29 January, 2026 03:03 PM IST | Mumbai | Heena Patel
પ્રતિકાત્મક તસવીર
શાર્ક ટૅન્ક ઇન્ડિયાનાં વિનીતા સિંહના મતે ૩૦થી ૪૦ વર્ષની વચ્ચેનો સમયગાળો જીવનનો સૌથી તનાવપૂર્ણ તબક્કો હોય છે અને એટલે આ એજમાં સૌથી વધારે છૂટાછેડા થાય છે. આની પાછળનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું, ‘આ ઉંમરમાં તમે તમારી કારકિર્દીના એવા પડાવ પર હો છો જ્યાં તમારે સાબિત થવાનું હોય છે. ઑફિસ-પૉલિટિક્સ અને કામનું ભારણ ચરમસીમાએ હોય છે. ખરેખર પરિસ્થિતિ ત્યારે ખૂબ જ બગડે છે જ્યારે એક તરફ નાનાં બાળકોની જવાબદારી હોય, એક તરફ માતા-પિતા વૃદ્ધ થઈ રહ્યાં હોય, આર્થિક તનાવ હોય, આઝાદીનો અભાવ લાગે કારણ કે હવે તે કરીઅર બદલી શકાતી નથી કે જીવનમાં નવો પ્રયોગ કરી શકાતો નથી. દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોવાથી દિલ હળવું કરવા માટે મિત્રો ઉપલબ્ધ હોતા નથી. આ બધું એકસાથે ભેગું થાય છે. આ બધાની વચ્ચે બે અત્યંત તનાવગ્રસ્ત વ્યક્તિઓ એક લગ્નજીવનમાં હોય છે. એવામાં જો તમે મનથી અસંતોષ અનુભવો તો તમે દરેક વસ્તુ વિશે કડવાશ અનુભવવા લાગો છો.’
સંબંધોમાં કડવાશનું કારણ
જ્યારે પતિ-પત્ની એકસાથે અનેક જવાબદારીઓ ઉપાડીને પ્રચંડ દબાણનો સામનો કરી રહ્યાં હોય ત્યારે આ બહુસ્તરીય તનાવ કેવી રીતે સંબંધમાં કડવાશ લાવે છે એનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા કહે છે, ‘મનોવિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને ક્રૉનિક રોલ ઓવરલોડ કહેવામાં આવે છે. બન્ને સાથીદારો સતત અલગ-અલગ ભૂમિકા ભજવતા હોય છે. ક્યારેક પ્રોફેશનલ, ક્યારેક સંતાન તરીકે કૅરગિવર, ક્યારેક માતા-પિતા તો ક્યારેક જીવનસાથી. આ ભાગદોડમાં તેમને પોતાની લાગણીઓને સંભાળવાનો કે થાક ઉતારવાનો સમય જ મળતો નથી. જ્યારે તનાવ કોઈ એક પ્રસંગ પૂરતો મર્યાદિત ન રહેતાં સતત બની જાય છે ત્યારે આપણી નર્વસ સિસ્ટમ હંમેશાં સર્વાઇવલ મોડમાં રહે છે. આપણે બસ, કામ પતાવવાની અને દિવસ પૂરો કરવાની ઉતાવળમાં હોઈએ છીએ. આ સ્થિતિમાં આપણી લાગણીશીલતા અને સહનશક્તિ ઘટતી જાય છે, પરિણામે પાર્ટનર પ્રત્યેની સહાનુભૂતિ ઓછી થઈ જાય છે. ધીમે-ધીમે પતિ-પત્ની એકબીજાને સાથીદાર તરીકે જોવાનું બંધ કરી દે છે. અર્ધજાગ્રત મન સામેવાળી વ્યક્તિને પણ એક વધારાની જવાબદારી અથવા વધુપડતી અપેક્ષા રાખનાર વ્યક્તિ તરીકે જોવા લાગે છે. જ્યારે રોજિંદી ભાવનાત્મક જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે એ અસંતોષ ભેગો થતો જાય છે. સમય જતાં જીવન એક બોજ જેવું લાગવા માંડે છે અને બન્ને વચ્ચે અંતર વધી જાય છે. આ ભાવનાત્મક થાક જ અંતે કડવાશમાં ફેરવાય છે. એવું નથી કે તેમની વચ્ચે પ્રેમ નથી રહ્યો, પણ તેમની ભાવનાત્મક જરૂરિયાતો એટલા લાંબા સમય સુધી અવગણવામાં આવી હોય છે કે બન્ને વચ્ચે એક ખાલીપણું સર્જાઈ જાય છે.’
