28 January, 2026 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે સૌએ એવી રાતનો અનુભવ કર્યો છે જ્યારે અતિશય થાકને કારણે મેકઅપ ઉતારવાનો કંટાળો આવે. આવું એકાદ વાર ચાલે, પણ જો તમે દરરોજ મસ્કરા લગાવતા હો અને રાત્રે એને સાફ કર્યા વગર જ સૂઈ જતા હો તો લાંબા ગાળે એ તમારી આંખ માટે મુશ્કેલી સરજી શકે છે.
શું થાય?
જ્યારે આપણે મસ્કરા લગાવીને ઊંઘી જઈએ છીએ ત્યારે એના અતિ સૂક્ષ્મ અને કાળા કણો પાંપણ પરથી ખરીને પાંપણના પોપચાની અંદરના ભાગમાં ફસાઈ જાય છે, જે પછી કાઢવા અઘરા પડે છે. સમય જતાં આ કણો ભેગા થઈને નાના પથરા જેવા ગઠ્ઠા બનાવી દે છે. આ ગઠ્ઠા પોપચાની નરમ ચામડીમાં ખૂંપી જાય છે. જ્યારે તમે આંખ પટપટાવો છો ત્યારે આ કઠણ કણો તમારી આંખની કીકી સાથે ઘસાય છે. એ કીકી પર ઉઝરડા પાડી શકે છે, જેને કારણે આંખમાં બળતરા, લાલાશ કે ઇન્ફેક્શન થઈ શકે છે.
ખાસ ટિપ્સ
જો તમે નિયમિત મસ્કરા વાપરતા હો અને તમારી આંખોને સુરક્ષિત રાખવા માગતા હો તો આટલું જરૂર કરો
દરરોજ મેકઅપ ઉતારો - ભલે ગમેતેટલો થાક લાગ્યો હોય, રાત્રે મેકઅપ સાફ કર્યા વગર કયારેય ન ઊંઘો.
ડબલ ક્લેન્ઝિંગ - પાંપણોને બે વાર સાફ કરો જેથી મસ્કરાનો એક પણ કણ બાકી ન રહે.
વૉટરપ્રૂફ મસ્કરા ટાળો - વૉટરપ્રૂફ મસ્કરા કાઢવા બહુ અઘરા હોય છે અને એને સાફ કરતી વખતે આંખ ઘસવી પડે છે. એની જગ્યાએ સામાન્ય મસ્કરા વાપરો જે પાણીથી સરળતાથી સાફ થઈ જાય.
ટ્યુબિંગ મસ્કરા - આ મસ્કરા એ રીતના બનેલા હોય છે કે એ નાના-નાના કણોમાં તૂટતા નથી. તમે આંખો પર થોડું પાણી નાખો ત્યાં આખી ટ્યુબ પાંપણ પરથી સરકીને બહાર આવી જતી હોવાથી એને રિમૂવ કરવા એકદમ સરળ હોય છે.