હાડકાંનો ઘસારો બંધ ન થઈ શકે પણ એની સ્પીડને રોકવા એક્સરસાઇઝ કરો

08 January, 2026 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ એ બન્ને પ્રકાર આર્થ્રાઇટિસના મુખ્ય પ્રકારો ગણાય.

પ્રતીકાત્મક તસવીર

મોટી ઉંમરે શરીર ઘસાઈ જાય છે એને કારણે જુદા-જુદા રોગ થાય છે, જેમાંનો એક રોગ એટલે આર્થ્રાઇટિસ. આર્થ્રાઇટિસને આપણે સાદી ભાષામાં સંધિવા કહીએ છીએ છે જેનો સીધો અર્થ સ્નાયુમાં આવતો સોજો કરી શકાય. શરીરના અલગ-અલગ સ્નાયુઓ પર અલગ-અલગ કારણોસર સોજો આવે અને એને લીધે દુખાવો થાય, એ સ્નાયુઓનું હલનચલન મુશ્કેલ બનતું જાય તે પરિસ્થિતિ એટલે જ સંધિવા કે આર્થ્રાઇટિસ. આ રોગ વિશે સમજવાની બાબત એ છે કે ઉંમર થાય એમ વ્યક્તિને ખભા, ગરદન, ઘૂંટણ, કોણી જેવા સાંધાઓમાં નાની-મોટી તકલીફો શરૂ થઈ જતી હોય છે. આ તકલીફો જેવી શરૂ થાય એવી જ એને ઓળખીને એનો ઇલાજ શરૂ કરી દઈએ તો ઘણો ફાયદો થાય છે. ઉંમર સાથે આવતો આર્થ્રાઇટિસ ઉંમરની સાથે વધતો પણ જાય છે. પણ આ વધવાની સ્પીડ દરેકની જુદી-જુદી હોય છે. આપણે જે કામ કરવાનું છે એ છે આ સ્પીડ પર.

મારી પાસે દિવસના અઢળક દરદીઓ આવે છે જે એ વાતથી ડિસ્ટર્બ થઈ ગયા હોય છે કે તેમને આર્થ્રાઇટિસ આવી ગયો. એનું નિદાન આવે એટલે લોકો દુખી થઈ જતા હોય છે. તેમને લાગે છે કે તેમની એજિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ. પરંતુ હકીકત એ છે કે એજિંગનું તમે કંઈ કરી જ ન શકો. એ એક એવી રિયલિટી છે જેનો તમારે સામનો કરવો જ રહ્યો. પરંતુ એ ચોક્કસ છે કે એને લીધે જે તમને દુખાવો રહે છે જેને કારણે રોજિંદાં કામો અટકે છે એ ન થવું જોઈએ તો એ દુખાવા માટે આપણે કંઈક કરી શકીએ. મેડિકલ સાયન્સની મદદથી દુખાવાથી રાહત ચોક્કસ પૂરેપૂરી મળે અને બીજું એ કે ધ્યાન રાખવાનું છે કે આ રોગ આગળ ઝડપથી ન વધે. એને જેટલો તમે રોકી શક્યા એટલી એ સાંધાની સર્જરી કે ની-ટ્રાન્સપ્લાન્ટ મોડા આવશે કે કદાચ આવે જ નહીં.

ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ એ બન્ને પ્રકાર આર્થ્રાઇટિસના મુખ્ય પ્રકારો ગણાય. રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસમાં મુખ્ય ઇલાજ દવાઓ છે. એમાં ૭૦ ટકા દવાઓ અને ૩૦ ટકા એક્સરસાઇઝ અસર કરે છે. જ્યારે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ જે ઉંમર સાથે આવે છે એમાં ૧૦૦ ટકા એક્સરસાઇઝ જ કામ કરે છે. એમાં પણ રોગ આવે એ પહેલેથી જો તમે આ એક્સરસાઇઝ કરતા હો તો રોગ આવે જ નહીં અને રોગ આવ્યાની શરૂઆતમાં જો તમે એક્સરસાઇઝ કરતા હો તો રોગ આગળ ઝડપથી વધતો અટકે છે. એટલે આ રોગમાં મુખ્ય ઇલાજ એક્સરસાઇઝ છે. આ રોગની જો શરૂઆત હોય તો એના ઇલાજમાં દવાઓ કરતાં પણ વધુ મહત્ત્વ એક્સરસાઇઝનું છે.

health tips healthy living life and style lifestyle news columnists