સામાજિક પરિબળો
આ તબક્કે ઊભો થતો આ બહુસ્તરીય તનાવ ફક્ત વ્યક્તિગત નહીં પણ સામાજિક પરિબળોથી પણ ઘડાયેલો છે. આ વિશે વાત કરતાં સોશ્યોલૉજિસ્ટ અને SNDT વિમેન્સ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટર ફૉર વિમેન્સ સ્ટડીઝનાં ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર ડૉ. વીણા પુનાચા કહે છે, ‘ઘણી વાર લોકો એવી દલીલ કરતા હોય છે કે સંયુક્ત પરિવારમાં જવાબદારી વહેંચાઈ જતી હોવાથી લગ્ન ટકી રહેતાં હતાં, જ્યારે ન્યુક્લિયર ફૅમિલીમાં બધો જ બોજ પતિ-પત્ની પર આવી જાય છે. મૂળ સમસ્યા પરિવારના માળખામાં નથી પરંતુ જવાબદારી પ્રત્યેના અભિગમમાં છે. આજે પરિવારનું માળખું બદલાયું છે પરંતુ સામાજિક અપેક્ષાઓ હજી પણ પરંપરાગત ઢાંચામાં જ કેદ છે. સ્ત્રીઓ આર્થિક રીતે સક્ષમ બનીને બહારની જવાબદારી ઉપાડતી થઈ છે છતાં ઘરકામ અને ઉછેરની પ્રાથમિક જવાબદારી હજી પણ માત્ર સ્ત્રીની જ ગણવામાં આવે છે. આજે પણ ઘણા પુરુષો એવી અપેક્ષા રાખે છે કે તેમની પત્ની તેમની માતાની જેમ ઘર સંભાળે, પછી ભલે તે સ્ત્રી પોતે ઑફિસના કામથી ગમેતેટલી થાકેલી કેમ ન હોય. ઘરની અંદરની અસમાનતા જ આધુનિક લગ્નજીવનમાં તનાવ પેદા કરે છે. આ અસંતુલન સ્ત્રીઓમાં હતાશા અને ભાવનાત્મક થાક જન્માવે છે.’
છૂટાછેડાનો સહજ સ્વીકાર
છૂટાછેડાના વધતા પ્રમાણ પાછળ બદલાયેલા સામાજિક દૃષ્ટિકોણ વિશે વાત કરતાં ડૉ. વીણા પુનાચા કહે છે, ‘એક સમય હતો જ્યારે છૂટાછેડાને આખા પરિવાર માટે એક કલંક માનવામાં આવતા. આજે પણ કદાચ રૂઢિચુસ્ત વર્તુળોમાં આ માનસિકતા અકબંધ છે, પરંતુ મોટા ભાગના આધુનિક પરિવારો હવે સમજતા થયા છે કે નિષ્ફળ સંબંધમાં આખી જિંદગી રહીને મૂંઝાવા કરતાં માનભેર અલગ થવું વધુ સારું છે. પહેલાં જ્યારે કોઈ સ્ત્રી છૂટાછેડાની વાત કરતી ત્યારે પરિવાર જ તેને ‘સહન કરી લે’ એવી સલાહ આપતો. આજે ઘણા પરિવારો પોતાની દીકરીઓને માનસિક અને સામાજિક ટેકો આપે છે. પરિવારો લોકો શું કહેશે એના કરતાં સંતાનની ખુશી શેમાં છે એને વધુ મહત્ત્વ આપતા થયા છે. આમ પણ સ્ત્રીઓ હવે આર્થિક રીતે સક્ષમ બની છે. વ્યક્તિને ખબર હોય કે તે પોતાનું ભરણપોષણ કરી શકે છે ત્યારે તે અપમાનજનક કે ભાવનાત્મક રીતે ખાલી થઈ ગયેલા સંબંધમાં રહેવા મજબૂર નથી હોતી.’
