09 October, 2026 05:26 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
પ્લેઝર ઈટિંગ એટલે માત્ર પેટ ભરવા માટે ખાવાને બદલે ખોરાકના સ્વાદ, સુગંધ, ટેક્સ્ચર અને એને ખાવાથી મળતા સંતોષનો આનંદ લેતાં ખાવું. એટલે કે શું ખાઈ રહ્યા છીએ એના જેટલું જ મહત્ત્વનું છે કે એ ખોરાકને કેવી રીતે અને કેટલી સભાનતાથી ખાઈ રહ્યા છીએ. ન્યુટ્રિશનિસ્ટ્સ ઘણી વખત આને ‘વિટામિન P’ એટલે કે પ્લેઝર સાથે જોડે છે. હેલ્ધી ખાવું એટલે માત્ર પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક પસંદ કરવો નહીં, પરંતુ એવો ખોરાક ખાવો જે શરીરની જરૂરિયાત પૂરી કરવાની સાથે મનને પણ સંતોષ આપે. ઉદાહરણ તરીકે તમારી મનપસંદ વાનગી સામે હોય અને તમે એને કોઈ ગિલ્ટ કે ડર વગર, ધીમે-ધીમે એનો સ્વાદ માણતાં ખાઓ તો એ પ્લેઝર ઈટિંગ કહી શકાય. આનો હેતુ માત્ર વધારે ખાવાનો નથી, ખોરાકમાંથી મળતા આનંદ અને સંતોષને સમજવાનો છે. પ્લેઝર ઈટિંગનો અર્થ ગમે ત્યારે ગમે એટલું જન્ક-ફૂડ ખાવું પણ નથી. એમાં સ્વાદ, પોષણ, ભૂખ અને સંતોષ વચ્ચે સંતુલન રાખવાનું છે.
પ્લેઝર ઈટિંગની આપણા શરીર પર કેવી અસર થાય છે એ વિશે વાત કરતાં ડાયટિશ્યન માનસી પડેચિયા કહે છે, ‘જો આપણે એમ જ વિચારીએ કે ખાવાનું માત્ર શરીર ચલાવવાનું ઈંધણ છે તો ખાવાની મજા જતી રહે છે. આપણે આપણી ભૂખ અને ખાવાના આનંદને ભૂલી જઈએ છીએ. એટલે જરૂરી છે કે ખોરાક ખાતી વખતે પોષણની સાથે એની મજા પણ માણીએ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ડર કે ગિલ્ટ વગર મનપસંદ વાનગીનો આનંદ લઈએ છીએ ત્યારે આપણે ખાવા પર વધુ ધ્યાન આપી શકીએ છીએ. ધીમે-ધીમે અને શાંતિથી ખાવાથી મગજને ખોરાકનો સ્વાદ સમજવાનો અને પેટ ભરાઈ રહ્યું છે એના સંકેતો મેળવવાનો સમય મળે છે. આપણા શરીરમાં ભૂખ અને પેટ ભરાવાના સંકેતો આપતાં હૉર્મોન્સ કામ કરે છે. આપણે ઉતાવળમાં ખાઈએ ત્યારે શરીર અને મગજને આ સંકેતો સમજવામાં સમય મળતો નથી. ખાસ કરીને ટીવી કે ફોન જોતાં-જોતાં ઝડપથી ખાવાથી આપણે કેટલું ખાઈ લીધું છે એનો ખ્યાલ ન રહે અને ઓવરઈટિંગ થઈ શકે છે. પ્લેઝર ઈટિંગનો બીજો મહત્ત્વનો ફાયદો છે મનનો સંતોષ. માત્ર પેટ ભરવું પૂરતું નથી, ભોજનથી મનને સંતોષ મળવો પણ જરૂરી છે. જો રોજિંદા ખોરાકમાં મનપસંદ સ્વાદ માટે જગ્યા ન હોય તો વારંવાર કંઈક ખાવાની ઇચ્છા, અનહેલ્ધી સ્નૅકિંગ કે ઇમોશનલ ઈટિંગ તરફ વળવાની શક્યતા રહે છે. આ બાબતમાં ખોરાક પર વધારે પડતા