જો વજન વધારવું હોય તો આયુર્વેદ મદદ કરી શકે છે

09 June, 2026 01:39 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

જેમ વજન ઘટાડવું હોય તો હેલ્ધી રસ્તો અપનાવવાનો હોય એમ વજન વધારવું હોય તો પણ હેલ્ધી રીતે જ વજન વધારવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હાલમાં મારી પાસે ૨૫ વર્ષનો એક છોકરો આવ્યો જેની હાઇટ પ્રમાણે તેનું વજન ઘણું ઓછું હતું. તેને ચિંતા હતી, કારણ કે હવે તેનાં લગ્નની વાતો શરૂ થઈ ગઈ હતી એટલું જ નહીં, ખૂબ જલદી થાકી પણ જતો હતો. લોકો આજકાલ વજન કેમ ઊતરશે એની ચિંતામાં જોવા મળે છે પરંતુ આ ભાઈને ચિંતા એ હતી કે મારું વજન વધશે કઈ રીતે? તેને ઍલોપથી દવાઓ લેવી નહોતી, કારણ કે એનાથી શરીરને કોઈ ડૅમેજ થાય એવો તેને ડર હતો. વજન વધારવા તેણે ખૂબ જન્ક ફૂડ ખાઈને જોઈ લીધું હતું, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં.

મેં તેને સમજાવ્યો કે લોકો આ જ ભૂલ કરે છે. અંધાધૂંધ જન્ક ફૂડ ખાવાથી વજન વધારવાની કોશિશ ખોટી જ છે. જેમ વજન ઘટાડવું હોય તો હેલ્ધી રસ્તો અપનાવવાનો હોય એમ વજન વધારવું હોય તો પણ હેલ્ધી રીતે જ વજન વધારવું જોઈએ. ખોટી વસ્તુ ખાઈને ચરબી વધારવાનો કોઈ અર્થ નથી. શરીરનું વજન એટલું હોવું જોઈએ કે તમે આખો દિવસ એનર્જેટિક રહી શકો. વજન વધુ કે ઓછું હોય ત્યારે થાક લાગે છે. આયુર્વેદમાં આના ઘણા ઉપાય છે. પહેલી વાત તો એ કે જે પણ વ્યક્તિને આવી કોઈ તકલીફ હોય તો કોઈ આયુર્વેદિક પ્રૅક્ટિશનરને રૂબરૂ મળો અને તમારી પ્રકૃતિ અને વિકૃતિઓ જાણીને સ્વસ્થ રહેવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવો.

બીજું એ કે ખોરાકમાં અમુક વસ્તુઓ તમને મદદરૂપ થઈ શકે છે. પલાળેલાં બદામ અને અખરોટ ખાવાં. ખજૂર ઘી સાથે ખાવું. ઘીનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં રાખો. બપોરે જમવાનું શરૂ કરતાં પહેલાં ઘી-ગોળ ખાવાં. રાતે સૂતાં પહેલાં દૂધમાં ઘી ઉમેરીને પીવું. જમ્યા પછી તરત જ પાણી ન પીવું અને રાતે ખૂબ મોડા ન જમવું. રાતની ૭-૮ કલાકની પૂરતી ઊંઘ મળવી જરૂરી છે અને ફરજિયાત ૧ કલાક દરરોજ એક્સરસાઇઝ કરવી. ઘણા લોકો માને છે કે એક્સરસાઇઝ દૂબળા લોકોએ ન કરવી, વજન ઊતરી જશે પણ એવું નથી. આયુર્વેદમાં વજન વધારવા માટે છોકરાઓને અશ્વગંધા અને છોકરીઓને શતાવરી ઉપયોગી ઔષધ છે. વસંતકલ્પ પણ અત્યંત ઉપયોગી ઔષધ છે. સુવર્ણમાલિની વસંત કે વસંત કુસુમાકરની ૧ ગોળી દરરોજ તમને ફાયદાકારક રહેશે. એ સિવાય દરરોજ ૩૦ ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ એના પછી ૧ કપ અશ્વગંધાવાળું હૂંફાળું દૂધ પી શકો છો. સમજો કે આ જ તમારો સવારનો નાસ્તો છે. પછી ત્યારે જ જમો જ્યારે તમને ભૂખ લાગી હોય. હૂંફાળું તલનું તેલ કે નારિયેળનું તેલ વાપરી શકો છો જેનાથી તાકાત પણ વધશે અને શરીરને પોષણ પણ મળશે.

ayurveda healthy living health tips life and style lifestyle news columnists