સોશ્યલ મીડિયાની ભૂમિકા
સોશ્યલ મીડિયાએ દંપતી વચ્ચે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી કરીને કઈ રીતે લગ્નજીવનમાં અસંતોષ વધારી દીધો છે એના પર વાત કરતાં ડૉ. વીણા પુનાચા કહે છે, ‘આજના સમયમાં સોશ્યલ મીડિયા પર દેખાતાં પર્ફેક્ટ કપલ્સ વાસ્તવિક સંબંધોમાં અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી કરે છે, જે અંતે અસંતોષમાં પરિણમે છે. લોકો જ્યારે બીજાના ફિલ્ટર કરેલા ફોટો, મોંઘી ગિફ્ટ્સ અને રોમૅન્ટિક વેકેશનની રીલ્સ જુએ છે ત્યારે તેઓ અજાણતાં જ પોતાના સાચા અને સંઘર્ષપૂર્ણ સંબંધની સરખામણી એ દેખાડા સાથે કરવા લાગે છે. આ સરખામણી લગ્નજીવનમાં કડવાશ લાવે છે. હકીકત એ છે કે સોશ્યલ મીડિયા પર માત્ર સુખદ ક્ષણો જ દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક જીવનના રોજબરોજના ઝઘડા અને જવાબદારીઓ ત્યાં જોવા મળતાં નથી. એટલે સોશ્યલ મીડિયાની દુનિયાના ભ્રમમાં જીવવાને બદલે જો કપલ્સ એકબીજાની વાસ્તવિકતા અને ખામીઓનો સ્વીકાર કરે તો જ સંબંધમાં સાચી ખુશી અને સ્થિરતા આવી શકે છે. લગ્નજીવનને ટકાવી રાખવા માટે અત્યંત પરિપક્વતાની જરૂર પડે છે. પતિ-પત્નીએ એ વાત સમજવી પડશે કે આ સંબંધમાં સતત સમર્પણ અને મહેનતની જરૂર હોય છે.’
શું સમજવાની જરૂર?
પતિ-પત્નીના સંબંધમાં ભાવનાત્મક જોડાણ તૂટતું બચાવવા માટે શું કરી શકાય એ વિશે વાત કરતાં નિરાલી ભાટિયા કહે છે, ‘તમારો પોતાનો ગ્લાસ ભરેલો હોય તો જ તમે બીજાને કંઈ આપી શકો. તમારા મનમાં જે લાગણીઓ ભરેલી હશે એ જ તમે અન્યો સાથે વહેંચશો. જ્યારે તમે ખૂબ જ તનાવમાં હો અને માત્ર કડવાશ કે નકારાત્મકતા અનુભવતા હો ત્યારે તમારી પાસે બીજાને આપવા માટે પણ એ જ હોય છે. આવી સ્થિતિમાં જે બાબત ખરેખર મદદરૂપ થાય છે એ છે સામેની વ્યક્તિના નાના પ્રયત્નો પ્રત્યે સભાન રહેવું. જેમ કે પાર્ટનરે એક સપોર્ટિવ મેસેજ કર્યો હોય, તમારા બદલે તેણે બાળકને લેવા જવાની જવાબદારી ઉપાડી લીધી હોય કે ઘરકામમાં નાની સરખી મદદ કરી હોય. જો આપણે અત્યારે લાર્જર પિક્ચર જોવાનું છોડીને આ નાની-નાની બાબતોની કદર કરતાં શીખીએ તો એ ખૂબ મોટી મદદ કરી શકે છે. અત્યાર સુધી શું ખોટું થયું છે એના પર ધ્યાન આપવાને બદલે ફક્ત આજે શું સારું થયું એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ અભિગમ તમારા તનાવને અવગણતો નથી પણ તમને એવી સ્થિતિમાં પડતાં બચાવે છે જ્યાં તમને બધું જ વેરવિખેર લાગતું હોય. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ નાના પ્રયત્નોની નોંધ લેવાથી તમારી ભાવનાત્મક જડતા ઓછી થાય છે. એ તમને સાવ અલગ થઈ જવાને બદલે સાથીની થોડી નજીક લાવે છે. આનાથી તમે પરિસ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરવાને બદલે સમજદારીપૂર્વક પ્રતિસાદ આપી શકો છો. આ એક નાનકડો ફેરફાર મનમાંથી કડવાશ દૂર કરી શકે છે અને ફરીથી ભાવનાત્મક જોડાણ માટે નવી જગ્યા બનાવે છે.’