પ્રતિબંધો પણ સમસ્યા ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો આપણે સતત પોતાને કહીએ કે ‘ચૉકલેટ કે સ્વીટ બિલકુલ નહીં ખાઉં’ તો ધ્યાન વારંવાર એ જ વસ્તુ તરફ જાય છે. પછી જ્યારે એ ખાવાની તક મળે ત્યારે વધારે ખાઈ લેવાની શક્યતા રહે છે. એને બદલે મનપસંદ વસ્તુઓને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાને બદલે સંતુલિત પ્રમાણમાં ખાવાની છૂટ આપવાથી એની લાલસા ઓછી કરવામાં મદદ મળી શકે છે. ખાવાનો આનંદ પાચન સાથે પણ જોડાયેલો છે. જ્યારે આપણે આરામથી ખાઈએ છીએ ત્યારે શરીર ‘રેસ્ટ ઍન્ડ ડાઇજેસ્ટ’ સ્થિતિમાં આવે છે. આ સ્થિતિમાં લાળ અને પાચનતંત્રના રસનો સ્રાવ યોગ્ય રીતે થાય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. પોષણની સાથે સ્વાદ અને સંતોષ હોય તો હેલ્ધી ખાવાની આદત લાંબા સમય સુધી જાળવવી સરળ બની શકે છે.’
આ વિશે વાત કરતાં માનસી પડેચિયા કહે છે, ‘જો તમે પ્લેઝર ઈટિંગના નામે દરરોજ જન્ક-ફૂડ ખાવાનું શરૂ કરી દો તો એ પ્લેઝર મટીને શરીર માટે રોજની આદત બની જાય છે. મહિનામાં એકાદ-બે વાર સમોસા, પીત્ઝા, બર્ગર, આઇસક્રીમ જેવી તમારી મનપસંદ વાનગી ખાવામાં કોઈ વાંધો નથી; પરંતુ આ આદત રોજની બની જાય તો પેટ સંબંધિત તકલીફો, લો એનર્જી તેમ જ લાંબા ગાળે મોટાપો અને ડાયાબિટીઝ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝનું જોખમ વધી શકે છે. જન્ક-ફૂડની રોજિંદી આદતથી મગજમાં આનંદ સાથે જોડાયેલા ડોપમાઇનનું રિલીઝ વધે છે. મગજ આ આનંદની ટેવ પાડી શકે છે અને તેથી વારંવાર એ જ પ્રકારનો ખોરાક ખાવાની ઇચ્છા થઈ શકે છે.’
ઘરનું ખાવાનું હેલ્ધી છે એટલે એ સ્વાદમાં કંટાળાજનક હોવું જોઈએ એવું નથી. જન્ક ફૂડ આપણને એના ઇન્ટેન્સ ફ્લેવર, ક્રિસ્પી ટેક્સ્ચર, સરસ પ્રેઝન્ટેશન અને કન્વીનિયન્સને કારણે ગમે છે. આ જ બાબતોને થોડા હેલ્ધી ટ્વિસ્ટ સાથે ઘરના ખાવામાં સામેલ કરવામાં આવે તો હેલ્ધી ફૂડ પણ વધુ ટેસ્ટી અને સૅટિસ્ફાઇંગ બની શકે છે.
૧. ફ્લેવર વધારવા મસાલા, હર્બ્સ અને ખટાશનો ઉપયોગ કરો
ઘરનું ખાવાનું ફિક્કું લાગે ત્યારે સીધું વધુ તેલ કે મીઠું ઉમેરવાને બદલે કોથમીર, ફુદીનો, તુલસી, ઓરેગૅનો, જીરું, કાળાં મરી જેવા મસાલા અને હર્બ્સનો ઉપયોગ કરો. મસાલાને થોડા સમય માટે ડ્રાય રોસ્ટ કરવાથી એની સુગંધ વધુ ઊઠે છે. વાનગીના અંતે લીંબુનો રસ, આમચૂર કે યોગ્ય પ્રમાણમાં વિનેગર ઉમેરવાથી પણ સ્વાદ વધુ ઊઠી શકે છે.
