09 January, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુનિયામાં માનસિક રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ પ્રમાણ હજીયે વધશે અને આ જાગૃતિને કારણે મનોચિકિત્સક પાસે જતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી જેવા તીવ્ર માનસિક રોગોમાં ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ અનિવાર્ય હોય છે. મસ્તિષ્કમાં આવતા કેમિકલ ચેન્જિસને દવાઓથી સંતુલિત કરવાના પ્રયાસ થાય છે. જોકે ભારતીય મૂળના અને જર્મનીના બર્લિનમાં સ્થાયી થયેલાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અરુણા તુમલ્લાએ તાજેતરમાં પોતાના કેટલાક કેસ-સ્ટડીઝ જાહેર કરીને સિત્તેર ટકા દરદીઓને ડિપ્રેશન અને સિવિયર ઍન્ગ્ઝાયટીને દૂર કરવાનું કામ તેમણે કોઈ પણ જાતની દવા વિના જ કરી દેખાડ્યું અને તેમની આ સિદ્ધિની નોંધ પ્રસિદ્ધ મેડિકલ જર્નલમાં પણ લેવામાં આવી છે. દરઅસલ દવા વિના કઈ રીતે તેમણે દરદીઓને સાજા કર્યા એનો વિગતવાર પ્રકાશિત રિપોર્ટ છે જે સામાન્ય બદલાવ પણ કેવા અસરકારક હોઈ શકે એ સૂચવે છે. કેવા-કેવા બદલાવ તેમણે દરદીઓની જીવનશૈલીમાં કર્યા અને કયા લૉજિકના આધારે તેમની પદ્ધતિ કામ કરી ગઈ એ વિશે જાણીએ.
ઇન્ટિગ્રેટિવ સાઇકિયાટ્રીમાં નિષ્ણાત ડૉ. તુમ્મલા આયુર્વેદ અને ફંક્શનલ મેડિસિનમાં પણ પ્રશિક્ષિત છે. તેમની થિયરી મુજબ માનસિક બીમારીને મગજની અલગ સમસ્યા તરીકે નહીં, પરંતુ શરીરના અન્ય ભાગોમાં થતા શારીરિક અસંતુલનના પરિણામ તરીકે જોવી જોઈએ અને એટલે જ માનસિક રોગોની સારવાર માટે દવાઓ કરતાં જીવનશૈલી અને આહારશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ અસરકારક છે. તેમના સફળ સારવાર મૉડલનો આધાર એ છે કે લગભગ દરેક દરદીએ કેટલાક સામાન્ય નિયમોનું પાલન કરવું જોઈએ. સૌથી પહેલાં તો ડૉ. તુમ્મલા તેમના દરદીઓને સારવાર દરમિયાન ‘સ્ટાન્ડર્ડ અમેરિકન ડાયટ (SAD)ને સદંતર બંધ કરવાનો નિયમ આપે છે. આ નિયમનો અર્થ એ છે કે પ્રોસેસ્ડ ફૂડ, વધુપડતી ખાંડ, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને બિનઆરોગ્યપ્રદ ચરબીનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરી દેવો.
આ મનોરોગ તજજ્ઞની ટ્રીટમેન્ટ આંતરડાં-મગજ જોડાણ એટલે કે ગટ-બ્રેઇન કનેક્શનના સિદ્ધાંત પર આધારિત છે. તેઓ માને છે કે મોટા ભાગના રોગોની શરૂઆત આંતરડામાંથી થાય છે. ખરાબ આહાર આંતરડાના માઇક્રોબાયોમને નુકસાન પહોંચાડે છે, જે ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક લક્ષણો તરીકે પ્રગટ થાય છે.
એટલે જ જો ભોજન સુધારાય અને મગજને શાંત કરવા માટે યોગ અને ધ્યાનનો નિયમિત અભ્યાસ થાય તો ચોક્કસપણે વ્યક્તિની મેન્ટલ હેલ્થને દવા વિના પણ સુધારી શકાય છે. ડૉ. તુમ્મલા આહારમાં શાકભાજી, ફળો, કઠોળ, ઑલિવ તેલ, નારિયેળ તેલ, ઘી, અખરોટ, આખું ધાન, કીન્વા, ઓટ્સ, બ્રાઉન રાઇસ અને બાજરી, આયુર્વેદના આધારે હળદર અને આદુંનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેઓ પણ આયુર્વેદની ઋતુચર્યા અને દિનચર્યામાં નિયમિતતાને પ્રાધાન્ય આપે છે.
ડૉ. તુમ્મલાના મતે લગભગ તમામ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનાં ત્રણ સામાન્ય મૂળ કારણો છે, અને તેમનો સારવાર કાર્યક્રમ આ કારણોને સંબોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે...
ખરાબ આહાર : જેમાં સમાવેશ થાય છે પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડના વધુપડતા સેવનનો.
આઘાત : શારીરિક અને માનસિક આઘાતના વણઉકેલાયેલા મુદ્દાઓ.
ટૉક્સિન્સ : સતત હાનિકારક કેમિકલના સંપર્કમાં રહેવું.