30 April, 2026 02:31 PM IST | Mumbai | Dr. Pankaj Parekh
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બાળક જન્મે પછી ૬ મહિનાનું થાય ત્યાં સુધી તે ફક્ત સ્તનપાન પર જ હોવું જોઈએ. ફક્ત દૂધ પીતા બાળકને પણ પાચન સંબંધિત તકલીફ હોઈ શકે? હા, હોઈ શકે છે. જો તે દર બે દિવસે પૉટી જાય અને પૉટી પાસ કરવામાં ખૂબ જોર કરે અને રડે, પૉટી પણ હાર્ડ આવે, આખો દિવસ તેનું રડવાનું થોડું-થોડું ચાલુ જ રહે પણ સાંજ પડ્યે તે ખૂબ રડે, તેનું પેટ પણ કડક થઈ જતું લાગે તો સમજવું કે તેને કબજિયાત છે. આટલા નાના બાળકને પણ વયસ્ક લોકોની જેમ જ કબજિયાત થઈ શકે છે.
બાળકની પૉટી હાર્ડ આવે એનો અર્થ જ એ કે તેને કબજિયાત છે. નાનાં બાળકોમાં ક્યારેક એવું થાય કે બે-ત્રણ દિવસે પણ બાળક પૉટી જાય; પરંતુ જો એ નરમ હોય તો એ નૉર્મલ જ ગણાય, એને કબજિયાત ન કહેવાય. તમારું બાળક પૉટી પાસ કરતી વખતે રડે છે, કારણ કે સ્ટૂલ હાર્ડ એટલે કે કડક છે જેને લીધે એને પાસ કરવામાં તકલીફ પડે છે. વળી કબજિયાતને લીધે ગૅસ થઈ જતો હોય એને લીધે પેટ કડક થઈ જાય છે. તમને બાળકની પૉટીની પૅટર્ન સમજાવું તો હકીકતમાં બાળક જન્મે ત્યારે પહેલા બે દિવસ તેને કાળા રંગની પૉટી થાય છે જે પ્રમાણમાં ઘણી પ્રવાહી હોય છે. એ પછી જ્યારે તે સ્તનપાન કરે છે ત્યારે બાળક એક દિવસમાં ઓછામાં ઓછી પાંચ વાર પૉટી કરે છે. એનાથી વધારે વાર કરે તો વાંધો નહીં, પરંતુ ઓછી વાર કરે તો પ્રૉબ્લેમ ગણાય છે. આ ઉંમરમાં પીળા રંગની સૉફ્ટ પૉટી હોય છે. જે બાળકો માનું દૂધ ન પીતાં હોય અને ગાયનું પીતાં હોય તેમની પૉટી સ્તનપાનવાળા બાળક કરતાં થોડી કડક રહે છે. ૪ મહિનાનું બાળક થાય ત્યારે તે દિવસમાં ઓછામાં ઓછી બે વાર પૉટી કરે છે.
આ તકલીફ માટે બાળકને ઉપરથી પાણી ન પીવડાવો, પરંતુ ચકાસો કે તેને તમારું દૂધ તો ઓછું નથી પડી રહ્યુંને? ક્યારેક મમ્મીને એવું થાય છે કે સમજાય નહીં કે બાળકને પૂરતું દૂધ મળ્યું કે નહીં. તમારું બાળક ભૂખ્યું રહી જતું હશે એટલે પણ આટલું રડ-રડ કરે છે. તમે તેનું વજન ચકાસો. જો એ વધતું ન હોય તો એનો અર્થ એ કે તેને દૂધ ઓછું પડે છે. તમે કોશિશ કરો કે તમારા દૂધની માત્રા વધે. દૂધ વધે એવો વ્યવસ્થિત ડાયટ લેવાથી એ શક્ય છે. બાળકને જ્યારે પૂરતું દૂધ મળશે ત્યારે તેની કબજિયાત આપોઆપ દૂર થઈ જશે.