✕

ગરબા રમતાં પહેલાં વૉર્મ-અપ અને રમ્યા પછી કૂલ-ડાઉન થવું જરૂરી છે

13 October, 2026 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સરસાઇઝ કરવાની જરાય આદત ન હોય અને નવરાત્રિમાં ગરબા રમવા પહોંચી જતા હો તો ઘૂંટણને ઇન્જરીથી બચાવવા આ ૭ પગલાં જરૂર યાદ રાખજો

ગરબા રમતાં પહેલાં વૉર્મ-અપ અને રમ્યા પછી કૂલ-ડાઉન થવું જરૂરી છે

આજની તારીખે આપણે બેઠાડુ જીવન જીવીએ છીએ અને અચાનકથી નવરાત્રિ આવી જાય જેમાં ગરબા રમવા આપણને ગમતા હોય અને ઉત્સાહ સાથે આપણે ગરબાના ગ્રાઉન્ડ પહોંચી જઈએ તો ગરબાની મજા સજામાં પરિણમી શકે છે, કારણ કે કોઈ ને કોઈ ઇન્જરી થવાની શક્યતા ઘણી વધી જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને એક્સરસાઇઝની બિલકુલ આદત હોય નહીં. ગરબા પછીની ઇન્જરીમાં ઘૂંટણની ઇન્જરી ખૂબ જ કૉમન અને ગંભીર પ્રકારની ઇન્જરી છે જે માટે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 
નવરાત્રિ દરમ્યાન ઉત્સાહભેર ગરબા રમતી વખતે ઘૂંટણની તકલીફ કે ઇન્જરીથી બચવા અને સુરક્ષિત રીતે ગરબાની મજા માણવા માટે અમુક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. 
ગરબા રમતી વખતે ક્યારેય ખાલી પગે, હાઈ હીલ્સ કે સ્લીપર્સ પહેરીને ન રમો. સારા શૉર્ટ્સ કે કુશનિંગવાળાં સ્નીકર્સ અથવા સ્પોર્ટ્‍સ શૂઝ પહેરો, જે ઘૂંટણ અને પગના સાંધા પર પડતા આંચકા ઓછા કરે છે.
 ગરબા રમતા પહેલાં વૉર્મ-અપ ચોક્કસ કરો. સીધા જ હેવી ગરબા કે સ્પીડમાં રમવાનું શરૂ ન કરો. મેદાન પર જતાં પહેલાં પાંચથી ૧૦ મિનિટ હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને વૉર્મ-અપ કરો, જેથી ઘૂંટણ અને પગના સ્નાયુઓ ખૂલી જાય અને જકડાઈ ન જાય.
ગરબા રમતી વખતે ધ્યાન રાખવું કે શરીરનું વજન યોગ્ય રીતે પગ પર વહેંચાય. ગરબાનાં સ્ટેપ્સ કરતી વખતે ઘૂંટણ પર અચાનક વધારે ભાર ન પડે એનું ધ્યાન રાખો. ટર્ન લેતી વખતે અથવા ગોળ ફરતી વખતે ઘૂંટણને તદ્દન લૉક-કડક ન કરો, થોડા હળવા કે સૉફ્ટ રાખો. 
ગરબા રમતી વખતે ઢાળ કે અસમથળ સપાટીથી સાવધ રહેવું પણ જરૂરી છે. જો તમે મેદાનમાં ગરબા રમતા હો તો જમીન ક્યાંકથી ઊંચી-નીચી કે ખાડાવાળી ન હોય એનું ધ્યાન રાખો. અસમથળ સપાટી પર પગ મચકોડાઈ જવાથી ઘૂંટણમાં ગંભીર ઇન્જરી થઈ શકે છે.
 પાણી અને હાઇડ્રેશનનું ખાસ ધ્યાન રાખવું. લાંબા સમય સુધી સતત ગરબા રમવાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ખામી સર્જાઈ શકે છે, જેનાથી સ્નાયુઓમાં ખેંચાણ અને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. વચ્ચે-વચ્ચે પાણી, છાશ કે લીંબુપાણી પીતા રહો. 
 શરીર થાક્યું હોય એવા સંકેતો મળે તો વચ્ચે વિરામ લો. સળંગ કલાકો સુધી રમવાને બદલે વચ્ચે થોડો આરામ કરો. જો ઘૂંટણમાં કે પગના સ્નાયુઓમાં થોડો પણ દુખાવો કે ખેંચાણ અનુભવાય તો તરત જ રમવાનું થોભાવી દો અને પગને આરામ આપો.
 રમ્યા પછી કૂલ-ડાઉન અને સ્ટ્રેચિંગ કરવું પણ ખૂબ જ જરૂરી છે. ગરબા પૂરા કર્યા પછી તરત જ બેસી ન જાઓ. બે મિનિટ હળવું વૉક કરો અને પગના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ કરો, જેથી બીજા દિવસે સોજા કે જકડાઈ જવાની સમસ્યા ન થાય. 

lifestyle news life and style healthy living health tips columnists navratri