અહીં મળશે કોલ્હાપુરી અને પુણેરી ટેસ્ટનું કૉમ્બિનેશન ધરાવતું મિસળ

22 November, 2025 10:26 PM IST  |  Mumbai | Darshini Vashi

વિલે પાર્લેમાં વર્ષો જૂની ‘છાન-ચવદાર’ નામની મહારાષ્ટ્રિયન વાનગી પીરસતી જગ્યા આવેલી છે જેનું મિસળ ઘણું પ્રખ્યાત છે

અહીં મળશે કોલ્હાપુરી અને પુણેરી ટેસ્ટનું કૉમ્બિનેશન ધરાવતું મિસળ

મહારાષ્ટ્રમાં લગભગ પાંચ જગ્યાનાં મિસળ સૌથી વધારે પ્રખ્યાત છે : નાશિક, પુણે, કોલ્હાપુર, નાગપુર અને ખાનદેશ. આ દરેક મિસળ એના ટેસ્ટ, રસા અને એમાં પડતી સામગ્રીને લઈને ફેમસ છે; પણ જો કોઈ બે ફેમસ મિસળને એકસાથે એક જ પ્લેટમાં લઈ આવે તો મજ્જા જ પડી જાય. 

વિલે પાર્લેમાં આવેલી છાન-ચવદાર નામની જગ્યા લગભગ ૩૦ વર્ષ જૂની છે. એક કાકા ઓલ્ડ સ્ટાઇલના ઘર જેવી નાનકડી શૉપમાં મિસળ બનાવીને વેચે છે. એકદમ સિમ્પલ અને વિન્ટેજ લુક આપતી આ જગ્યાએ મિસળ ખાવા માટે લાઇન લાગે છે. શૉપની બહાર પ્લાસ્ટિકનું ટેબલ ગોઠવેલું છે જ્યાં બેસીને લોકો મિસળનો આનંદ લઈ શકે છે. મિસળ ઉપરાંત અહીં બીજી પણ અનેક મહારાષ્ટ્રિયન વાનગીઓ મળે છે, પણ અહીંનું મિસળ સૌથી વધારે પ્રખ્યાત છે. આ કાકા કોલ્હાપુરી અને પુણેરી સ્વાદ સાથેનું મસાલેદાર મિસળ પીરસે છે. તીખું અને મસાલેદાર ખાવાના શોખીનો માટે આ સ્થળ એકદમ પર્ફેક્ટ રહેશે. કોલ્હાપુરી મિસળમાં કાંદા-લસણના મસાલાનો ઉપયોગ થવાને કારણે એ ખૂબ જ મસાલેદાર હોય છે; જ્યારે પુણેરી મિસળ હળવું હોય છે અને એમાં થોડી મીઠાશ હોય છે. એમ અહીંના મિસળમાં બન્ને ટેસ્ટનો સમન્વય થયેલો છે. બીજું એ કે અહીં મિસળ સાથે અલગથી કાંદા કે લીંબુ આપવામાં આવતાં નથી. કાંદા ઉપર જ નાખીને સર્વ કરવામાં આવે છે. મિસળ સર્વ કરવામાં આવે ત્યારે લીંબુના રસની એક બૉટલ આપવામાં આવે છે એટલે જેને જોઈએ એટલું લીંબુ તે તેના મિસળમાં નાખી શકે છે. આ સિવાય અહીં અનેક પ્રકારની મહારાષ્ટ્રિયન વાનગી પણ પીરસવામાં આવે છે. અહીંનાં વડાપાંઉ પણ એટલાં જ ફેમસ છે જે એની ચટણીને લીધે જ વધુ પ્રખ્યાત છે - ખાસ કરીને લસણની ચટણી. અહીં મિસળ વિથ બટાટાવડાં પણ મળે છે જે પણ ટ્રાય કરવા જેવાં છે. મહારાષ્ટ્રિયન ફૂડની વાત થતી હોય ત્યારે કોકમ શરબતને કેમ કરીને ભૂલી જવાય? અહીં આવતા લોકો ભલે કોઈ પણ ડિશનો ઑર્ડર કરે, સાથે કોકમ શરબત તો ચોક્કસ પીતા જ હોય છે. 

ક્યાં મળશે?: છાન-ચવદાર, પાર્ક રોડ, નવપાડા, વિલે પાર્લે-ઈસ્ટ

food news street food indian food Gujarati food mumbai food maharashtra news vile parle