27 October, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેડિકલ સાયન્સની પ્રગતિ સતત ચાલુ જ છે, પરંતુ આપણી પાસે રહેલો સૌથી મોટો ફાયદો હજી પણ વહેલું નિદાન જ છે. આજે ઉપલબ્ધ તમામ અત્યાધુનિક દવાઓ છતાં સ્તન-કૅન્સરની જાગૃતિના મહિનામાં હું મહિલાઓને જે સૌથી મહત્ત્વપૂર્ણ સંદેશ યાદ રખાવવા માગું છું એ સરળ છે કે એને શરૂઆતના તબક્કામાં જ પકડી પાડો એટલે કે એનું વહેલું નિદાન કરો.
સ્તનના કેન્સરનું નિદાન જ્યારે શરૂઆતના તબક્કામાં જ થઈ જાય છે ત્યારે એ સંપૂર્ણપણે મટી શકે એવી સંભાવના ધરાવે છે. ઘણી મહિલાઓ પોતાની સર્જરી અને જરૂરી વધારાની સારવાર પૂરી કરે છે અને ત્યાર બાદ પોતાના સામાન્ય જીવનમાં પાછી ફરી જાય છે. કમનસીબે, આપણે હજી પણ એવી મહિલાઓને જોઈએ છીએ જેમણે મહિનાઓથી સ્તનમાં ગાંઠ જોઈ હોય, પરંતુ ડૉક્ટરનો સંપર્ક કરવામાં વિલંબ કર્યો હોય - ક્યારેક તેઓ ડરી ગયા હોવાને કારણે, ક્યારેક ત્યાં કોઈ દુખાવો નહોતો એટલા માટે તો ઘણી વાર માત્ર એટલા માટે કે તેઓ અન્ય તમામ સભ્યોની સંભાળ રાખવામાં ખૂબ વ્યસ્ત હતાં.
હું અવારનવાર મારી મહિલા દરદીઓને એક બહુ જ સરળ વાત કહું છું. મહિનામાં એક વાર તમારા પોતાના માટે થોડી મિનિટો ફાળવો. ભારતીય પરિવારમાં મહિલા અવારનવાર સમગ્ર ઘરની કરોડરજ્જુ સમાન હોય છે. તે પોતાનાં બાળકો, પતિ, માતા-પિતા અને ઘણી વાર પોતાનાં વૃદ્ધ સાસુ-સસરાની પણ કાળજી લે છે. જોકે અન્ય સભ્યોની સંભાળ રાખવાની આ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તે પોતાની સંભાળ રાખવાનું ભૂલી જાય છે અને જો પરિવારની કરોડરજ્જુ જ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખે તો પછી કોણ રાખશે?
તમારાં સ્તન સામાન્ય રીતે કેવાં દેખાય છે અને કેવાં અનુભવાય છે એનાથી પરિચિત થાઓ. જો તમને કોઈ નવી અથવા અસામાન્ય બાબત નજરે પડે તો એને અવગણશો નહીં. આમાં નીચે મુજબનાં લક્ષણોનો સમાવેશ થઈ શકે છે.
સ્તન અથવા બગલમાં નવી ગંઠાઈ કે ત્વચા જાડી થવી.
સ્તનના આકાર અથવા એના બંધારણમાં ફેરફાર થવો.
નીપલનું અંદરની તરફ ખેંચાવું કે વળી જવું.
નીપલમાંથી અસામાન્ય સ્રાવ થવો, ખાસ કરીને લોહીવાળો સ્રાવ થવો.
ત્વચા પર ખાડા પડવા, કરચલીઓ થવી કે ત્વચાના અન્ય ફેરફારો થવા.
સતત લાલાશ કે સોજો રહેવો કે સ્તનમાં અન્ય કોઈ પણ નવો અથવા અસ્પષ્ટ ફેરફાર થાય તો રોકાયા વગર તાત્કાલિક ઑન્કોલૉજિસ્ટને મળો. સ્તનમાં ગાંઠ મળવાનો અર્થ એવો નથી કે એ કૅન્સર જ છે. સ્તનની ઘણી ગંઠાઈઓ સામાન્ય હોય છે, પરંતુ સતત રહેતો કે શંકાસ્પદ ફેરફાર તબીબી તપાસને પાત્ર છે.
આ સમયે મેમોગ્રાફી અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. મહિલાઓએ ખાસ કરીને ૪૦ વર્ષની ઉંમર પછી તેમના ડૉક્ટર સાથે સ્તનના કૅન્સરના સ્ક્રીનિંગ અંગે ચર્ચા કરવી જોઈએ. ઉંમર, સ્તનની ઘનતા, પારિવારિક ઇતિહાસ અને વ્યક્તિગત જોખમના આધારે ડૉક્ટર નિયમિત મેમોગ્રાફી અને ચોક્કસ મહિલાઓમાં સ્તનની અલ્ટ્રાસાઉન્ડ કે MRI કરાવવાની ભલામણ કરી શકે છે. આમ સ્ક્રીનિંગ જરૂરી છે એ સમજો.
ડૉ. જેહાન ધાભર અનુભવી કન્સલ્ટન્ટ મેડિકલ ઑન્કોલૉજિસ્ટ અને હેમેટો-ઑન્કોલૉજિસ્ટ છે. પ્રતિભાવ માટે ઈમેઇલ કરી શકો છો
- ડૉ. જેહાન ધાભર