ઓબેસિટીને કારણે અસ્થમા વકરે છે એટલે જરૂરી છે કે તમે વજન ઘટાડો

02 October, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે અત્યારે જે યુગમાં છીએ એમાં ઓબેસિટી એક એવી સમસ્યા છે જે બધા જ રોગોનો કારક બની રહી છે અને જો કારક ન હોય તો એને કારણે રોગ વકરી રહ્યો છે. શ્વાસના રોગોમાં પણ ઓબેસિટી એટલી જ નડતરરૂપ છે. ઓબેસિટી અને અસ્થમાને સીધો સંબંધ છે

પ્રતીકાત્મક તસવીર

આપણે અત્યારે જે યુગમાં છીએ એમાં ઓબેસિટી એક એવી સમસ્યા છે જે બધા જ રોગોનો કારક બની રહી છે અને જો કારક ન હોય તો એને કારણે રોગ વકરી રહ્યો છે. શ્વાસના રોગોમાં પણ ઓબેસિટી એટલી જ નડતરરૂપ છે. ઓબેસિટી અને અસ્થમાને સીધો સંબંધ છે. બાળકોમાં અસ્થમાનો રોગ જિનેટિક કારણોસર પણ હોઈ શકે છે અને પૉલ્યુશન કે એલર્જીને કારણે પણ થઈ શકે છે, પરંતુ આ કારણોને રોકવા થોડાં અઘરાં છે. જ્યારે ઓબેસિટી એક એવું કારણ છે જેને આપણે રોકી શકીએ છીએ. એક ઓબીસ વ્યક્તિને અસ્થમા થવાનું રિસ્ક વધુ જ હોય. સામાન્ય વજન ધરાવતા લોકો કરતાં જે લોકો ઓવર વેઇટ છે તેઓ ૩૮ ટકા અને જે લોકો ઓબીસ છે તેઓ ૯૨ ટકા વધુ અસ્થમા થવાનું રિસ્ક ધરાવે છે એટલું જ નહીં, એક સમાન્ય વજન ધરાવતી વ્યક્તિ કરતાં એક ઓબીસ વ્યક્તિ જ્યારે અસ્થમા ધરાવતી હોય તો તેને હૉસ્પિટલમાં ભરતી થવા જેટલી ગંભીર પરિસ્થિતિનું રિસ્ક પાંચ ગણું બેવડાય છે. એટલું જ નહીં, જે ઓબીસ વ્યક્તિને અસ્થમા છે તેમનો અસ્થમા ઘણો જુદા પ્રકારનો હોય છે જેને કારણે રેગ્યુલર થેરપી દ્વારા એનો ઇલાજ શક્ય બનતો નથી.

જ્યારે ઓબીસ લોકોમાં અસ્થમા થાય તો એને કન્ટ્રોલમાં રાખવો અઘરો પડે છે, કારણ કે તેમને પૂરતો ઇલાજ આપવા છતાં ઓબેસિટીને કારણે ઇલાજની અસર કાયમી રહેતી નથી માટે અસ્થમા કન્ટ્રોલમાં રહેતો નથી. આમ, જેઓ હેલ્ધી વજન ધરાવે છે એના કરતાં જે ઓબીસ છે તેમનો અસ્થમાનો ઇલાજ થોડો જુદો હોય છે. દવાઓ પણ જુદી વાપરવામાં આવે છે. ઓબેસિટીને કારણે શ્વાસની નળીઓમાં ઇન્ફ્લેશન રહે છે. આ એક મુખ્ય કારણ છે જેને લીધે અસ્થમા પર કન્ટ્રોલ મુશ્કેલ થઈ પડે છે. એટલું જ નહીં, ઓબેસિટીને કારણે આ શ્વાસની નળીઓ હાઈપર રિસ્પૉન્સિવ બની જાય છે જેને લીધે પણ અસર રહે છે. આ સિવાય ઓબીસ બાળકોમાં ઍસિડિટીનું પ્રમાણ ઘણું વધુ રહે છે. એને કારણે પણ અસ્થમા પર કન્ટ્રોલ અઘરો છે. આવાં બાળકોમાં તેમની ઍસિડિટીને કન્ટ્રોલ કરવી જરૂરી છે. ખોરાક દ્વારા, લાઇફ-સ્ટાઇલ દ્વારા, દેશી નુસ્ખાઓ દ્વારા અને જરૂર પડે તો દવાઓ દ્વારા આ બાળકોમાં ઍસિડિટીનું પ્રમાણ ઘટાડવાથી રિઝલ્ટ સારું મળે છે. વજન ઉતારવાથી આ બાળકોમાં ઘણા ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. એના દ્વારા અસ્થમા પર કન્ટ્રોલ રહે છે અને ફેફસાં સારી રીતે કામ કરે છે જેને કારણે ઓબીસ દરદીની દવાઓ પણ ઘટી જાય છે. આમ, જે ઓબીસ લોકોને અસ્થમા છે તેમના માટે જરૂરી છે વજન ઉતારવું. જો ૫-૧૦ ટકા વજન પણ ઊતરે છે તો પણ અસ્થમામાં ઘણા નોંધપાત્ર ફેરફાર દેખાય છે.

obesity asthma health tips life and style gujarati mid-day overweight