવવાની ઘણી કોશિશ કરી, પણ તે તેને માફ કરી શકે એમ નથી.
ઑસ્ટ્રેલિયાના એક સર્વે અનુસાર ૬૦ ટકા કપલ્સ બાળક આવ્યા પછી પોસ્ટ-પાર્ટમ ફાઇટિંગ ફેઝ અનુભવે છે એટલે કે તેમની વચ્ચે ઝઘડાઓ થતા રહે છે. એમાંથી ૨૦ ટકા સેપરેશનમાં પરિણમે છે. ઑસ્ટ્રેલિયાની આ અવસ્થા ભારતમાં પણ ઘણી બંધબેસતી જોવા મળે છે. એક સમય હતો કે જો કપલ્સ ઝઘડતાં હોય તો વડીલો કહેતા કે છોકરું આવી જશે પછી ઝઘડાઓ બંધ થઈ જશે, બન્ને એકબીજાને વધુ માન આપશે; કારણ કે પતિ-પત્નીમાંથી તેઓ બન્ને પપ્પા અને મમ્મી બની જાય છે, બન્નેને જોડતી કડી જન્મે છે ત્યારે તેમનો પ્રેમ વધુ સ્ટ્રૉન્ગ બને છે. જોકે આ એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ છે. જે કપલ્સ ભાગ્યે જ લડતાં હોય તેમને પણ પૂછીએ તો કહેશે કે બાળક આવ્યા પછી અમે ખાસ્સું લડ્યાં છીએ. એ દરમિયાન જેમણે એકબીજાને અને તેમના સંબંધને સંભાળી લીધો તેઓ ટકી રહે છે, પરંતુ જે આ નાજુક સમયમાં એકબીજાને સંભાળી નથી શકતાં. તેમની વચ્ચે એક અંતર ઊભું થઈ જાય છે જે તેમને સેપરેશન કે ડિવૉર્સ સુધી પણ લઈ જઈ શકે છે. આજે વાત કરીએ આ પોસ્ટ-પાર્ટમ ફાઇટિંગ ફેઝની એટલે કે બાળક આવ્યા પછીના ઝઘડાઓ વિશે.
ઝઘડાઓનો મુદ્દો
આજના સમયમાં દરેક કપલ ઇચ્છે છે કે તેઓ પર્ફેક્ટ પેરન્ટ્સ બને. પેરન્ટિંગને તેઓ એકદમ ગંભીરતાથી લે છે. આમ જ કરાય અને આમ ન જ કરાય જેવી ઘણીબધી માહિતીઓના બોજ હેઠળ તેમનું પેરન્ટિંગ દબાયેલું છે. આજના દરેક બાપને પણ પોતાના બાળકના ઉછેરમાં રસ છે, પણ રસ હોવો અને કરવામાં જે અંતર છે એ તકલીફ છે. એ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘આજનાં કપલ્સ પેરન્ટિંગને ૫૦-૫૦ ટકા વહેંચી લેવા માગે છે પણ એ ક્યારેય શક્ય જ નથી. એ હંમેશાં ૭૦-૩૦, ૬૦-૪૦ કે ૮૦-૨૦ જ રહેવાનું છે. મેં ૪ કલાક ધ્યાન રાખ્યું તો તું ૪ કલાક ધ્યાન રાખ, આજે મેં સુવડાવ્યું તો કાલે તું સુવડાવ એ રીતે કામનું વિભાજન શક્ય જ નથી. જ્યારે મમ્મી ઘરે હોય અને પપ્પા કામ પર તો સહજ છે કે મમ્મીએ ઘણું કરવું પડે છે. એ ઘણુંનો હિસાબ આ રીતે કામની વહેંચણી કરીને કરશો તો ઝઘડો થવાનો જ છે. બીજું એ કે માનો બૉન્ડ પિતા કરતાં વધુ સ્ટ્રૉન્ગ હોવાનો જ. વળી ઉછેર વિશે તેને પિતા કરતાં ધારો કે વધુ સમજ પડે તો એ પણ સમજી શકાય છે. પરંતુ એને કારણે તમે પિતા જે પણ સમય બાળક સાથે વિતાવે છે એ સમય દરમિયાન તેને સલાહો ન આપ્યા કરો. ઘણી વાર જોવામાં આવે છે કે મા ઇચ્છે છે કે તેની જવાબદારી વહેંચાય, પણ તે બાળકને છોડવા પણ નથી માગતી. ધારો કે દસ કામમાંથી બે કામ પિતા કરવા તૈયાર છે તો તેને એ કામ તેની રીતે સમજવા દો. ‘તમને નહીં આવડે’ કહીને તેના હાથમાંથી લઈ ન લો કે ‘તે બરાબર નથી કરતા’ એમ કહીને તેને જજ ન કરો. આવી નાની બાબતો ઝઘડાનું દેખીતું કારણ બનતી હોય છે.’