૨ ચટણી અને ડિપ્સથી ‘ટ્રીટ’ જેવું ફીલ આપો
સાદી દાળ, શાક, સૅલડ કે રોટલી સાથે ઘરે બનાવેલી લીલી ચટણી, દહીંની ડિપ કે હમસ જેવી વસ્તુઓ પીરસવાથી એક જ વાનગીનો સ્વાદ બદલાઈ શકે છે. આ રીતે હેલ્ધી ભોજનમાં પણ થોડું એક્સાઇટમેન્ટ ઉમેરી શકાય છે.
૩. ટેક્સ્ચરમાં કૉન્ટ્રાસ્ટ લાવો
જન્ક-ફૂડ ગમવાનું એક કારણ એનું ટેક્સ્ચર પણ છે. એટલે ઘરના ખાવામાં પણ સૉફ્ટ, ક્રીમી અને ક્રિસ્પી ટેક્સ્ચરનું કૉમ્બિનેશન બનાવી શકાય. સૅલડ, ખીચડી કે બાઉલમાં શેકેલા નટ્સ, સીડ્સ અથવા ક્રિસ્પી ચણા ઉમેરવાથી દરેક બાઇટમાં થોડો કૉન્ટ્રાસ્ટ મળે છે.
૪. પ્લેટને રંગીન અને આકર્ષક બનાવો ઍપિટાઇઝર
આપણે આંખોથી પણ ખાઈએ છીએ. પ્લેટમાં અલગ-અલગ રંગનાં શાકભાજી, સૅલડ, લીલાં પાન, દાળ કે સીડ્સ રાખવાથી ભોજન વધુ ઍપિટાઇઝિંગ લાગે છે. લીંબુની સ્લાઇસ, કોથમીર જેવી નાની ગાર્નિશિંગ પણ સામાન્ય ભોજનને વધુ આકર્ષક બનાવી શકે છે.
૫. વરાઇટી રાખો, રોજ એક જ મેનુ નહીં
હેલ્ધી ખાવાના નામે રોજ દાળ, શાક અને રોટલીનું એકસરખું કૉમ્બિનેશન રાખશો તો બહારનું ખાવાનું વધુ આકર્ષક લાગવા માંડે એ સ્વાભાવિક છે. ક્યારેક દાળ-ચોખા, ક્યારેક ખીચડી, ક્યારેક રેપ, સૅલડ બાઉલ કે ઘરે બનાવેલા પીત્ઝા જેવા વિકલ્પો રાખો. સીઝનલ શાકભાજી અને ફળો સામેલ કરવાથી પણ મેનુમાં વરાઇટી આવે છે.
૬. સ્વાદની ટેવ ધીમે-ધીમે બદલો
જો લાંબા સમયથી વધારે મીઠું, ખાંડ કે ફૅટવાળો ખોરાક ખાવાની ટેવ હોય તો શરૂઆતમાં સાદું ઘરનું ખાવાનું ફિક્કું લાગી શકે છે. એકસાથે બધું બદલી નાખવાને બદલે ધીમે-ધીમે મીઠું, ખાંડ અને વધારે ફૅટવાળા વિકલ્પો ઘટાડીને ઘરના ખાવાના સ્વાદની ટેવ પાડવી વધુ વ્યવહારુ રીત છે.
તમે પ્લેઝર ઈટિંગ કરી રહ્યા છો કે ઇમોશનલ ઈટિંગ એ ઓળખવું હોય તો આ ૩ બાબતો પર ધ્યાન આપી શકો છો.
૧. ખાતા પહેલાં તમારો મૂડ કેવો હતો?
