09 January, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ન્યુટ્રિશન સાયન્સ અત્યાર સુધીમાં એ સમજી ગયું છે કે વ્યક્તિએ દરરોજ કેટલું પ્રોટીન, કેટલું કાર્બ્સ, કેટલાં વિટામિન્સ અને કેટલાં મિનરલ્સ લેવાં જોઈએ. આ ગણતરી મુજબ દરરોજ બૅલૅન્સ્ડ અને પોષણયુક્ત આહારની દરેક વ્યક્તિને જરૂર છે પરંતુ દરરોજ એ નિશ્ચિત માત્રા વ્યક્તિ જમવાનું બનાવીને, ખાઈને શરીરમાં ઉમેરી નથી શકતી. વળી એટલી માત્રા લેવા જતાં ક્યારેક કૅલરી-કાઉન્ટ વધી પણ જઈ શકે છે. બીજું એ કે જમવાનું બનાવવાનો અને જમવાનો સમય જ ક્યાં છે લોકો પાસે? આ તકલીફોમાંથી ફૂડ-ઇન્ડસ્ટ્રીએ બહાર પાડ્યું મીલ રિપ્લેસમેન્ટ ડાયટ. જો તમારી પાસે ખાવાનું બનાવવાનો કે ખાવાનો સમય ન હોય અને છતાં તમે ઇચ્છતા હો કે તમને પૂરતું પોષણ મળી રહે તો એનો શૉર્ટકટ એટલે જ મીલ રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ્સ.
જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય કે ઉતાવળમાં હોય ત્યારે તે હંમેશાં ખાવાની ચૉઇસ ખોટી કરે છે. આ કન્ડિશનમાં તે બૅલૅન્સ્ડ ફૂડને બદલે અનહેલ્ધી ફૂડ જ ખાય છે. હવે જ્યારે એટલી જ ઝડપથી અને વગર કોઈ મહેનતે મીલ રિપ્લેસમેન્ટ શેક મળે તો એ વધુ જ હેલ્ધી સાબિત થાય છે. એ ફાસ્ટ છે પરંતુ ફાસ્ટ ફૂડ જેટલું અનહેલ્ધી નથી. ઘણી વાર વ્યક્તિ ઘરનું બનાવેલું જ ખાતી હોય છે પરંતુ ઘરે આપણે હંમેશાં બધું જ બૅલૅન્સ કરીને બનાવતા નથી જેથી કોઈ ને કોઈ પોષક તત્ત્વ છૂટી જાય છે. આમાં એ મળી જાય છે. એમાં કૅલરીઝ ખૂબ ઓછી હોય છે. એટલી જ કૅલરી હોય છે જેટલી દિવસ દરમિયાન તમને જરૂરી છે. આમ લો-કૅલરી ડાયટને કારણે વજન પણ ઊતરે છે. અમુક સ્ટડીઝ બતાવે છે કે મીલ રિપ્લેસમેન્ટ શેકને કારણે વજન જલદીથી ઊતરે છે. એમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ભૂખ પણ ઓછી લાગે છે. પેટ ભરેલું રહે છે.
મીલ રિપ્લેસમેન્ટ શેક કે એવી જ બીજી પ્રોડક્ટ્સના ઉપયોગનાં અમુક નુકસાન પણ છે. મોટા ભાગના મીલ રિપ્લેસમેન્ટ શેકમાં શુગર, કૉર્ન સિરપ, હાઇડ્રોજનેટેડ વેજિટેબલ ઑઇલ, આર્ટિફિશ્યલ ફ્લેવર્સ, કેમિકલયુક્ત પ્રિઝર્વેટિવ્ઝ ઉમેરેલાં હોય છે. વળી એમાં જે વિટામિન્સ હોય એ પણ નૅચરલ નથી, ફોર્ટિફાઇડ એટલે કે બહારથી ઉમેરવામાં આવેલાં અને કેમિકલથી બનાવેલાં હોય છે. બીજું એ કે એનાથી શૉર્ટટર્મ વેઇટલૉસ ગોલ પૂરા કરી શકાય છે પરંતુ કાયમી ગોલ્સ નહીં. જો તમને કાયમી વેઇટલૉસ જોઈતું હોય તો જરૂરી છે કે તમે તમારી જીવનશૈલી બદલો, ન કે મીલ રિપ્લેસમેન્ટ જેવા શૉર્ટકટ્સ અપનાવો. મીલ રિપ્લેસમેન્ટ તમારા ખાવાના ક્રેવિંગ્સને અટકાવતું નથી કે તમારી ખોરાકની ખોટી ચૉઇસને બદલાવતું પણ નથી. આમ લાંબા ગાળે તમને એ કોઈ ફાયદો આપતું નથી.