છૂપાં કારણો
પણ આ મુદ્દાઓ ખાસ ઊંડા લાગતા નથી, પછી આ ઝઘડાઓનું સ્વરૂપ મોટું કઈ રીતે થઈ જાય છે? આ ઝઘડાઓ પાછળનાં છૂપાં કારણો સમજાવતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘એક સમયે જૉઇન્ટ ફૅમિલીનો સપોર્ટ હતો એટલે પતિ-પત્નીની જરૂરિયાતો અને આરામ સચવાઈ રહેતાં. પણ આજની તારીખે ન્યુક્લિયર ફૅમિલીમાં તકલીફો વધુ દેખાય છે. અપૂરતી ઊંઘ એ ઝઘડાઓ પાછળનું ખૂબ મોટું કારણ છે. બાળક આવ્યા પછી એને કારણે રાત્રે બન્ને જણ સૂઈ નથી શકતાં એટલે મગજ પર અસર થાય છે. જે મુદ્દા લડવાલાયક હોતા નથી એના પર પણ ઝઘડો થઈ જતો હોય છે. વળી પ્રેગ્નન્સીના ૯ મહિના દરમિયાન કોઈ ને કોઈ હેલ્થનાં કારણોસર સેક્સ-લાઇફ જીવી ન શકાઈ હોય અને બાળક આવ્યા પછીના શરૂઆતના મહિનાઓમાં શારીરિક ઇન્ટિમસીથી પણ દૂર રહેવું પડ્યું હોય તો એક રીતે જોવા જઈએ તો ૧૧-૧૨ મહિનાનો આ જે ગાળો છે એ એક પ્રકારનું અંતર તો ઊભું કરે જ છે, જેમાં બન્ને વ્યક્તિઓ એકબીજાનો પ્રેમ અને હૂંફ મિસ કરતી જ હોય છે. અને સાઇકોલૉજીની દૃષ્ટિએ આપણે જેને મિસ કરતા હોઈએ તેના પર જ વધુ ગુસ્સો આવતો હોય છે. સ્ત્રીઓનું વજન વધી જાય એટલે તે થોડી કૉન્શિયસ બની જતી હોય છે. તેને લાગે છે કે હવે પતિને મારામાં રસ ઓછો હશે. બીજી બાજુ પુરુષોને એવું નથી હોતું પણ તે આ વાત પત્ની સુધી પહોંચાડી નથી શકતા.’
ઉપાય
રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ સોની શાહ પાસેથી જાણીએ કે આનો ઉપાય શું છે.
સ્ત્રીના જીવનમાં આવેલો આ ૩૬૦ ડિગ્રીનો બદલાવ તે એકલી સહી શકે એમ નથી હોતી એટલે તેને પૂરો સપોર્ટ આપવો. બાળકના રૂટીનની જવાબદારી તમે જેટલી શૅર કરી શકો એટલી કરો પણ એની સાથે-સાથે પત્નીને એ અહેસાસ દેવડાવવો કે તમે તેને ખૂબ પ્રેમ કરો છો એ પણ જરૂરી છે. તેને અસુરક્ષિત ન ફીલ થવું જોઈએ.