ઇમોશનલ ઈટિંગ: તમે ભારે તનાવ, એકલતા, ઉદાસી, ગુસ્સો અથવા કંટાળા જેવી કોઈ ચોક્કસ લાગણી અનુભવી રહ્યા હોઈ શકો છો અને એ લાગણીમાંથી બહાર આવવા માટે ખોરાક તરફ વળો છો.
પ્લેઝર ઈટિંગ: મૂડ સામાન્ય અથવા સારો હોય છે. તમારી સામે ગરમાગરમ ભજિયાં કે પેસ્ટ્રી જેવી મનપસંદ વાનગી આવે અને એનો સ્વાદ માણવા માટે તમે એ ખાવાનું પસંદ કરો છો.
૨. તમે કેવો ખોરાક શોધો છો?
ઇમોશનલ ઈટિંગ: મન કોઈ ચોક્કસ કમ્ફર્ટ ફૂડ તરફ ખેંચાય છે - જેમ કે આઇસક્રીમ, ચૉકલેટ કે વેફર્સ. ઘણી વાર એવું લાગે કે અત્યારે આ ખાવું જ છે.
પ્લેઝર ઈટિંગ : તમે ખોરાકના અનુભવનો આનંદ લેવા માગો છો - જેમ કે નવા કૅફેમાં નવી ડિશ ટ્રાય કરવી, મિત્રો સાથે નવી ફ્લેવર ચાખવી અથવા કોઈ વાનગીના ટેક્સ્ચર અને પ્રેઝન્ટેશનનો આનંદ લેવો.
૩. ખાધા પછી તમને કેવો અનુભવ થાય છે?
ઇમોશનલ ઈટિંગમાં : ખાધા પછી ગિલ્ટ કે પસ્તાવો થઈ શકે છે, કારણ કે જે સ્ટ્રેસ કે દુઃખમાંથી બહાર આવવા માટે ખાધું હતું એ લાગણી હજી પણ ત્યાં જ હોય છે.
પ્લેઝર ઈટિંગમાં : સામાન્ય રીતે ખાધા પછી સંતોષ અને ખુશીની લાગણી થાય છે.
|
પ્લેઝર ઈટિંગ એટલે ઇમોશનલ ઈટિંગ નહીં |
|
|
ઘણા લોકો પ્લેઝર ઈટિંગને ઇમોશનલ ઈટિંગ માનવાની ભૂલ કરી બેસે છે, પરંતુ બન્ને વચ્ચે તફાવત છે. માનસી પડેચિયા પાસેથી આ તફાવત સમજીએ. |
|
|
પ્લેઝર ઈટિંગ |
ઇમોશનલ ઈટિંગ |
|
• ખાવાથી મનને સાચો સંતોષ અને આનંદ મળે છે. |
• ટેન્શન, સ્ટ્રેસ, એકલતા, ઉદાસી, ગુસ્સો કે કંટાળામાં ખાવાની ઇચ્છા થાય છે. |
|
• સામાન્ય રીતે ભૂખ હોય ત્યારે ખાવાનું શરૂ કરીએ છીએ. |
• પેટ ભરેલું હોવા છતાં ખાવાનું શરૂ થઈ શકે છે. |
|
• ખાતી વખતે ખોરાકના સ્વાદ, સુગંધ અને ટેક્સ્ચર પર ધ્યાન રહે છે. |
• ખાતી વખતે ધ્યાન ખોરાક કરતાં પોતાની ચિંતા કે લાગણી પર વધારે હોય છે. |
|
• ખાધા પછી સંતોષ અને હળવાશની લાગણી થાય છે. |
• ક્યારે ઓવરઈટિંગ થઈ ગયું એની ખબર નથી રહેતી. |
|
• ખોરાક સાથેનો સંબંધ સ્વસ્થ રહે છે. |
• ખાધા પછી ગિલ્ટ કે પસ્તાવો થઈ શકે છે. |