અત્યંત વ્યસ્ત જીવનમાં પણ અડધો કલાક ઘરના કોઈ સદસ્ય કે તેનું ધ્યાન રાખનાર કોઈ પણ વ્યક્તિ પાસે મૂકીને બન્ને એકબીજાને આપો એ જરૂરી છે. કદાચ જન્મ પછીના બે મહિના એ શક્ય ન બને તો એ પછી પણ એટલો સમય બન્નેએ એકબીજા માટે ફાળવવો જ. આ માટે બન્ને વૉક પર જઈ શકો છો, સાથે ચા-કૉફી પી શકો છો, વાતો કરી શકો છો. ધીમે-ધીમે પહેલાં જે સાથે કરતા હતા એ બધી ઍક્ટિવિટી શરૂ કરી શકાય છે. મહત્ત્વનું એ છે કે એકબીજા સાથેનો આ સમય ખૂબ મહત્ત્વનો છે.
મમ્મી અને પપ્પા બન્ને એક ટીમ હોય છે. એ ટીમ બનીને બાળકનો ઉછેર કરવાનો હોય છે. પેરન્ટિંગ કયા પ્રકારનું હોવું જોઈએ અને બાળક માટે શું કરવું છે એ બાબતે મતભેદ હોય તો એ શરૂઆતમાં જ ટાળી દેવા.
મમ્મી, જે બાળકને વધુ કલાકો રાખે છે અને પિતા, જે બાળક માટે વધુ મહેનત કરીને કમાવામાં પડ્યા છે એ બન્નેનું પ્રદાન એકસરખું જ છે. ઇક્વલિટીના નામે ઝઘડાને બદલે એકબીજાની તાકાત બનો. તમારાથી જેટલું થઈ શકે એટલું યોગદાન આપો. એક જ્યાં ઓછું પડે ત્યાં બીજું સંભાળી લે એને જ સાયુજ્ય કહેવાય છે. કમ્યુનિકેશન અને કનેક્શન સૌથી વધુ મહત્ત્વનાં છે.
કોઈ મૂંઝવણ હોય જે ઉકેલાતી ન હોય તો પ્રોફેશનલ મદદ ચોક્કસ લો. જરૂરી એ છે કે બાળક તમારી બન્ને વચ્ચેની મજબૂત ગાંઠ બને, ન કે તમારી વચ્ચે અંતર ઊભું કરતી ખીણ.
માતા-પિતાના ઝઘડા નવજાત બાળકને પણ અસર કરે છે
એક મહત્ત્વના મુદ્દા પર વાત કરતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘માતા-પિતાનો ઝઘડો નવજાત બાળક પર પણ અસર કરે છે કારણ કે બાળકો ભાષા સમજતાં નથી, પણ વાઇબ્રેશન સમજે છે. જો માતા-પિતા ઝઘડે કે દુખી હોય તો એ વાઇબ્રેશન બાળક સુધી પહોંચે છે જે તેનામાં અસુરક્ષાનો ભાવ લાવે છે. માતા-પિતાનો ઝઘડો તેમના સુધી સીમિત નથી હોતો, એ બાળકને ખૂબ અસર પહોંચાડે છે. પતિ-પત્ની બનીને તમે લડી શકો છો પણ માતા-પિતા બનીને લડવાની છૂટ હોતી નથી. વડીલો જે કહેતા કે બાળક આવ્યા પછી લડવાનું બંધ થઈ જશે એની પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ છે. બાળકના ઉછેર માટે નાના-મોટા મતભેદોને ટાળીને પતિ-પત્ની એક સૌહાર્દપૂર્ણ જીવન જીવવા ઇચ્છે છે જેથી બાળકને એક સુખી પરિવાર આપી શકે.’